આયોજન:કૃષિ યુનિ.ના 18માં પદવીદાન સમારોહમાં 17ને ગોલ્ડ સહિત 578ને પદવી એનાયત

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 18મો વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને ચાન્સેલર આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે 17વિદ્યાર્થીઓને ગોલ્ડ સહિત 578ને પદવી એનાયત કરવામાં આવી હતી. દિક્ષાંત ઉદ્દબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, જે વિદ્યા ભણ્યા છો તેનો સમાજના કલ્યાણમાં-પરોપકારમાં ઉપયોગ કરજો. કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને તેમણે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધનો કરવા આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે, વર્તમાનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે.

તેનાથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન વધશે. ભારતની ધરતીની ખુશ્બુ પાછી આવશે. અનેક રોગોમાંથી મુક્તિ મળશે. પ્રાકૃતિક ખેતી જ વૈજ્ઞાનિક માર્ગ છે.ગુજરાતમાં અત્યારે ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ગુજરાતમાં આગામી 15 મી ઓગસ્ટ સુધીમાં દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. છાત્રોને શીખ આપતા આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મન, વચન અને કર્મથી સદાય સત્યનું આચરણ કરજો. કર્તવ્યપરાયણ બનજો. જીવનમાં માતા-પિતા અને ગુરૂ પ્રત્યે હંમેશા સામાજીક જવાબદારી નિભાવજો.

આ તકે ડો. કલ્પિત ડી. શાહ અને ડો. ગિરીશ વી. પ્રજાપતિને વર્ષ 2021-22 માટે કૃષિ ઉચ્ચ અભ્યાસમાં'શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોબાઈલ એપ્લિકેશન JAU i krishi Sanhita લોન્ચ કરવામાં આવી હતી. ડો.વી.ડી.તારપરા, ડો. બી. સ્વામીનાથન અને ડો. એચ. એમ. ગાજીપરા લિખિત પુસ્તક Objective Agricultural Economics નું તેમજ અન્ય એક પુસ્તક ‘કપાસમાં અસરકારક પાક સંરક્ષણ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.

સ્વાગત પ્રવચન કુલપતિ ડો. વી.પી.ચોવટિયાએ અને આભારવિધી રજીસ્ટ્રાર કલ્પેશ કુમારે કરી હતી. આ તકે એચ.એમ. ગાજીપરા, એસ.જી. સાવલીયા, ડી. કે. વરૂ, એન.કે. ગોંટિયા સહિતના પદાધિકારી-અધિકારી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખેતીમાં ટેકનોલોજીથી ફાયદો
ખેતીમાં ટેકનોલોજીના આગમનથી શ્રમ ખૂબ સિમિત થઈ ગયો છે. ખાતર -દવાઓનો છંટકાવ પણ ડ્રોનના માધ્યમથી શક્ય બન્યો છે. સ્માર્ટફોનથી ડ્રીપ એરીગેશન સંચાલિત કરી શકો છો, સેટેલાઇટ ઈમેજિંગના માધ્યમથી પાકમાં આવેલ જંતુ-રોગોને જાણી શકાય છે. જેવા ઘણાં કૃષિમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે.

અન્ય સમાચારો પણ છે...