કાર્યવાહી:જૂનાગઢ શહેરમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનાર પાંચ શખ્સ ઝડપાયા, એક ફરાર

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટિવી કેમેરાથી કારનો નંબર મેળવી માલિકને પૂછતાંજ આરોપી ઓળખાયા

જૂનાગઢની ભાગોળે તા. 12 મે ની રાત્રે વેરાવળના સરકારી વકીલે પોતાના સાગ્રીતો સાથે મળી એક યુવાનની હત્યાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ કસ્ટડીની હવા ખાવાનો વારો આવ્યો છે. પોલીસે ગુનો બનતાંજ તાકીદે સીસી ટિવી ચેક કરી કારનો નંબર મેળવી તેના માલિકને શોધી કાઢ્યો. તેને પૂછતાંજ સરકારી વકીલ ગાડી લઇ ગયાનું જણાવ્યું અને આરોપીની ઓળખ થઇ ગઇ હતી.

જૂનાગઢના હિરેનભાઇ ભૂત પર હુમલો થયા બાદ બનાવ અંગે પોલીસને જાણ થતાંજ એસપી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ, તાલુકા પોલીસ, ટેક્નિકલ સેલ, કમાંડ એન્ડ કન્ટ્રોલ, સહિતની 4 ટીમો બનાવી દીધી હતી. આ ટીમોએ સીસી ટિવી કેમેરાના આધારે કાળા કલરની કારનો નંબર મેળવી, માલિકને વેરાવળથી શોધી, પૂછપરછ કરતાં તેણે પોતાની કાર વકીલ નિગમ જેઠવા લઈ ગયાની વિગત આપી હતી.

આથી પોલીસે રાત્રેજ એક પછી એક આરોપીઓને રાઉન્ડ અપ કરી, ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પૈકીનો એક આબીદ સુમરા પણ વકીલ છે. અને તેનો મિત્ર છે. જ્યારે બીજા આરોપીઓ અફઝલ ઉર્ફે ચીપો, રફીક ઉર્ફે ટોમેટો અને શરીફ ઉર્ફે ભૂરો આબીદ સુમરાના અસીલો છે. અને પશુ સંરક્ષ્ણ ધારા, ચોરી, ઘરફોડી, મારામારી, રાયોટિંગ, ધમકીઓ આપવાના અસંખ્ય ગુનાઓમાં પકડાયેલા આંતર જિલ્લા ગુનેગારો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પકડાયેલા આરોપીઓ
નિગમ જેરામભાઈ જેઠવા (ઉ. 37, રે. ખીરસરા ગીર, તા. માળિયા હાટીના), આબીદ ઈશાભાઈ સુમરા (ઉ. 40, રે. નાવદ્રા, તા. વેરાવળ), અફઝલ ઉર્ફે ચિપો સતારભાઈ ગોવાલ (ઉ. 30, રે. શાહીન કોલોની, પ્રભાસ પાટણ), રફીક ઉર્ફે ટોમેટો સતારભાઇ ચૌહાણ (ઉ. 25, રે. બોદરશા કોલોની, દરગાહ પાસે, વેરાવળ), મુસ્તાક ઉર્ફે મુસ્તાકબાપુ ગુલામ મયુદીન કાદરી (રે. સૈયદવાડા, લીમડા ચોક, જૂનાગઢ) જ્યારે શરીફ ઉર્ફે ભૂરો ઈકબાલભાઈ ચિનાઈ (રે. વેરાવળ) હજુ ફરાર છે.

2 યુવાનોને ખોટા કેસની ધમકી આપી હતી
હિરેન ભૂત ઉપરાંત મુસ્તાક બાપુ નામના શખ્સે સીસી ટિવી ચેક કરનાર પિયુષ જારસાણિયાને એવી પણ ધમકી આપી હતી કે, તારા એપાર્ટમેન્ટમાં કોણ ક્યાં આવે છે અને જાય છે એની બહુ તપાસ કરે છે. તમે તમારું કરો બીજાના ઘરની રેવા દયો. નહીંતર હું તમને હેરાન કરી દઇશ અને ખોટા કેસમાં સલવાડી દઇશ.

અન્ય સમાચારો પણ છે...