તોબા પોકરાવતી ગરમી:જૂનાગઢમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી ઉંચકાતા કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરને તાપમાનનું ટોર્ચર
  • હજુ 2 દિવસ સુધી અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે, બાદમાં થોડો ઘટાડો થશે પરંતુ 40 ડિગ્રી તો રહેશે જ

જૂનાગઢ શહેરમાં એક દિવસ ગરમીથી થોડી રાહત મળ્યા બાદ ફરી મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ગરમી તોબા પોકરાવી રહી છે. કાળઝાળ ગરમીથી જન જીવન પ્રભાવિત થઇ રહ્યું છે. એક જ દિવસમાં 2.5 ડિગ્રી ગરમી વધતા શહેર ફરી અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. અંગ દઝાડતી ગરમીના કારણે લોકોની હાલાકી વધી છે.

જોકે, હજુ 2 દિવસ ગરમી રહેશે બાદમાં થોડો ઘટાડો થશે, પરંતુ 40 ડિગ્રી આસપાસતો ગરમી રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું હતું જ્યારે મંગવારે 2 ડિગ્રી ઘટીને 40 ડિગ્રી થઇ ગયું હતું જેથી શહેરીજનોને ગરમીમાં આંશિક રાહત મળી હતી.

જોકે, આ રાહત માત્ર એક દિવસ પૂરતી જ રહી. બુધવારે ફરી મહત્તમ તાપમાન ઉંચકાયું હતું અને 2.5 ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો 42.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. પરિણામે કાળઝાળ ગરમીના કારણે શહેર ફરી અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું હતું. ખાસ કરીને બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થતા મોંઢા બાળી નાંખતી અને અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે.

ગરમીથી બચવા પંખાનો સહારો લેવાય છે પરંતુ બપોરના સમયે ફેંકાતી લૂના કારણે પંખા પણ ગરમ હવા ફેંકી રહ્યા હોય લોકોની હાલાકી વધી છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હજુ 2 દિવસ સુધી ગરમીની અસર રહેશે. બાદમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે ગરમીમાં થોડો ઘટાડો થશે.

જોકે, મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ તો રહેશે જ જેના કારણે ગરમીથી સાવ છૂટકારો તો નહિ મળે. બુધવારે લઘુત્તમ 24.4, મહત્તમ 42.5 ડિગ્રી ગરમી પડી હતી. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને બપોર બાદ 24 ટકા તેમજ પવનની ઝડપ 6.2 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

સોસાયટીના માર્ગો સાવ સૂમસામ બન્યા
જૂનાગઢમાં આકરી ગરમીના કારણે બપોરના સમયે રાજમાર્ગો પર વાહન ચાલકોની સંખ્યા ઘટી ગઇ છે. જ્યારે શહેરની સોસાયટીમાં તો માર્ગો સાવ સૂમસામ બન્યા છે. એકલ દોકલ વાહન ચાલક પણ બપોરના સમયે નજરે પડતો નથી. } તસવીર - મેહુલ ચોટલીયા

મનપાએ હિટવેવથી બચવા માર્ગદર્શિકા જાહેર કરી
હાલ કાળઝાળ ગરમી પડી રહી હોય મહાનગરપાલિકા દ્વારા હિટવેવ-સન સ્ટ્રોકથી બચવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ત્યારે ગરમીના કારણે સનસ્ટ્રોક(લૂ)થી બચવા માટે બહાર પડાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા શહેરીજનોને અપીલ કરાઇ છે.

સનસ્ટ્રોક (લૂ) લાગવાના લક્ષણ
શરીર અને હાથ,પગમાં દુ:ખાવો થાય, ખુબ જ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હ્રદયના ધબકારા વધી જવા વગેરે લૂ લાગવાના લક્ષણો છે.

સનસ્ટ્રોક (લૂ)થી બચવાના ઉપાયો
ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો. ખુલતા,સફેદ અને સુતરાઉ કપડાં પહેરો. નાના બાળકો, સગર્ભાઓ, વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી. દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું શક્ય હોય તો લીંબુ શરબત પીવું. ભીના કપડાંથી મોં, માથું ઢાંકીને રાખવું. માથનો દુ:ખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તુરત નજીકના દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...