જૂનાગઢમાં રહેતા યુવાને ઉછીના લીધેલા 20 હજારના બદલામાં 50 હજારની રકમ આપી હોવા છતાં વધુ સવા લાખની રકમ યુવકના પિતા પાસે ચાર શખ્સોએ છરીની અણીએ માંગી હતી. તેમજ યુવાનના પિતાને મારી નાખવા ધમકી આપી હતી. આ મામલે પીડીતે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા તુષારભાઈ પ્રવીણભાઈ સોજીત્રા અને તેના પુત્ર હર્ષ તા.16 ના રોજ તળાવ દરવાજા નજીક આવેલી તેના મિત્રની ઓફિસે બેઠા હતા. એ સમયે ગાંધી જેન્તી સોલંકી, સુનિલ પ્રવિણ સોલંકી, વિરાટ ડાભી અને ગૌતમ પાતર નામના ચાર શખ્સો ત્યાં આવેલા અને હર્ષે આ ગાંધી સોલંકી પાસેથી રૂ.20 હજાર ઉછીના લીધા હોવાનું જણાવ્યુ હતું. હર્ષે આ શખ્સોને 20 હજાર નહીં સવા લાખ અને 50 હજાર વ્યાજના મળી કુલ રૂ.1.75 લાખ આપવા પડશે તેમ શખ્સોએ કહ્યું હતું.
જે અંગે હર્ષના પિતા તુષારભાઈ એ તમને પૈસા મળી જશે તેમ કહેતા ગાંધીએ છરી કાઢી તુષારભાઈના ગળા પર રાખી હવે વધારે કઈ બોલતો નહીં નહીંતર છરી ચલાવવામાં વાર નહીં લાગે તેમ કહી ધમકી આપી હતી. બાદમાં તુષારભાઈએ તેના મિત્રને ફોન કરી 50 હજાર અને પોતાના પાસે રહેલા 5 હજાર મળી કુલ 55 હજાર આપ્યા હતા. બાદમાં આ શખ્સોએ બાકીના 1.20 લાખ તા. 20 સુધીમાં આપી દેવાનું કહી ધમકી આપી હતી. આ ઘટના અંગે તુષારભાઈ સોજીત્રાએ ગતરાત્રે ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.