તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સોરઠમાં 3600 ખેડૂતો 80 વર્ષ જૂના આંબા ફરી ફળાઉ બનાવશે

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇઝરાયલ-ભારતના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ તજજ્ઞોની ટીમ કામે લાગી

સોરઠમાં કેસર કેરીના દાયકાઓ જૂના બગીચા છે. જ્યાં 70 થી 80 વર્ષ જૂના આંબા મોજુદ છે. આ આંબા પૈકી ઘણા ફળાઉ નથી. તેને કાઢીને નવા લગાવાતાં ફળ આવતાં 5-7 વર્ષનો સમય નિકળી જાય. પણ ઇઝરાયલ-ભારતના સંયુક્ત સાહસ સેન્ટર ફોર એક્સેલન્સ ફોર મેંગો દ્વારા આ જૂના આંબાને કાપવાને બદલે ફરીથી ફળાઉ બનાવવાની કવાયત હાથ ધરાઇ છે. તાલાલા સ્થિત સેન્ટર ફોર એક્સેલન્સ ફોર મેંગોના પ્રોજેક્ટ ઓફિસર વિશાલ હદવાણી કહે છે, જે આંબા 70 થી 80 વર્ષ જૂના છે.

અને તેમાં ફળ નથી આવતા તેને સાવ કાઢીને બીજી કલમ વાવતાં 6 થી 7 વર્ષે ફળ મળે. પણ એજ આંબાને જમીનથી એક-દોઢ મીટર ઉંચાઇ સુધી થડ રાખીને કાપી નાંખી પછી ડાળીઓને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપીએ તો ચોથાજ વર્ષે તેમાં ફરીથી ફળ આવવા લાગે છે. આ પદ્ધતિને રીજુવેનેશન કહેવાય છે. આ રીતે ગીર સોમનાથ જિલ્લાના 2400 અને જૂનાગઢ જિલ્લાના 1200 ખેડૂતોએ રીજુવેનેશન માટે અરજી કરી છે.

આંબાની નવી કલમ માટે સૌથી વધુ અરજી
તાઉતે વાવાઝોડામાં નાશ પામેલા આંબાની નવી કલમ માટે મેંદરડા, વિસાવદર, વંથલી અને માળિયા હાટીના તાલુકાના 200 ખેડૂતોએ અરજી કરી છે. જ્યારે નાળિયેરી, લીંબુ, જામફળ, દાડમ, સીતાફળ, કેળા, પપૈયાની નવી કલમ માટે માણાવદર, જૂનાગઢ, ભેંસાણ, મેંદરડા, વંથલી અને માળિયા હાટીના 266 ખેડૂતો મળી કુલ 466 ખેડૂતોએ અરજી કરી છે. એમ આસી. બાગાયત નિયામક કરમુરે જણાવ્યું છે.

જિલ્લામાં 600 હેક્ટરમાં નવા ઝાડ ઉગાડાશે
જૂનાગઢ જિલ્લામાં 500 થી 600 હેક્ટર જમીનમાં કુલ 466 ખેડૂતોએ આંબા, નાળિયેરી, લીંબુ, જામફળ, દાડમ, સીતાફળ, કેળા, પપૈયાના નવા ઝાડ ઉગાડવા માટે જિલ્લા બાગાયત કચેરીને અરજી કરી છે. એમ આસી. બાગાયત નિયામક ગોંડલિયા અને કરમુરે જણાવ્યું છે.

નમી પડેલા ઝાડને ફરીથી ઉભું કરાશે

વાવાઝોડામાં હજારો આંબાના ઝાડ એવા છે જે મૂળથી નથી ઉખડ્યા. પણ ફક્ત નમી પડ્યા છે. આવા ઝાડની પાસે ખાડો બનાવી નમી ગયેલી ડાળીનું કટીંગ કરી તેને ફરી ટ્રેક્ટર કે બીજી રીતે ખેંચીને ઉભું કરી ટેકા આપી દેવાય તો એ ઝાડ પર ફરીથી ફળ આવવા લાગે. જેની ફક્ત ડાળી તૂટી હોય તેનું પણ વ્યવસ્થિત કટીંગ કરી તેમાં રોગ ન લાગે એ માટે કટીંગવાળા ભાગ પર દવાની ટ્રીટમેન્ટ આપવાથી પણ આંબો બચી જાય છે. એમ પણ વિશાલ હદવાણીનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...