તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્ષના નાણાંનો વેડફાટ:જૂનાગઢમાં 23 મહિનામાં શાસક પક્ષના નેતાની ગાડી 91,061 કિમી ફરી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢની ફાઇલ તસવીર - Divya Bhaskar
જૂનાગઢની ફાઇલ તસવીર
  • મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગની ગાડી 1,39,754 કિમી દોડી
  • ડિઝલ, પેટ્રોલ, રિપેરીંગ પાછળ 28,98,799નો ખર્ચ દર્શાવાયો

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પદાધિકારીઓને વાહનો ફાળવાયા છે. આ વાહનોનો બેફામપણે ઉપયોગ થાય છે. પ્રજાના કામોને બદલે પર્સનલ કામો, પાર્ટીના કામો માટે તેમજ હરવા ફરવાના કામોમાં આ ગાડીનો વધારે ઉપયોગ થાય છે. પરિણામે પ્રજાના પરસેવાના ટેક્ષના નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે.

મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તેમજ શાસકપક્ષના નેતાને ગાડી ફાળવાઇ છે. આ ગાડી ફાળવાયાના માત્ર 23 મહિનામાં જ કુલ 28,98,799નો ખર્ચ કરાયો છે. દરમિયાન મેયરની ગાડી 40,113 કિમી દોડી છે. ડેપ્યુટી મેયરની ગાડી 35,430 કિમી ચાલી છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનની ગાડી 64,211 કિમી ફરી છે. જ્યારે સૌથી વધુ શાસકપક્ષના નેતાની ગાડી દોડી છે. શાસકપક્ષના નેતાની ગાડીએ 91,061 કિમી સુધીમાં આંટા માર્યા છે. દરમિયાન મેયરની ગાડીમાં 3,58,559 પેટ્રોલ, ડિઝલનો ખર્ચ અને 1,71,367 રિપેરીંગનો ખર્ચ થયો છે.

જ્યારે ડેપ્યુટી મેયરની ગાડીમાં 3,62,689 પેટ્રોલ, ડિઝલનો ખર્ચ અને 2,12,707 રિપેરીંગનો ખર્ચ થયો છે. જ્યારે સ્થાયી સમિતીના ચેરમેનની ગાડીમાં 5,64,059 પેટ્રોલ, ડિઝલનો ખર્ચ અને 2,42,034 રિપેરીંગનો ખર્ચ દર્શાવાયો છે. જ્યારે સૌથી વધુ પેટ્રોલ, ડિઝલનો ખર્ચ અને રિપેરીંગનો ખર્ચ શાસકપક્ષના નેતાની ગાડીમાં ચડાવાયો છે. શાસકપક્ષના નેતાની ગાડીમાં 7,19,919 પેટ્રોલ, ડિઝલનો ખર્ચ અને 2,67,465 નો વાહન રિપરીંગનો ખર્ચ લખી નંખાયો છે. આમ, પ્રજાના ટેક્ષના નાણાંમાંથી મનપાના 4 પદાધિકારીઓની ગાડીમાં 28,98,799નો ખર્ચ કરાયો છે.

મનપાના અન્ય વાહનોમાં પણ બેફામ ખર્ચા ઉધારાય છે
મનપાના પદાધિકારીઓ, અધિકારીઓને ફાળવેલા ઉપરાંત અન્ય વાહનો પણ છે. આવા વાહનો પાછળ પણ આંખો વિચીને ખર્ચા ઉધારાય છે અને તેને પાસ પણ કરી દેવાય છે. મનપાના અન્ય વાહનોના પેટ્રોલ, ડિઝલના ખર્ચાની વિગત તો મનપાએ આપી નથી પરંતુ માત્ર આવા વાહનો રિપેરીંગ પાછળ જ 60,31,594 (એટલે કે, અડધો કરોડથી વધુની રકમ) ખર્ચાઇ હોવાનું ચોપડે ચિતરી દેવાયું છે.

જીપીએસ એટલા માટે જ ફિટ નથી કરતા
મનપાના વાહનોમાં જીપીએસ લગાવવાની અનેક વખત દરખાસ્ત કરાઇ છે પરંતુ શાસકો તેને બહુમતિના જોરે ફગાવી દે છે. એનો ચોખ્ખો મતલબ એ થાય છે કે, મનપાની ગાડીઓનો પદાધિકારીઓ પ્રજાના કામ માટે થોડો અને પોતાના પર્સનલ તેમજ પાર્ટીના કામ માટે વધુ ઉપયોગ કરે છે. જો આવું ન હોય અને ખરેખર પ્રજાના કામો માટે જ ગાડી વપરાતી હોય તો જીપીએસ લગાવવામાં પેટમાં કેમ દુ:ખે છે ? - મંજુલાબેન પણસારા, કોર્પોરેટર વોર્ડ નંબર 4.

મનપાનો વિસ્તાર માત્ર 5 કિમી છે
મનપાનો વિસ્તાર માત્ર 5 કિમી છે. ત્યારે પદાધિકારીઓની જવાબદારી માત્ર શહેરના 5 કિમી પુરતી જ હોય છે છત્તાં લાખ્ખો કિમી ગાડીઓ દોડે છે! ત્યારે આ ગાડીઓનો પદાધિકારીઓ પોતાના અંગત કામ માટે તેમજ પાર્ટીના કામ માટે બેફામ ઉપયોગ કરતા હોવાની શક્યતા નકારી શકાય નહિ.- લલીત પણસારા, કોર્પોરેટર વોર્ડ નંબર 6.

અન્ય સમાચારો પણ છે...