• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Talala Gir Panth, People Have Been Lamenting The Years Old Unresolved Issues Before The BJP Leaders Who Came For Public Relations.

પડતર પ્રશ્નો ક્યારે ઉકેલાશે?:તાલાલા ગીર પંથકમાં જનસંપર્ક અર્થે આવેલા ભાજપના નેતાઓ સમક્ષ લોકોએ વર્ષો જૂના પડતર પ્રશ્નોની વેદના ઠાલવી

ગીર સોમનાથ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર પંથકની જીવાદોરી સમાન કેસર કેરીને વીમાકવચ, સરકારી હોસ્પિટલનું નવીનીકરણ, કમલેશ્વર ડેમ ઊંડો ઉતારવા, બંધ ખાંડ ફેક્ટરી ચાલુ કરાવવા સહિતની પ્રશ્નો ઉકેલવા માંગ કરી
  • પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ ગીર પંથકના પ્રવાસમાં જુદા જુદા સમાજો, પાર્ટી અને વેપારી સંગઠનના પદાધિકારીઓ સાથે અલગ અલગ બેઠકો કરી

આગામી રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા હોવાથી રાજકીય પક્ષોએ લોકોના મન જાણવા કમર કસી છે. જેમાં સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા પોતાના સાંસદો, નેતાઓને જુદા જુદા વિસ્તારોનો પ્રવાસ કરી જનસંપર્ક કરવા જણાવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર પંથકના પ્રવાસે આવેલા ભાજપના પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ તમામ સમાજના આગેવાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ પાર્ટી સંગઠનના હોદેદારો-કાર્યકરો સાથે બેઠકો કરી હતી. જેમાં ગીર પંથકના વર્ષોથી અણઉકેલ પ્રશ્નોનો વરસાદ વરસાવેલ તેમજ આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય ગીરના સ્થાનિક આગેવાનને વિધાનસભાની ટિકિટ મળી ન હોવાનો વસવસો પણ વ્યક્ત કરી વ્યથા ઠાલવી હતી. બેઠકોમાં રજૂ થયેલ પ્રશ્નો અંગે સરકાર લોકપ્રશ્નો તથા સમસ્યાનો સકારાત્મક સુખરૂપ નિવારણ લાવવા સંવેદનશીલ હોવાનું પૂર્વમંત્રીએ જણાવ્યું હતું.

તાલાલા ગીર પંથકના બે દિવસના પ્રવાસે આવેલ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ લોકસંપર્ક દરમ્યાન પાર્ટીના સંગઠન ઉપરાંત ચૂંટાયેલ લોક પ્રતિનિધિઓ તથા આહીર, કડવા પાટીદાર, દલિત, લેઉવા પટેલ, કોળી, બ્રાહ્મણ, લોહાણા, પ્રજાપતિ સમાજ તથા વેપારી સંગઠન સાથે અલગ અલગ બેઠકો કરી હતી. જેમાં તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો પાક વિપરીત વાતાવરણનો ભોગ બની રહયો હોવાથી ત્રણેક વર્ષથી નિષ્ફળ જઈ રહ્યો છે. જેથી કેરીના ઉત્પાદક કિસાનો આર્થિક સંકડામણમાં ફસાઈ ગયા છે. જેથી કેરીના પાકને પાક વીમાથી સુરક્ષિત કરી ખેડૂતોને મદદ કરવા ઘણા સમયથી માંગ થઈ રહી છે. જે અંગે સરકાર સત્વરે નિર્ણય લે તે જરૂરી છે.

આ ઉપરાંત આઝાદી પછી ક્યારેય પણ ગીરના સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળી નથી. જેના પરિણામે જંગલની બોર્ડર ઉપર છેવાડે આવેલ તાલાલા ગીર પંથક વિકાસથી વંચિત છે. ત્યારે પંથકનું પછાતપણું દુર કરવા આ વખતે સ્થાનિક ઉમેદવારને ટિકીટ આપી ન્યાય આપવા માગ કરી છે. ગીર પંથકના 45 ગામોને લાગુ પડતી તાલાલા સરકારી હોસ્પિટલ ઘણા સમયથી જર્જરીત અવસ્થામાં છે. જે નવી બનાવવા સરકારે રૂ.4 કરોડની ગ્રાન્ટ ફાળવી છે પરંતુ ઘણા સમયથી નવા બિલ્ડીંગનું કામ શરૂ ન થતુ હોવાથી ગીરના લોકોને સારવાર માટે જૂનાગઢ કે વેરાવળ સુધી લાબું થાવું પડે છે. જેથી નવું બિલ્ડીંગનું કામ ઝડપી ચાલુ કરાવવું જોઈએ. તાલાલા ગીર પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમની પાણી સંગ્રહ શક્તિમાં નોંધપાત્ર વધારો થાય તે માટે ડેમમાં ભરાયેલ કાંપ કાઢવાની કામગીરી કરવા અને તાલાલાની બંધ પડેલ ખાંડ ફેક્ટરીને ધમધમતી કરી તાલાલા ગીર પંથકના કિસાનોને તથા બેરોજગારોને મદદ થાય તેવા પ્રાણ પ્રશ્નો રજૂ થયા હતા.

આ બેઠકોમાં ગીરના પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરતા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડજણાવેલ કે, સરકાર લોક પ્રશ્નો તથા સમસ્યાઓના સકારાત્મક સુખરૂપ નિવારણ લાવવા સંવેદનશીલ છે. અને એટલા માટે જ અમને તમારા સુધી મોકલેલ છે. તાલાલા પંથકના તમામ લોક પ્રશ્નો સરકારમાં ભલામણ સાથે પહોંચાડીશ અને તેનું ઝડપી નિવારણ આવે તે માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવાની ખાત્રી આપી હતી.

આ પ્રવાસ દરમ્યાન જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, મહેન્દ્રભાઈ પીઠીયા, વિજયભાઈ ઠાકર,તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વાડોદરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દેવળીયા, પાલિકા ઉપપ્રમુખ અમિતભાઈ ઉનડકટ, સ્ટેન્ડિંગ ચેરમેન ભુપતભાઈ હિરપરા, જીકુભાઈ સુવાગીયા, રાજાભાઈ ચારીયા, ભરતભાઈ વાછાણી, હીરાભાઈ માકડીયા, દિપકભાઈ માંડવીયા, તનસુખપરી ગૌસ્વામી, પનુભાઈ રાયચુરા સહિત અગ્રણીઓ પદાધિકારીઓ તથા વિવિધ સમાજના અગ્રણી સાથે રહ્યા હતા.

લોક પ્રતિનિધિઓએ પ્રજાની વચ્ચે રહેવું પડે છે : પૂર્વ મંત્રી ઉંધાડરાજ્ય સરકાર દ્વારા કરાતી લોક કલ્યાણની કામગીરીથી લોકોને અવગત કરવા તથા લોક સુખાકારી માટે ઉપયોગી લોક પ્રશ્નો તથા સમસ્યાની વિગતો જાણવા માટે તાલાલા પંથકના બે દિવસના પ્રવાસે આવેલ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ પાર્ટીના કાર્યકરો તથા અગ્રણીઓને સંબોધનમાં જણાવેલ કે, અમારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર નથી અને વહીવટી તંત્ર દ્વારા પ્રજાના કામો ઝડપથી અને સરળતાથી થાય છે. પાર્ટીના કાર્યકરો પણ ચૂંટણી સમયે નિષ્ઠાથી કામ કરે છે. પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિઓએ પણ પ્રજાલક્ષી કામગીરી માટે જાગૃત અને સતત પ્રયત્નશીલ રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...