પેટા ચુંટણીનું પરીણામ:જૂનાગઢ મનપામાં એનસીપી પાસેથી કોંગ્રેસે જ્યારે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર 7 મતથી વિજેતા થતા ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક ખૂંચવી

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણાવદરમાં વિજયોત્‍સવ મનાવી રહેલ ભાજપના કાર્યકરો - Divya Bhaskar
માણાવદરમાં વિજયોત્‍સવ મનાવી રહેલ ભાજપના કાર્યકરો
  • ગીર સોમનાથ જિલ્‍લા પંચાયતની ગોંવિદપરા બેઠક કોંગ્રેસે અને માણાવદર પાલીકાની બેઠક ભાજપે જાળવી રાખી
  • સોરઠમાં 2 નગરપાલીકા, 1 મહાનગરપાલીકા અને 1 જિલ્‍લા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંનેના ફાળે બે-બે બેઠકો આવી

સોરઠમાં બે નગરપાલીકાની એક મહાનગરપાલીકાની તથા એક જિલ્‍લા પંચાયતની મળી કુલ ચાર બેઠકોની પેટા ચૂંટણી યોજાઇ હતી. ચારેય બેઠકો પર સરેરાશ 50 ટકા જેવું નિરસ મતદાન થયુ હતું. જેમાં મતદાનની વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલીકામાં 49.48 ટકા, વિસાવદર પાલીકામાં 52.63 ટકા, માણાવદર પાલીકામાં 43.82 ટકા અને ગીર સોમનાથ જિલ્‍લા પંચાયતની બેઠક પર 46.69 ટકા મતદાન થયું હતું. આ દરમિયાન આજે મંગળવારે યોજાયેલી મતગણતરીના અંતે જૂનાગઢ મહાનગરપાલીકાની અને ગીર સોમનાથ જિલ્‍લા પંચાયતની બંને બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે. જયારે માણાવદર અને વિસાવદર પાલીકાની બંને બેઠકો ભાજપ જીતી ગયુ છે. આમ, સોરઠમાં યોજાયેલી પેટાચુંટણીમાં ભાજપ-કોંગ્રેસે બે-બે બેઠકો જીતી હતી.

જૂનાગઢમાં વિજય મુદ્રા બતાવી રહેલ કોગ્રેસના ઉમેદવાર
જૂનાગઢમાં વિજય મુદ્રા બતાવી રહેલ કોગ્રેસના ઉમેદવાર

જૂનાગઢ મનપાની બેઠક કોંગ્રેસે એનસીપી પાસેથી ખૂંચવી લીધી

જૂનાગઢ મહાનગરપાલીકામાં વોર્ડ નં.8 ના એનસીપીના કોર્પોરેટર વિજય વોરાનું અવસાન થતા પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના ઉમેદવારો વચ્‍ચે સીધો જંગ હતો. જેની મતગણતરીમાં ભાજપના અશ્વિન ગોસ્વામીને 637, કોંગ્રેસના રઝાકભાઇ હાલાને 4,576 અને એનસીપીના મહેબુબભાઇને 3,805 મતો મળતા કોંગ્રેસના રઝાકભાઇ હાલાનો વિજય થયો હતો. તો કોગ્રેસના વિજયને લઇ મનપામાં સતાધારી ભાજપ પક્ષમાં આંતરીક સ્‍ફોટક ચર્ચા સાથે ગણગણાટ શરૂ થયો છે. જેના પ્રત્‍યાઘાતો આગામી દિવસોમાં જોવા મળશે તેવી જાણકારોમાં ચર્ચા શરૂ થઇ છે.

માણાવદરમાં વિજય મુદ્રા બતાવી રહેલ ભાજપના ઉમેદવાર
માણાવદરમાં વિજય મુદ્રા બતાવી રહેલ ભાજપના ઉમેદવાર

માણાવદર પાલીકાની બેઠક ભાજપે જાળવી રાખી

માણાવદર પાલીકાના વોર્ડ નં.4 ના સભ્‍ય માધવજીભાઇ પંચારીયાનું કોરોનામાં અવસાન થતા પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં 43 ટકા જેવું મતદાન થયું હતું. જેની આજે થયેલી મતગણતરીમાં ભાજપના અશ્વિનભાઈ મણવરને 744, કોંગ્રેસના સુરેશભાઈ કાબાને 626 મત અને આપ પાર્ટીના ગોપાલભાઈ ચૌહાણને 290 મત મળ્યાં હતા. આમ, ભાજપના અશ્વીનભાઇ મણવરનો 118 મતએ વીજય થતા માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, પાલીકા પ્રમુખ પુષ્પાબેન ગોર, ઉપપ્રમુખ પૂજાબેન દિલીપભાઈ રાડા, શહેર પ્રમુખ જીતેશ પનારા સહિતના આગેવાનોએ હાર-તોરા કરી જીતને વધાવી હતી. જયારે ભાજપના કાર્યકરોએ અબીલ-ગુલાલ ઉડાડી વિજયોત્‍સવ મનાવ્‍યો હતો.

ગીર સોમનાથની જી.પ.ની બેઠક કોંગ્રેસે જાળવી રાખી

ગીર સોમનાથ જિલ્‍લા પંચાયતની ગોવિંદપરા બેઠકના કોંગી સભ્‍યનું અવસાન થતા પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો. આ બેઠક પર 56 ટકા જેવું મતદાન થયું હતું. જેની આજે યોજાયેલી ગણતરીમાં ભાજપના ઉમેદવાર દેવાભાઇ નાથાભાઇ વાળાને 5,446 જયારે કોંગ્રેસના હરસુખભાઇ કાળાભાઇ મકવાણાને 6,848 મતો મળતા 1,402 મતોની જંગી લીડથી કોંગ્રેસના ઉમેદવાર વિજય થયા હતા. કોંગ્રેસ પાસે રહેલી આ બેઠક જીતવા માટે સતાઘારી ભાજપ પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી પ્રચાર અર્થે મેદાનમાં સાંસદ, જિલ્‍લા ભાજપ પ્રમુખ સહિતની મોટી ટીમ ઉતારી હતી. આ ટીમે બેઠકમાં આવતા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જોર શોરથી પ્રસાર કર્યો હતો તેમ છતા હારનો સ્‍વાદ ભાજપને ચાખવો પડ્યો હતો.

વિસાવદર પાલીકાની બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી ખૂંચવી લીધી

વિસાવદર નગરપાલીકાના વોર્ડ નં.1 ના કોંગ્રેસના સભ્‍યનું અવસાન થતા પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારો વચ્‍ચે ત્રીપાંખીયો જંગ ખેલાયો હતો. પેટાચૂંટણીના મતદાનમાં 52 ટકા જેવું મતદાન થયુ હતું. આ રસાકસી ભર્યા જંગમાં આજે થયેલી મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર કંચનબેન જયંતીભાઇ ભુવાનો માત્ર 7 મતે વિજય થયો હતો. આમ, કોંગ્રેસ પાસેથી રસાકસીભર્યા જંગમાં ભાજપે બેઠક છીનવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...