બેઠકમાં લેવાયો નિર્ણય:તાલાલા ગીર પંથકમાં દેશી ગોળ ગુણવત્તાસભર બને તે માટે દેવદિવાળી બાદ રાબડાઓ ધમધમતા કરાશે

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના તાલાલા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના તાલુકામાં ગોળ બનાવતા રાબડાના સંચાલકોની બેઠક મળી
  • જિલ્લામાં અંદાજે ચાર હજાર હેક્ટરમાં શેરડીનું વાવેતર થયુ, 18 લાખ ડબ્બા દેશી ગોળ તૈયાર થવાની ધારણા

આગામી સીઝનમાં ગીરનો પ્રખ્યાત આયુર્વેદિક દેશી ગોળ ગુણવત્તાસભર બને તે માટે ચાલુ વર્ષે તાલાલા, કોડીનાર, ઉના સહિતના ગીર પંથકમાં ખુશ્બુદાર દેશી ગોળ બનાવતા ગોળના રાબડાઓ દેવ દિવાળી બાદ શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય જિલ્લામાં ગોળ બનાવવાના રાબડા ચલાવતા સંચાલકોની મળેલી એક બેઠકમાં કરાયો છે. જેમાં ગોળની સીઝન બાબતે તમામ પાસાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી.
સીઝન શરૂ કરવા અંગે ચર્ચાઓ કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના તાલુકાના ગોળના રાબડાઓ ચલાવતા મુખ્ય સંચાલકોની તાજેતરમાં કોડીનાર ખાતે બેઠક મળી હતી. જેમાં ગોળના રાબડાની આગામી સીઝન ક્યારે શરૂ કરવા અને ચાલુ વર્ષે શેરડી કેટલી આવશે તે સહિતના પાસાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. જે અંગે વિગતો આપતા તાલાલા તાલુકા ગોળ રાબડા સંચાલક મંડળના પ્રમુખ ધીરુભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે, શેરડીમાં પૂરતા પ્રમાણમાં રીકવરી દિવાળી બાદ આવે છે. માટે કાચી શેરડીનું પીલાણ થાય નહીં અને પુરતાં પ્રમાણમાં રીકવરી આવે ત્યારબાદ શેરડીના તૈયાર થયેલ પાકનું પીલાણ કરવામાં આવે તો આયુર્વેદિક દેશી ખુશ્બુદાર ગોળ એકદમ ગુણવત્તાસભર બની શકે છે. જે માટે ગીર સોમનાથ જિલ્લાના ચારેક તાલુકાઓમાં કાર્યરત તમામ ગોળના રાબડાઓ આગામી દેવ દિવાળી બાદ ચાલુ કરવાનો નિર્ણય ચર્ચા-વિચારણા કર્યા બાદ લેવામાં આવ્યો છે.
300 ગોળના રાબડાઓ ધમધમતા થશે
વધુમાં કહ્યું કે, જિલ્લામાં અંદાજે ચાર હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયેલ શેરડીનો પાક તૈયાર થશે. જેમાંથી તાલાલા, સુત્રાપાડા, કોડીનાર અને ઉના વિસ્તારમાં કાર્યરત થનાર 300 જેટલા ગોળના રાબડાઓમાં આવ્યા બાદ અંદાજે 18 લાખ ડબ્બા દેશી ખુશ્બુદાર ગોળનું ઉત્પાદન થવાની ધારણા પણ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકામાંથી ગોળના રાબડાના સંચાલકો,અગ્રણીઓએ ભાગ લઈ પોતાના વિચારો જણાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...