જૂનાગઢ શહેરના પોશ ગણાતા મોર્ડન ચોક વિસ્તારમાં આવેલી એક દુકાન ખાલી કરાવવા માટે ગતરાત્રીના બે શખ્સોએ વેપારી પિતા-પુત્રને મારમાર્યા બાદ ગળે છરી રાખી ઈજા પહોચાડી ધમકી આપી રહ્યા હતા. આ સમયે આસપાસના લોકો દોડી આવતા ધમકી આપનાર બંન્ને શખ્સો નાસી છુટ્યા હતા. આ ઘટના અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ વેપારીઓમાં આક્રોશ પ્રવર્તેલ હોય પોલીસ બંન્ને શખ્સોને તાકીદે ઝડપી લઈ કડક કાર્યવાહી કરે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.
આ ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં અંબિકા ચોક પાસે રુદ્રાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા મયુરભાઈ રમણીકભાઈ પાઘડારના પિતા છેલ્લા ચાલીસ વર્ષથી મોર્ડન ચોકમાં મનહર ભેળ નામે દુકાન ચલાવે છે. આ દુકાનમાં જુના ભાડુઆત તરીકે બેસીને વર્ષોથી વેપાર કરે છે. ત્યારે જૂનાગઢના આકાશ નિમાવત અને અમિત નિમાવત નામના શખ્સો સાથે દુકાન ખાલી કરાવવા મુદે ઘણા સમયથી મનદુઃખ ચાલ્યું આવતુ હતુ. જેમાં બંન્ને શખ્સો અવાર નવાર તેમની દુકાને આવીને દુકાન ખાલી કરાવવાના પ્રશ્ને હેરાન પરેશાન કરતા હતા.
દરમિયાન ગતરાત્રીના મયુરભાઈ અને તેના પિતા બંન્ને દુકાને હતા. એ સમયે અમિત અને આકાશ બંન્ને દુકાને આવીને મયુરના ગળે છરી રાખીને ઝગડો કરવા લાગેલ બાદમાં ઢીકાપાટુનો મારમારેલ હતો. તે સમયે ત્યાં હાજર તેમના પિતાને પણ માર મારી ગાળો આપી હતી. આ ઝગડાને લઈ આસપાસના લોકો એકત્ર થવા લાગતા બંન્ને શખ્સો નાસી ગયા હતા. બાદમાં આ ઘટના અંગે મયુરભાઈએ બંન્ને શખ્સો સામે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ વેપારીઓમાં અસુરક્ષાની લાગણી પ્રવર્તેલ હોવાની સાથે રોષ જન્મેલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.