ખંડણીની વસૂલાત:જૂનાગઢમાં લુખ્ખાઓએ યુવકનું અપહરણ કરી દસ લાખની માગણી કરી, બે લાખ લઈ મુક્ત કર્યો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય એક મજૂર યુવકને છરીને અણીએ પાંચ લાખની ખંડણી માંગી 10 હજાર રકમ લઈ મુક્ત કર્યો
  • મહાનગરમાં એક જ દિવસમાં બે લોકો પાસે ખંડણી માંગવાની ઘટના સામે આવતા નગરજનોમાં ભયની લાગણી પ્રસરી

જૂનાગઢમાં લુખ્ખાઓએ એક જ દિવસમાં બે યુવકો પાસેથી ખંડણી માંગી લાખોની રકમ પડાવી લીધાની ઘટના બનતા નગરજનોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે. જેમાં ગતરાત્રીના એક બાઈક ચાલક યુવાનને આંતરી છ શખ્સોએ અપહરણ કરી છરી મારી દસ લાખ ખંડણી માંગીને બે લાખ લઈ મુકત કર્યો હતો. જ્યારે અન્ય એક યુવાનને પણ આ ટોળકીએ કામ હોવાનું કહી બોલાવી છરીની અણીએ પાંચ લાખની ખંડણી માંગી દસ હજાર પડાવી લઈ મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે બંન્ને પીડિતો દ્વારા જુદી જુદી ફરિયાદ કરતા પોલીસે બંન્ને ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી છે. બંન્ને ઘટનાઓને ગણતરીના કલાકોમાં અંજામ આપી લુખ્ખાઓની ટોળકીએ પોલીસને પડકાર ફેકયો હોય તેમ ચકચાર પ્રસરી ગઈ છે.

આ બંન્ને ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જુલાઈવાડા વિસ્તારમાં રહેતો અને ચિતાખાના ચોકમાં મોબાઈલની દુકાન ધરાવતો અફરોઝ અહમદભાઈ માલકાણી (ઉ.વ.34) નામનો યુવાન ગતરાત્રે એકાદ વાગ્યે બુલેટ લઈ લીમડા ચોકથી કાળવા ચોકમાં ઠંડુ પીવા નીકળ્યો હતો. ત્યારે કાળવા ચોકમાં પાનની દુકાન પાસે પહોંચતા ત્યારે મોહસીન ઉર્ફે હોલે હોલેએ અવાજ કરી બોલાવેલ પરંતુ તે ઉભેલ નહીં. કારણ કે, હોલે હોલેએ અગાઉ અફરોઝ પાસેથી ખંડણી માંગેલ જેની ફરિયાદ કરી હોવાથી બીક લાગતા તે ત્યાંથી નીકળી ગયો હતો.

આથી મોહસીન ઉર્ફે હોલેહોલે, સરફરાઝ ઉર્ફે ડાબરો, સોહેલ, અક્રમ પટેલ અને અન્ય શખ્સોએ તેની પાછળ બુલેટ અને સ્કુટર ઉપર પીછો કરી બહાઉદ્દીન કોલેજના ગેટ નજીક અફરોઝના બાઈક આડે રાખી છરી બતાવી પોતાની બુલેટમાં બેસાડી અપહરણ કરી લીધુ હતુ. બાદમાં ભૂતનાથ ફાટક પાસેથી સરદાર બાગમાં આવેલી કેન્ટીન પાછળ અવાવરૂ જગ્યામાં લઈ જઈ અપશબ્દો ભાંડી શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને મોહસીને પથ્થરથી મારમાર્યો હતો. બાદમાં આ શખ્સોએ દસ લાખની ખંડણી માંગતા અફરોઝે પૈસા આપવા ના પાડતા એક અપહરણકર્તાએ થાપાના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો અને પૈસા ન આપે તો મારી નાખવા ધમકી આપી હતી.

બાદમાં અફરોઝે જીવ બચાવવા અત્યારે બે લાખની વ્યવસ્થા કરી આપવાનું કહી તેના ભાઈ ઈમ્તિયાઝને ફોન કરીને કહેલ કે મિત્રને દવાખાનાના કામ માટે જોઈએ છે તેવુ ખોટું બોલી પૈસા માંગ્યા હતા. બાદમાં સરફરાઝ ઉર્ફે ડાબરો અનવ સોહિલ પૈસા લઈ આવ્યા હતા. બાદમાં અફરોઝે સારવારમાં લઈ જવા કહેતા આ ટોળકી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલ જ્યાં એમએલસી કરવા કહેતા તે કરવા ના પાડી હતી અને આ ભાઈ પડી ગયો છે એટલે લોહી નીકળ્યા છે તેમ કહ્યું હતું. બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં પણ છરી બતાવી આઠ લાખની વ્યવસ્થા કરી લે નહીંતર જવા દેવાનો નથી તેવી ધમકી આપી હતી. અફરોઝે અત્યારે પૈસાની વ્યવસ્થા થાય તેમ ન હોવાથી ના પાડતા આ ટોળકીએ સક્કરબાગ પુલ નીચે નાખી દેવા કહી ત્યાં લઈ જતા હતા ત્યારે અફરોઝે પાંચ લાખ સવારે આપવાની વાત કરતા આ ટોળકીએ ફોન લઈને તેને મુક્ત કર્યો હતો અને ફરિયાદ ન કરવા ધમકી આપી હતી.

સવારે ચારેક વાગ્યે અફરોઝ ઘરે પહોંચ્યો ત્યારે ચક્કર આવતા પડી જતા તેને સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેની સાથે ઘટેલ સમગ્ર ઘટના અંગે તેણે પરિવારજનોને વાત કરતા બધા ચોંકી ગયા હતા. બાદમાં આ ઘટના અંગે અફરોઝ માલકાણીએ મોહસીન ઉર્ફે હોલે હોલે, સોહિલ, અકરમ પટેલ, સરફરાઝ ઉર્ફે ડાબરો, શાહરુખ અને એક અજાણ્યાં શખ્સ વિરુધ્ધ ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે છએય શખ્સો સામે અપહરણ, ખંડણી, મારમારવા, ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા અને સેન્ટીંગનું કામ કરતા અબ્દુલ કાદર હાસમ ભાટાને મોહર્સીન ઉર્ફે હોલે હોલે અને સરફરાઝ ઉર્ફે ડાબરાએ ગતસાંજે કામ હોવાનું કહી સરદારબાગ કેન્ટીન પાસે બોલાવી તું શું કરે છે તેમ પૂછતા અબ્દુલએ સેન્ટીંગનું કામ કરતો હોવાનું કહ્યું હતું. જેથી લુખ્ખાઓએ તું કન્સ્ટ્રકશનનું કામ કરે છે. જેથી હોલે હોલેએ છરી બતાવીને કામ કરવું હોય તો પાંચ લાખ આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી. અબ્દુલએ આજીજી કરતા લુખ્ખાઓએ 50 હજાર તો આપવા જ પડશે અને નહીં આપ તો મારી નાખવાની ધમકી આપી થપ્પડ મારી હતી. પૈસા નહીં આપીશ તો બહાર નીકળવા નહીં દઈએ એમ કહી છરી અડાડી હતી. બાદમાં અબ્દુલ કાદીરે તેના ભાઈ ઇસ્માઇલ ભાઈ પાસેથી દસ હજાર લઈને આપ્યા હતા. બાદમાં ઘરે આવીને અબ્દુલ કાદરે પોતાની સાથે બનેલી ઘટના અંગે પરીવારજનોને વાત કરી હતી. બાદમાં આ ઘટનાને લઈ અબ્દુલ ભાટાએ મોહસીન ઉર્ફે હોલે હોલે, સરફરાઝ ઉર્ફે ડાબરો, શાહરૂખ અને ફિરોજ ઉર્ફે લાલો સામે ફરીયાદ કરતા પોલીસે અપહરણ અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...