લૂંટ:કેશોદમાં રાશનનો માલ અપાવવાનું કહી બે શખ્સોએ વૃદ્ધાની સોનાની કડી અને પાકીટની તફડંચી કરી

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા શખ્સો વૃદ્ધાના કાનમાંથી કડી કઢાવી પાકીટમાં મૂકાવી દીધા બાદ પાકીટ લઈને ફરાર

કેશોદ શહેરના માંગરોળ રોડ પર એક વૃદ્ધાને રાશનનો માલ અપાવી દેવાની લાલચ આપી તેના કાનમાં પહેરેલી કડી કઢાવી પાકીટમાં મૂકાવી હતી. બાદમાં વૃદ્ધાની નજર ચુકવી અજાણ્યો શખ્સો રૂ.20 હજારની કિંમતની સોનાની કડી અને મોબાઈલ ફોન અને રૂ.620 સાથેનું પાકીટ લઈ નાસી ગયા હતા. આ અંગે વૃદ્ધાએ અજાણ્યા ગઠીયાઓ સામે ફરીયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, કેશોદના રાજનગર સોસાયટીમાં રહેતા કંચનબેન હીરાભાઈ પરમાર (ઉ.વ.62) ગઈકાલે માંગરોળ રોડ પર શેરીમાં ચાલીને જઈ રહેલ હતા ત્યારે એક અજાણ્યાં શખ્સે અમારા શેઠની દુકાને ગરીબ માણસોને રાશનનો માલ આપે છે. મારી સાથે ચાલો તો તમને પણ માલ અપાવી દઉં કહ્યું હતું. આથી કંચનબેન આ અજાણ્યા શખ્સની વાતમાં આવી ગયા હતા અને તેઓ અજાણ્યા શખ્સ સાથે જતા આગળ એક અન્ય શખ્સ ઉભો હતો. તેણે પોતાની પત્ની માલ લેવા ગયાની વાત કરી હતી.

વૃદ્ધા દુકાને પહોંચ્યા ત્યાં એક શખ્સએ તેમને 500ની નોટ આપી હતી અને તે પાકિટમાં મૂકી દેવા કહેતા કંચનબેને તે મૂકી દીધી હતી. બાદમાં અમારા શેઠ ગરીબ માણસોને જ માલ આપે છે તમે કાનમાં પહેરેલી કડી કાઢી પાકીટમાં મૂકી દો તેમ કહેતા કંચનબેને કડી કાઢી પાકીટમાં મૂકી હતી.

બાદમાં અજાણ્યાં શખ્સોએ તમે તમાકુ ખાવ છો એમ કહી કંચનબેનની નજર ચુકવી થેલીમાંથી રૂ.20 હજારની કિંમતની કડી, મોબાઇલ અને રૂ.620 સાથેનું પાકીટ લઈ નાસી ગયા હતા. આ અંગે જાણ થતાં કંચનબેને બે અજાણ્યા શખ્સ સામે ફરીયાદ કરતા કેશોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...