માંગરોળ શહેરનાં સૈયદવાડામાં રહેતા મોહંમદ અમીન મોહમદ હસન સઈદે પોલીસ ફરીયાદ નોંધાવેલી છે કે, ગઈકાલે ટાવર ગ્રાઉન્ડમાં તેઓ ક્રિકેટ મેચ જોવા જતા હતા. ત્યારે સાંજે સાડા ચારેક વાગ્યે પાડોશી નાસીર અને સાળો ગુલામહુસેન હોસ્પિટલ તરફ જતા હતા. સાળાને માથામાંથી લોહી નીકળતું હતું. ત્યારબાદ તેઓની પાછળ તે પણ હોસ્પિટલે પહોંચ્ચા હતા. જ્યાં સારવાર દરમ્યાન પુછતા માથામાં લાકડું મારી દીધું હોવાનું જણાવ્યું હતું. ગુલામહુસેનને ત્યારબાદ વધુ સારવાર અર્થે કેશોદની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડતા, સીટી સ્કેન કરાવતા ડોક્ટરે હેમરેજ થયાનું જણાવ્યું હતું.
ત્યારબાદ વધુ સારવાર માટે તેને જુનાગઢ રીફર કરાયો હતો. મોહમદ અમીનભાઈએ બનાવ અંગે પાડોશી નાસીરને પુછતા તેણે કહ્યું હતું કે પોતે અને ગુલામહુસેન માત્રીના વળાંક પાસે આવેલ અંધશાળા પાસે ગયા હતા. જ્યાં પોતે ગાડી પાસે બહાર ઉભો હતો અને ગુલામહુસેન જાકીર હનીફભાઇ મીરના ઘરમાં ગયો હતો. આશરે દસ મિનીટ બાદ ઝાકીર આવતા તે ઘરમાં ગયા બાદ દેકારો થયો હતો. અંદર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુલામહુસેન સીડી પાસેથી કુદીને ભાગવા જતા જાકીરે પાછળથી લાકડું મારતા માથાના ભાગેથી લોહી નીકળવા લાગ્યુ હતું.
ગોકીરો થતાં આજુબાજુમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા. જાકીરની પત્ની સાથે પોતાના સાળાને પ્રેમસંબંધની આશંકા હોય, ગુલામહુસેન તેના ઘરે મળવા જતા, જાકીર આવી જતા, લાકડાં વડે પોતાના સાળાને માથાના ભાગે મોત નીપજે તેવી ઈજા પહોંચાડયાની મોહંમદ અમીનભાઈએ ફરીયાદ નોંધાવી છે. વધુ તપાસ પીએસઆઈ એસ.એ.સોલંકી ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.