75માં સંકલ્પ દિનની ઉજવણી:સોમનાથ મંદિરમાં મહાદેવને વિશેષ શણગાર અને દિપમાળા કરી ઉજવણી કરાઈ, સરદાર પટેલની પ્રતિમાને પુષ્‍પાજંલી અર્પી

વેરાવળ21 દિવસ પહેલા
  • 1947 ના રોજ આજના દિવસે સરદાર પટેલે સમુદ્રનું જળ હાથમાં લઈ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્‍પ લીધો હતો
  • દર વર્ષે આજના દિવસે મંદિર ટ્રસ્ટ દ્વારા સંકલ્‍પ દિન તરીકે ઉજવવામાં આવે છે

સોમનાથ મંદિરમાં આજે 75માં સંકલ્પ દિન તરીકે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આજે મહાદેવને વિશેષ શણગાર અને દિપમાળા કરવામાં આવી હતી. આજથી 75 વર્ષ પહેલા 13 નવેમ્‍બર 1947 ના રોજ સોમનાથ મંદિરની જર્જરીત સ્‍થ‍િતિ નિહાળતા સરદાર વલ્‍લભભાઇ પટેલનું હદય દ્રવી ઉઠ્યું હતું. જેથી તેઓએ સોમનાથ મંદિરની સમીપના સમુદ્રનું જળ હાથમાં લઈ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્‍પ લીધો હતો. ત્યારે આ દિવસને સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા સંકલ્‍પ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજે સંકલ્પ દિનની ઉજવણીના ભાગ રૂપે મંદિરમાં વિશેષ મહાપૂજા - પુષ્‍પાજંલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા.

ભારત દેશ આઝાદ થવાની સાથે જૂનાગઢ જિલ્‍લાને પણ સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી અપાવી હતી. ત્‍યારબાદ સરદાર પટેલ નૂતન વર્ષે તા.13 નવેમ્બર 1947 ના દિવસે સોમનાથ ભુમિ પર પહોચ્‍યાં હતા. એ સમયે જગવિખ્‍યાત સોમનાથ મંદિરની જર્જરીત સ્‍થ‍િતિ તથા જીર્ણ અવશેષો નિહાળીને સરદાર પટેલનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. જેથી તેઓએ સોમનાથ મંદિરની સમીપના અરબી સમુદ્ર કાંઠે પહોંચી સમુદ્રનું જળ હાથમાં લઇને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરવા માટેનો સંકલ્‍પ લીધો હતો.

ત્‍યારબાદ સોમનાથ મંદિરના પુન:નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્‍યું હતું. તા.11 મે 1951 ના દિવસે સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્‍તે થઇ હતી. ત્યારે રાષ્‍ટ્રપતિએ કહ્યું હતું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". આ સમયે મંદિરની સમીપના દરીયામાંથી નૌકાદળે 101 તોપોની સલામી આપી હતી. જેથી દર વર્ષે 13 નવેમ્‍બરના રોજ સોમનાથ મંદિર ખાતે સંકલ્‍પ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

લોખંડી પુરૂષ સરદાર પટેલના સંકલ્પને આજે 74 વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પટેલ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને નિહાળવા જીવિત રહ્યા નથી. પરંતુ આજે પણ સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી રહી છે. ત્‍યારે આજે સોમનાથ મંદિર ખાતે સંક્લ્પ દિવસ નિમિત્તે સવારે પરીસરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્‍ટી જે.ડી.પરમાર, જીએમ દિલીપ ચાવડા સહિતનાએ પુષ્પાંજલિ કરી હતી. ત્યારબાદ મંદિર ખાતે સોમનાથ મહાદેવની મહાપૂજા કરી હતી. હવે સાંજે મહાદેવને ખાસ વિશેષ સાયં શણગાર તથા દિપમાળા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...