તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝડપાયા:ખાંભામાં સિંહબાળને ફાસલામાં ફસાવવાના પ્રકરણમાં 38 લોકોની ફાસલા સહિતના સાધનો-વન્‍ય પ્રાણીઓના માસ-મટનના મુદામાલ સાથે અટકાયત કરાઇ

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીએફએ પત્રકાર પરીષદ યોજી સૌરાષ્‍ટ્રમાં જુદા-જુદા સ્‍થળોએથી 17 ફાસલાઓ મળી આવ્‍યા
  • પકડાયેલા તમામ શખ્‍સો છેલ્‍લા ચારેક માસથી ખાંભાની સીમમાં ડંગામાં રહેતા હતા
  • પકડાયેલા શખ્‍સોએ નાના સાંડા, શીયાળ જેવા નાના વન્‍યપ્રાણીઓનો શિકાર કરવા ફાસલા ગોઠવતા હોવાની કબુલાત આપી

ગીર સોમનાથના ખાંભા ગામના રેવન્‍યુ વિસ્‍તારમાંથી સિંહ બાળને ફાંસલામાં ફસાવી શિકાર કરવાના પ્રયત્‍નના મામલે વન અઘિકારીઓએ પત્રકાર પરીષદ યોજી આ પ્રકરણમાં ભાવનગર જિલ્‍લામાંથી 38 લોકોની માંસ, છરી, ફાસલા સહિતના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી હોવાનો ઘટસ્‍ફોટ કર્યો હતો. વન વિભાગે ગઇકાલે સૌરાષ્‍ટ્રભરમાં રેડ એલર્ટ હેઠળ હાથ ઘરેલ તપાસમાં જુદા-જુદા સ્‍થળોએ જમીનમાં ગોઠવેલા 17 ફાસલાઓ મળી આવ્યા છે. પકડેલા તમામ લોકો સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના રહીશો હોવાનું અને ડંગા નાંખી દેશી દવા વેંચતા હોવાનું બહાર આવ્‍યુ છે.

આજે સાંજે જૂનાગઢ ખાતે ગીરના સિંહોને ફાસલામાં ફસાવી શિકાર કરવાના મામલે વનવિભાગના સીસીએફ ડો.કે.રમેશએ પત્રકાર પરીષદ યોજી ઘટસ્ફોટ કરતા જણાવેલ કે, ખાંભામાં ફાસલામાં સિંહ બાળ ફસાયાની ઘટનાની તપાસમાં ગઇકાલે પોલીસની મદદથી વડાલ પાસેથી ઇજાગ્રસ્‍ત હબીબ સમશેર પરમાર, અસલમ સમશેર પરમાર (ઉ.વ43), રાજેશ મનસુખ પરમાર (ઉ.વ.22), મનીબેન હબીબ પરમાર (ઉ.વ.55) તમામ રહે.થાન-સુરેન્‍દ્રનગરવાળા હોવાનું બહાર આવેલ હતુ.

વઘુમાં ફાંસલા ગોઠવનાર લોકો દંગા નાંખીને રહેતા હતા અને તા.3 ના રોજ વહેલી સવારે તે વિસ્‍તારમાંથી નાસી ગયેલ હોવાનું સ્‍થાનિકો પાસેથી વિભાગને જાણવા મળેલ હતુ. જયારે ગઇકાલે પકડેલા શખ્‍સોની સઘન પુછપરછમાં તેઓના અન્‍ય સાથીઓ છેલ્‍લા થોડા સમયથી ખાંભા ગામના વિસ્‍તારમાં દંગા બનાવીને દેશી આર્યુવેદીક ઔષઘીઓનું વેંચાણ કરવાનું કામ કરતા હતા. તેમના સાથીઓ ઉના-ભાવનગર તરફ નાસી ગયાનું જાણવા મળેલ હતુ. જેથી મોબાઇલ લોકેશન અને એસઓજી બ્રાંચની મદદથી ભાવનગર શહેરમાં નારી ચોકડી પાસેથી 5 લોકોને તથા જીલ્‍લાના શિહોર વિસ્‍તારમાંથી 25 લોકો (પુરુષ-5, મહિલા-8, બાળકો-12) અટક કરવામાં અવી હતી. આ પકડાયેલા લોકો પાસેથી લોખંડના ફાસલા, સાંકળ, છરી, વન્‍યપ્રાણીના અવશેષો (માંસ હાંડકા) મળી આવ્યા હતા.

પકડાયેલા શખ્‍સો સુરેન્‍દ્રનગરના થાન તાલુકાના રહીશો તેમજ બે શખ્‍સો જુનાગઢના ડુંગરપુર વિસ્‍તારના રહીશો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ હતુ. વધુમાં પાલીતાણાના બગદાણા શહેર પાસે ચેકીંગ દરમ્‍યાન ચાર શખ્‍સોની ફાસલા, વન્‍ય પ્રાણીઓના માંસ-હાંડકા સહિતની સામગ્રીઓ સાથે અટક કરવામાં આવી હતી. આ તમામ શખ્‍સો સામે વન્‍યપ્રાણી સંરક્ષણ અઘિનિયમ- 1972 ની કલમો હેઠળ ગુનો નોંઘી જુનાગઢ, ભાવનગર અને શેત્રુંજી વન વિભાગની કચેરીઓ દ્રારા જુદી-જુદી લાગુ પડતી કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ઘરવામાં આવી છે. પકડાયેલા તમામ શખ્‍સો પાસેથી મળી આવેલ શંકાસ્‍પદ સાઘન-સામગ્રીને વઘુ તપાસ માટે ફોરેન્‍સીક લેબમાં મોકલવા તજવીજ હાથ ઘરાયેલ છે.

સિંહોના શિકારથી અલગ ઘટના હોવાનો વન વિભાગનો ખુલાસો (રટણ)
વધુમાં સીસીએફ ડો.કે.રમેશએ જણાવ્યું કે, આ સમગ્ર પ્રકરણમાં પ્રથમ દ્રષ્‍ટીએ એક જ વિસ્‍તારના લોકો એકબીજાના સહકારથી નાના વન્‍યપ્રાણીઓના શિકાર કરે છે. આ લોકો પારંપરીક દવા, તેલ તથા સારવાર માટે ઔષઘીઓ બનાવવા માટે સાંડા, શીયાળ જેવા નાના વન્‍યપ્રાણીઓનો શિકાર કરતા હોવાનું તપાસમાં જણાયું છે. તપાસમાં સિંહનો શિકાર થયો હોય કે સિંહના શિકાર કરતી શિકારી ગેંગ સંડોવાયેલી હોય તેવા કોઇ પુરાવાઓ મળ્યા નથી. હજુ સુધીની તપાસમાં કોઇ પરપ્રાંતીય શિકારી ગેંગ આપણા વિસ્‍તારમાં સક્રીય હોય કે પકડેલા શખ્‍સો સાથે સંબંઘ હોય તેવું ધ્યાને આવેલ નથી. હજુ આ ઘટના સંબંધે અપાયેલા રેડ એલર્ટ સબબ સઘન ચકાસણીની તપાસ ચાલુ છે. આ તપાસ દરમિયાન ચાર ફાસલા મળી આવેલ હતા. જેમાંથી એક ફાસલામાં સિંહબાળ જ્યારે અન્‍ય એક ફાસલામાં શીયાળ ફસાયેલું મળી આવ્યું હતુ. આ ફાસલાઓ માપમાં નાના હોવાથી તેમાં સિંહ-વાઘ માટે વપરાતા ફાસલાઓ જેવા દાંત કે માપસરની મજબુતી પણ જણાઇ ન હતી.

વનવિભાગે 9 આરોપીને સુત્રાપાડા કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રીમાન્‍ડ પર

વન વિભાગે ચર્ચાસ્‍પદ ગુનામાં પકડેલ બે મહિલા સહિત નવ આરોપીઓને સુત્રાપાડા કોર્ટે પાંચ દિવસના રીમાંડ પર સોપવાનો હુકમ કર્યો છે. આરોપીઓમાં નુરજહા મનસુખ પરમાર (ઉ.વ.65), મણીબેન હબીબ પરમાર (ઉ.વ.55), અસમાલ શમશેર પરમાર (ઉ.વ.43), રાજેશ મનસુખ પરમાર (ઉ.વ.22), શમશેર ગુલાબ પરમાર (ઉ.વ.75), મનસુખ ગુલાબ પરમાર (ઉ.વ.73), માનસીંગ ગની પરમાર (ઉ.વ.28), અરવિંદ ગની પરમાર (ઉ.વ.21), ભીખા શમશેર પરમાર (ઉ.વ.55) તમામ રહે.થાન-સુરેન્‍દ્રનગર ને રજુ કરાયા હતા. ઇજાગ્રસ્‍ત હબીબ શમશેર પરમારની જુનાગઢ સીવીલમાં સારવાર ચાલી રહી હોવાથી અટકાયત કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે.

શિકારીઓ જંગલ નજીક ચાર માસથી રહેતા હોવા છતાં વનવિભાગ અંધારામાં

એક તરફ ગીર જંગલની બાબરિયા રેન્જમાં 2007 માં પરપ્રાંતીય શિકારી ટોળકીએ 6 સિંહોના શિકાર કર્યાની ઘટનામાંથી બોધપાઠ લેવાને બદલે વિભાગ બેદરકારી દાખવતુ હોવાથી શિકારી ગેંગ ફરી સક્રિય થઇ છે. જંગલ આસપાસના વિસ્‍તારોમાં દેશી દવા અને ઓસડિયાં બનાવવા અને વેચાણના ઓથ હેઠળ દંગા બાંધીને શંકાસ્‍પદ લોકો વસવાટ કરી રહયા છે. જંગલમાં દેશી ઔષધિ ગોતવાના બહાને સિંહોની દિનચર્યાની રેકી કરી લોકેશન મેળવી શિકાર કરવાની પરવીમાં રહે છે. પરંતુ ગઇકાલે પકડાયેલી શિકારી ગેંગના 35 થી વઘુ સભ્યો છેલ્લા ચારેક માસથી ખાંભા ગામના રેવન્યુ વિસ્તારમાં દંગો બાંઘી રહેતા હતા તેમ છતાં વન વિભાગનું તેમના તરફ ઘ્‍યાન ન ગયુ તે અનેક સવાલો ઉભા કરે છે. તો બીજી તરફ વનવિભાગ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહયુ છે. સિંહના સંવર્ધન અને રક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે શિકારી ટોળકીઓ ગીર જંગલ સુધી પહોંચી જાય અને વનવિભાગ અંધારામાં રહે તેને લઇને પણ સવાલો ઉઠ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો