ચૂંટણીલક્ષી બેઠક:જૂનાગઢમાં જે.પી નડ્ડાએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી, કોંગ્રેસ અને 'આપ' પર પ્રહાર કર્યા

જુનાગઢ7 દિવસ પહેલા

રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સ્ટાર પ્રચારકો અને મોટા ગજાનાં નેતાઓ પ્રચાર અર્થે આવી રહ્યા છે. જૂનાગઢ બેઠક પર ભાજપે સંજયભાઈ કોરડીયાને ટિકિટ આપી છે. ત્યારે સરોવર પોટ્રિકો હોટેલ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડાએ કાર્યકર્તાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠક બાદ જે.પી નડ્ડાએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા જણાવ્યું કે, એક નવી પાર્ટી આવી છે, તેનો રેકોર્ડ એવો છે કે તેણે ઉત્તર પ્રદેશમાં 350 સીટો પર ચૂંટણી લડી અને 349 સીટો પર તેની ડિપોઝીટ જપ્ત થઈ હતી.

'ગુજરાતમાં તમામ બેઠકો પર આપની ડિપોઝીટ જપ્ત થશે'
આ ઉપરાંત ઉત્તરાખંડમાં આપ પાર્ટી 69 સીટો પર ચૂંટણી લડી હતી જેમાંથી 68 સીટો પર ડિપોઝીટ ગુમાવી હતી. તેમજ ગોવામાં 39 સીટોમાંથી 35 સીટો પર ડિપોઝીટ ગુમાવી હતી. આમ આદમી પાર્ટીના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ગુજરાત અને હિમાચલમાં પ્રચાર કરી રહ્યા છે, અહીં ગુજરાતમાં પણ તમામ બેઠકો પર આપની ડિપોઝીટ જપ્ત થઈ જશે.

'લોકો કોંગ્રેસ પાર્ટીને ગુજરાત વિરોધી તરીકે જાણે છે'
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કોંગ્રેસ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનું વલણ હંમેશા દેશ વિરોધી જ રહ્યું છે. કોંગ્રેસની નીતિ ભારતને એક કરવા તરફ ઓછી અને તોડવા તરફ વધુ છે. ઈતિહાસ તેનો સાક્ષી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મેઘા પાટકર સાથે જોવા મળે છે ત્યારે સાફ દેખાય છે કે ગુજરાત વિશેની તેમની વિકાસ પ્રત્યેની વિચારધારા શું હોય શકે તે લોકોને ખબર જ છે .આ લોકો 15 વર્ષથી સરદાર સરોવર ડેમનું બાંધકામ અટકાવવા માંગતા હતા, સૌરાષ્ટ્રનું પાણી ન પહોંચે તેવું ષડયંત્ર, ગરીબ અને મધ્યમ વર્ગને મુશ્કેલીમાં મુકવાનું કામ કોંગ્રેસે કર્યું છે. પરંતુ વડાપ્રધાન મોદી નર્મદાનું પાણી લાવવામાં સફળ થયા અને સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે પાણી પહોંચાડ્યું, લોકો કોંગ્રેસ પાર્ટીને ગુજરાત વિરોધી તરીકે જાણે છે.

અન્ય સમાચારો પણ છે...