ગામલોકોમાં ફફડાટ:ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા, આલીદર ગામમાં પશુનું મારણ કરી મિજબાની માણી

ગીર સોમનાથ3 મહિનો પહેલા
  • સિંહની બે જુદી જુદી ઘટનાના વીડિયો સામે આવ્યા

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે એવા સમયે જંગલના રાજા માનવ વસાહત વાળા વિસ્તારોમાં આવી ચઢ્યાના બે વીડિયો સામે આવ્યા છે. જેમાં એક કોડીનાર તાલુકાના આલીદર ગામની શેરીમાં પશુનું મારણ કરી મિજબાની માણતો તો બીજો જંગલ નજીકના કોઈ ગામની શેરીમાં લટાર મારતા સિંહના દ્રશ્યો સામે આવ્યા છે. જેના પગલે ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી છે.

વરસાદી માહોલમાં સિંહને શેરીમાં લટાર મારતા જોઈ ગ્રામજનો અચરજ પામ્યા
ઉનાળાની ગરમીના કારણે અકળાઈને તથા ખોરાક- પાણીની શોધમાં સિંહ સહિતના વન્યપ્રાણીઓ માનવ વસાહત વાળા વિસ્તારોમાં આવી ચડતા હતા. પરંતુ હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય અને મેઘરાજા પણ ગીર જંગલ અને ગીર સોમનાથ જિલ્લા પર મહેરબાન થઈ અનરાધાર હેત વરસાવી રહ્યા છે. એવા સમયે જંગલના રાજા એવા ડાલમથ્થા સિંહના બે જુદા જુદા વીડિયો સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં સિંહ જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારની શેરીઓમાં આંટાફેરા કરતો જોવા મળે છે. જે અંગે જાણકારોના મતે ગીર જંગલમાં સતત પડેલ ભારે વરસાદના કારણે ઉદભવેલ કિટકોથી ત્રાસીને ડાલામથ્થો સિંહ જંગલ છોડી શાંતિ માટે ગ્રામ્ય વિસ્તારની શેરીઓ સુધી પહોંચી ગયો હોઈ શકે. જો કે શેરીમાં ફરી રહેલ સિંહને નિહાળી ગ્રામજનો પણ ડરના માર્યા અચરજમાં મુકાઈ ગયા હતા. કારણ કે વરસાદી સીઝનમાં કયારેક જ સિંહો આવી રીતે જોવા મળે છે.

સિંહે શેરીમાં શિકાર કરી આરામથી મિજબાની માણી જ્યારે બીજો વીડિયોમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામે રાત્રીના સમયે ચડી આવેલ સિંહે મારણ કરી મિજબાની માણતો જોવા મળી રહ્યો છે. રાત્રી દરમ્યાન ખોરાકની શોધમાં સિંહ જંગલ નજીક આવેલા આલીદર ગામમાં ચડી આવી શેરીમાં આંટાફેરા મરી રહ્યો હતો. દરમિયાન એક શેરીમાં ગાય સામેથી આવતી જોતા સિંહે તેના પર તરાપ મારી શિકાર કર્યો હતો. બાદમાં ત્યાં શેરીની વચ્ચો વચ્ચ જ સિંહએ આરામથી બેસીને કરેલ શિકારની મિજબાની માણી હતી. આ મિજબાની માણતા દ્રશ્યો કોઈ ગ્રામજનોએ કેમેરામાં કેદ કરી લીધેલ જે વાયરલ થઈ સામે આવ્યા છે. આ બંન્ને ઘટનામાં સિંહ માનવ વસાહતમાં આંટાફેરા કરતા હોવાથી ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...