જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાલ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, તંત્રની બેધારી નિતીથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ ઐતિહાસિક ઉપરકોટમાં અંદર અનેક દબાણો થઇ ગયા હોવાની સોશ્યલ મિડીયામાં વ્યાપક ચર્ચાઓ ઉઠ્યા બાદ તંત્રએ ડિમોલીશનની કામગીરી શરૂ કરી હતી. પરંતુ કમનસીબે ઉપરકોટની અંદરના દબાણો હટાવવાના બદલે બહારના ભાગે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. ત્યારે અન્ય દબાણકરનારાને છાવરતા તંત્રએ ઉપરકોટની બહાર ઉભી રોજગારી મેળવનાર લોકોને ટાર્ગેટ બનાવી દબાણ દૂર કર્યા હતા.
ત્યારે તંત્રની આ બેધારી નિતીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.બીજી તરફ માર્કેટિંગ યાર્ડ બાજુ પણ કોર્પોરેશનની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે ઘસી આવી હતી અને 90 ઝૂપડાને દૂર કર્યા હતા. સાથે છાપરા, કેબીનો, પાકા દબાણો, ઓટલા વગેરેને પણ દુર કર્યા હતા. ખાસ તો નાના વેપારીઓ કે જે રોજે રોજનું કમાઇ ખાય છે અને રોજગારી મેળવે છે તેમને પણ રાતોરાત દુર કર્યા હતા.
દરમિયાન લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે, કોઇ દબાણો રાતોરાત તો નથી થયા? તો અત્યાર સુધી તંત્રની આંખે પાટા બાંધ્યા હતા જેથી દબાણો ન દેખાયા? ખાસ તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવવાના છે એટલે તંત્રને દબાણ હટાવવાનું દબાણ થતા આ દેખાડો કરાયો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
પહેલા ડેરી તોડી હવે બનાવી દેશે!!
દોલતપરા માર્કેટિંગ યાર્ડ રોડ પર એક સમાજની 50 વર્ષ જૂની ડેરી હતી જે પણ કોર્પોરેશને તોડી નાંખી હતી. બાદમાં લોકો એકઠા થતા એ ડિવીઝન પોલીસ બોલાવવી પડી હતી. લોકોનો રોષ જોયા બાદ કોર્પોરેશનના અધિકારીએ 15 દિવસથી 1 મહિનામાં રોડથી અંદરના ભાગે ડેરી બનાવી આપવાની ખાત્રી આપી હતી બાદમાં લોકોનો રોષ શાંત પડ્યો હતો. - જયેશભાઇ ખેસવાણી.
મજેવડીથી મેડીકલ કોલેજ રોડ પર ક્યારે કામગીરી?
માર્કેટિંગ યાર્ડની બહાર મેઇન રોડ પર મેગા ડિમોલીશન હાથ ધરાયું છે. ત્યારે મજેવડી દરવાજાથી લઇને ભવનાથ જતા રસ્તા પર મેડિકલ કોલેજની બહારની દિવાલે પેશકદમી તેમજ જેલની વાડીથી આગળ વળાંકમાં રહેલા જૂનવાણી મકાનોમાં થયેલ પેશકદમી તેમજ સિવીલ હોસ્પિટલ નજીક થયેલા દબાણો હટાવવાની પણ જરૂર છે. તંત્રનું બુલડોઝર ત્યાં ફરશે ખરૂં? ફરશે તો ક્યારે? - અમૃતભાઇ દેસાઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.