સંકલ્પ:નવા વર્ષે રાજયની તમામ 182 બેઠકો જીતવાનો પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે સંકલ્‍પ કર્યો, સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી

વેરાવળ25 દિવસ પહેલા
પાટીલનું સન્‍માન કરતા ભાજપના આગેવાનો
  • કેદારનાથ ધામથી પીએમ મોદીના લાકાર્પણ-ખાતમુર્હત સમારોહનું સોમનાથ ખાતે થયેલા લાઇવ પ્રસારણ કાર્યક્રમમાં હાજરી આપી
  • જિલ્‍લા ભાજપના હોદેદારો, આગેવાનો સહિત મોટી સંખ્‍યામાં હાજર રહેલા કાર્યકરોએ મોદીનું સંબોઘન અને કાર્યક્રમ નિહાળ્યો

ઉતરાખંડના કેદારનાથ ઘામ ખાતે આજે નવા વર્ષના પ્રારંભે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે થયેલા વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હત સમારોહનું લાઇવ પ્રસારણ પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ સાંનિધ્યે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ નિહાળી સહભાગી થયા હતા. આ તકે સોમનાથ સંકલ્‍પની ભૂમિ છે ત્‍યારે રાજયની આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતની 182 બેઠકો જીતવાનો સંકલ્‍પ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યો છે.

વર્ષ 2013 ની કુદરતી આપદામાં મોટુ નુકસાન પહોંચેલા ઉતરાખંડ રાજયના પ્રખ્‍યાત કેદારનાથ ધામને ફરી વિકસાવવા અંર્તગત વડાપ્રધાન મોદીએ અનેક પરીયોજનાઓ ધામમાં શરૂ કરાવી છે. તે પૈકીના પુર્ણ થયેલા વિકાસ કામોનું લોકાર્પણ કરવા અને નવા યાત્રી સુવિધાના કામોનું ખાતમુર્હત કરતા આજે નવા વર્ષના દિવસે કેદારનાથ ધામમાં યોજાનારા કાર્યક્રમમાં અને કેદારનાથ મહાદેવના દર્શનાર્થે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પહોચ્‍યાં હતા. આજના કેદારનાધામ ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમનું દેશના બાર જયોતિલીંગ અને શારદાપીઠ સહિતના તીર્થસ્‍થાનોએ લાઇવ પ્રસારણ કરી વર્ચ્‍યુઅલ માઘ્‍યમથી મોદી સંબોધવાના હતા.

જે મુજબ પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપવા ખાસ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પહોચ્‍યાં હતા. સોમનાથ ચોપાટી ખાતે ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના હોદ્દેદારો, સાંસદ, આગેવાનો અને મોટીસંખ્‍યામાં હાજર કાર્યકરોની ઉપસ્‍થ‍િતિમાં કેદારનાધામ ખાતેના સમારોહ અને પીએમ મોદીનું સંબોધન લાઇવ પ્રસારણ નિહાળી સાંભળયું હતું. આ કાર્યક્રમ સ્‍થળે બાર જયોતિલીંગોના શિવલીંગોનું સી.આર.પાટીલ સહિતના આગેવાનોએ પૂજન કર્યુ હતું.

આ તકે નવા વર્ષની રાજયના લોકોને શુભેચ્‍છા પાઠવતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, સોમનાથ મહાદેવની ભૂમિ સંકલ્પની ભૂમિ છે. રાજયની આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ગુજરાતની તમામ 182 બેઠકો જીત્‍વાનો સંકલ્પ સાથે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પ્રાર્થના કરૂ છું. મોદી સરકાર દ્વારા રૂપિયા 7500 કરોડના કામો થકી કેદારનાથ ધામમાં યાત્રી સુવિધા વધારવાના કામો કરવામાં આવી રહ્યા છે. જે પૈકીના અમુક કામો પુર્ણ થયા છે. આજે નવા વર્ષ સાથે દેશવાસીઓએ સંકલ્‍પ કર્યો હોય તે પુર્ણ થાય તેવી શુભેચ્‍છા છે.

દર વર્ષે નૂતન વર્ષાભિનંદનના દિવસે વેરાવળ સોમનાથના ભાજપના આગેવાનો દ્વારા યોજાતા વ્યક્તિગત સ્નેહ મિલનના કાર્યક્રમો આજના કાર્યક્રમને લઈ રદ કરવામાં આવ્યો હતો. તેના બદલે આજના સોમનાથ સાનિધ્યના કાર્યક્રમમાં સ્થળ પર જ જિલ્લા અને શહેર ભાજપના આગેવાનોએ એકબીજાને તથા કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર, રઘુ હુંબલ, લાલજી બાદશાહ, મંત્રી દેવા માલમ, ઉદય કાનગડ, પ્રશાંત કોરાટ, પૂર્વમંત્રી જશા બારડ, બીજ નિગમના ચેરમેન રાજશી જોટવા, યાર્ડના ચેરમેન ગોવિદ પરમાર, જીલ્‍લા પ્રમુખ કિરીટ પટેલ, માનસીંગ પરમાર, ડો.વઘાસીયા, પાલીકા પ્રમુખ પીયુષ ફોફંડી, ઉપપ્રમુખ કપીલ મહેતા, ચેરમેન નિલેશ વિઠલાણી, બાદલ હુંબલ, શહેર પ્રમુખ દેવાભાઇ ઘારેચા, સહિત મોટીસંખ્‍યામાં આગેવાનો-કાર્યકરો તેમજ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ, સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી.પરમાર, જીએમ વિજયસિંહ ચાવડા ઉપસ્‍થ‍િત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...