જૂનાગઢ મહાનગર પાલિકામાં પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ આવતુ નથી. એવા સમયે અધિકારીઓને પગારમાં વાહન એલાઉન્સ ઉપરાંત કામગીરી માટે ભાડાના વાહનો ફાળવાયા છે. આ ડબલ ફાયદા અપાતા હોવાની ફરિયાદ કોંગી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ કમિશનરને કરી ભાડાના વાહનો બંધ કરી ઓફીસ કામ માટે રિક્ષા ફાળવવા માંગણી કરી છે.
જૂનાગઢ મહાનગરમાં ગટરના ઢાંકણા બદલવા કે રસ્તાના ખાડા પૂરવા માટે મનપા તંત્ર ઠાગાઠૈયા કરે છે. આવી સ્થિતિમાં મનપાના શાસકો સત્તાધારી પક્ષના કોર્પોરેટરો સૂચક મૌન સેવી રહ્યા છે. જેના લીધે છેલ્લા બે વર્ષથી શહેરના માર્ગો ખોદાય છે તે પૈકી સોસાયટીના માર્ગોની હાલત બિસમાર હોવાથી પ્રજાજનો મુશ્કેલી વેઠી રહ્યા છે. એવા સમયે જૂનાગઢ મનપાના અધિકારીઓને બેવડા લાભ મળી રહ્યા અંગે કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેનએ જણાવેલ કે, રાજય સરકારના નિયમ પ્રમાણે અધિકારી કે કર્મચારી બે લાભ મેળવી ન શકે પણ જૂનાગઢ મનપામાં અધિકારીઓને બેવડા લાભોની લહાણી થઈ રહ્યાનો આક્ષેપ કરતા જણાવેલ કે, અધિકારીઓને પગારમાં વાહન એલાઉન્સ અપાય છે. આ ઉપરાંત કામકાજ માટે ભાડાના વાહનો પણ ફાળવાયાં છે. અધિકારીઓને ફાળવેલ મોટાભાગનાં વાહનો પરિવારજનો, સગા-સંબંધીઓને ફરવા માટે ઉપયોગ કરી રહ્યા છે તે જગજાહેર છે. છતાં તેઓને કોઈ રોકટોક કરતું નથી. શાસકો પણ આ મુદ્દે ચૂપ છે. આજે પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી છતાં તેમના ટેક્સનાં નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે.
આ સંજોગોમાં મ્યુ.કમિશનરે ભાડાનાં વાહનો બંધ હતાં તે ફરી શરૂ કરાવવા પાછળનો ઈરાદો સૌ સમજે છે ! મ્યુ.કમિશનરે કોરોના કાળમાં લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે તેઓને ટેક્સમાં રાહત આપવાની જરૂર છે તે દિશામાં વિચારવાને બદલે પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. મનપાના ભાજપ શાસકોની આ નીતિને કારણે આજે જૂનાગઢની જનતા ત્રાસી ગઈ છે.પણ પ્રજાની ફરિયાદો બહેરાકાને અથડાતી હોય તેવો માહોલ જોવા મળતા હોવાનું અંતમાં જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.