• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In The Closed Quarters Of The Panchayat In Veraval, A Pangolin Climbed And Was Found Unconscious At The End Of A Four hour Rescue Operation.

દિપડો પહોંચ્યો માનવ વસાહતમાં:વેરાવળમાં પંચાયતના બંધ કર્વાટરમાં દિપડો ચડી આવતા હડકંપ, ચાર કલાકના રેસ્‍કયુ ઓપરેશનના અંતે બેભાન કરી કેદ કરાયો

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેસ્‍કયુ ઓપરેશન કરી રહેલ વન વિભાગનો સ્‍ટાફ - Divya Bhaskar
રેસ્‍કયુ ઓપરેશન કરી રહેલ વન વિભાગનો સ્‍ટાફ
  • દિપડો શહેરના દરિયાકિનારાથી થઈ માનવ વસાહતવાળા વિસ્‍તાર સુધી પહોંચતા લોકોમાં ભયની લાગણી
  • છેલ્‍લા ત્રણ દિવસથી શહેરના સીમાડાના વિસ્‍તારમાં દિપડો દેખા દેતો હોવાની લોકોએ ફરિયાદ કરી હતી

વેરાવળમાં રહેણાંક વિસ્‍તાર નજીક આવેલી સરકારી કર્મચારીઓના બંધ પડતર કર્વાટરમાં આજે ગુરૂવારે બપોરના સમયે દિપડો આવી પહોચ્યો હતો. જેની જાણ થતા વન વિભાગના સ્‍ટાફને થતા વનવિભાગે ચાર કલાકના રેસ્‍કયુ ઓપરેશન બાદ ટ્રેન્‍કયુલર ઇન્‍જેકશન મારી દિપડાને બેભાન કરી કેદ કર્યો હતો. આજે ગુરૂવારે શહેરમાં જે સ્‍થળેથી દિપડો કેદ થયો ત્‍યાંથી થોડે દુર મફતીયાપરા-ખારવા સોસાયટી વિસ્‍તારમાં રાત્રીના સમયે દિપડો દેખા દેતો હોવાની રહીશોએ ફરીયાદ કરી હતી. જેથી વન વિભાગે તે વિસ્‍તારમાં દિપડાને પકડવા પણ પ્રયત્‍ન હાથ ઘર્યા હતા.

વેરાવળ શહેરમાં રેયોન કંપનીની પાછળ આવેલી ખારવા સોસાયટી-મફતીયાપરા વિસ્‍તાર આસપાસ ત્રણેક દિવસથી રાત્રીના સમયે દિપડો આવી આંટાફેરા કરી રહ્યો હોવાની રહીશોએ વન વિભાગને ફરીયાદ કરી હતી. જેને લઇ તે વિસ્‍તારમાં દિપડાને કેદ કરવા પાંજરા પણ મુકવામાં આવ્યાં હતા. આ દરમિયાન આજે ભરબપોરના દોઢેક વાગ્‍યાના સમયે કેસીસી ગ્રાઉન્‍ડની પાછળ આવેલા વિકાસ કોલોનીમાં તાલુકા પંચાયતના સરકારી કર્મચારીના બંઘ પડતર કર્વાટરમાં દિપડો આવી ચડયો હોવાનું રાહદારીના ઘ્‍યાને આવતા તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. જેને લઇ વન વિભાગના અધિકારી સ્‍ટાફ સાથે સ્‍થળ પર દોડી આવ્‍યાં હતા. દિપડાને કેદ કરવા માટે રેસ્‍કયુ કરવું જરૂરી હોવાનું જણાતા ટીમના અન્‍ય સ્‍ટાફકર્મીઓને સ્‍થળ પર બોલાવ્યાં હતા.

રેસ્‍કયુ ઓપરેશન કરી રહેલ વન વિભાગનો સ્‍ટાફ
રેસ્‍કયુ ઓપરેશન કરી રહેલ વન વિભાગનો સ્‍ટાફ

રેસ્‍કયુ અંગે માહિતી આપતા આર.એફ.ઓ. એચ.ડી.ગળચરએ જણાવ્યું કે, પંચાયતના બંઘ પડતર મકાનના એક રૂમમાં દિપડો જોવા મળ્યો હતો. પરંતુ જુનવાણી કર્વાટર હોવાથી બારી બારણા જર્જરીત અવસ્‍થામાં હતા. જેથી પ્રથમ સ્‍ટાફે જે કર્વાટરમાં દિપડો હતો તેને ચારે તરફથી કોર્ડન કરી બારી-બારણા બંઘ કરી દેવામાં આવ્યાં હતા. બાદમાં દિપડો અંદર આંટાફેરા મારી રહ્યો હોવાથી તેને કેદ કરવો કઢીન બન્યું હતુ. પરિસ્‍થ‍િત મુજબ નજીકના અમરાપુર એનીમલ કેર સેન્‍ટર ખાતેથી વેટરનરી તબીબની ટીમને સ્‍થળ પર બોલાવી હતી. આ દરમિયાન દિપડો એક રૂમમાં પહોચ્યો ત્‍યારે તે રૂમની બારીમાંથી વેટરનરી તબીબે ગન વડે ટ્રેન્‍કયુલર ઇન્‍જેકશન મારી દિપડાને બેભાન કરી દીધો હતો. બાદમાં તે બારીમાંથી અંદર પ્રવેશી વનકર્મીએ બેભાન અવસ્‍થામાં રહેલા દિપડાને બહાર લઇ પાંજરામાં કેદ કરી અમરાપુર એનીમલ કેર સેન્‍ટર ખાતે મોકલવા તજવીજ હાથ ઘરી હતી.

વધુમાં એચ.ડી.ગળચરએ જણાવ્યું કે, ચારેક કલાક ચાલેલા રેસ્‍કયુ ઓપરેશન બાદ દિપડો કેદ કરવામાં સ્‍ટાફને સફળતા મળી હતી. કેદ કરાયેલા દિપડો નર અને અંદાજે 9 થી 12 વર્ષનો છે. આ દિપડો જાલેશ્વરના દરીયાકિનારાથી કબ્રસ્‍તાન થઇ કેસીસી ગ્રાઉન્‍ડની પાછળના બંધ પડતર કર્વાટરમાં પહોચ્‍યો હશે તેવું અનુમાન છે. જોકે, તેની ખરાઇ કરવા તપાસ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્‍લા થોડા દિવસોથી વેરાવળના સીમાડાના વિસ્‍તારમાં દિપડો દેખા દેતો હોવાની રહીશોની ફરીયાદ બાદ રહેણાંક વિસ્‍તાર સુધી દિપડો પહોંચી જતા શહેરીજનોમાં ગભરાટની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે આજે જે સોસાયટીમાંથી દિપડો કેદ કરાયો છે ત્‍યાં આસપાસ મોટી માનવ વસતિ વસવાટ કરી રહી છે. ત્‍યારે હવે દિપડો માનવ વસતિ સુધી ન પહોંચે તે માટે વન વિભાગ સર્તક રહે તેવી લોકોમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...