જૂનાગઢ જિલ્લાના વંથલી સોરઠ પંથકમાં સિંહ અને દીપડાઓના આંટાફેરા દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે અનેક વખત સિંહ અને દીપડાઓ હાઇવે પર પણ પહોંચી જતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વંથલી તાલુકાના અલગ અલગ ગામોમાં અનેક વખત માનવ અને પશુઓને રંજાડ કરવાના બનાવો સામે આવેલ છે. ત્યારે ગઈ મોડી રાત્રે વધુ એકવાર વંથલી ઉબેણ કાંઠા નજીક આવેલ વાડી માલિક જુનેદ ગફારભાઈ વાજાની વાડીમાં સિંહ દ્વારા ધણખૂંટનું મારણ કરતા વાડી માલિક દ્વારા સવારે ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગને જાણ કરાઇ હતી.
હાલ તો વંથલી શહેર સહિત આજુબાજુના સીમ વિસ્તારમાં વસવાટ કરતા ખેડૂતો અને પશુપાલકોમાં પણ સિંહ દ્વારા કરવામાં આવેલ ધણખૂંટના શિકારને લઈ ફફડાટ ફેલાયો છે. ત્યારે વંથલી વિસ્તારમાં ઉબેણ કાંઠા નજીક વાડીમાં સિંહે શિકાર કર્યા બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર લક્ષ્મણ સુત્રેજાએ જણાવ્યું હતું કે સિંહે શિકાર કર્યાની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે અને તપાસ હાથ ધરી છે. તેમજ જે વાડી માલિકના પશુનો શિકાર થયો છે તે બાબતે યોગ્ય તપાસ કરી વન વિભાગ દ્વારા વળતર પણ આપવામાં આવશે અને ગિરનાર જંગલ વિસ્તારમાંથી સિંહો છે તે વારંવાર વંથલી પંથકમાં આવી ચડતા હોય છે અને સિંહને વાડી વિસ્તારમાં આંબાના બગીચા, ચીકુના બગીચાઓનું વાતાવરણ માફક આવવાને કારણે વારંવાર સિંહો અહીં આવી ચડતા હોય છે અને પાણીની સુવિધાઓ પણ સહેલાઈથી મળી રહેતી હોય છે. હાલ જે વાડી વિસ્તારમાં શિકાર થયો છે તે જગ્યા પર વન વિભાગ પહોંચી અને તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.