જૂનાગઢના ખામધ્રોળ મેઇન રોડ પર એક ખાડામાં મોટરસાઇકલ સાથે ખાબકતાં એક યુવાનનું મોત નિપજ્યું છે. આ બનાવને લઇ મૃતકના પિતાએ મ્યુ. કમિશ્નર અને સંબંધિત તમામ સામે ગુનો નોંધવાની ફરીયાદ સાથે એસપીને અરજી કરી છે.
જૂનાગઢના ખામધ્રોળ રોડ પર કલાપીનગરમાં રહેતા જેન્તીભાઇ જેઠાભાઇ રાઠોડનો નાનો પુત્ર રાજેશ (ઉ. 32) ગત તા. 26 ફેબ્રુ.ના રોજ રાત્રે 11 થી 11:30 વાગ્યાના અરસામાં પોતાની બાઇક પર ખામધ્રોળ રોડ પરથી ઘેર પરત ફરતો હતો ત્યારે રોડની સાઇડે મનપાએ ખોદેલા 15 ફૂટ ઉંડા ખાડામાં પડી ગયો હતો.
જોકે, આસપાસમાં રહેલા લોકો એકઠા થઇ ગયા હતા. અને 108 ને જાણ કરી હતી. દરમ્યાન રાજેશના ફોનમાં રીંગ વાગતી હોઇ કોઇએ ફોન ઉપાડી બનાવ અંગે જાણ કરતાં તેના પરિવારજનો પણ બનાવના સ્થળે પહોંચ્યા હતા. અને રાજેશને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો હતો. તેને માથામાં ઇજા હોઇ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયો હતો.
જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેે મૃતકના પિતા જેન્તીભાઇ જેઠાભાઇ રાઠોડે એસપીને અરજી કરી છે. જેમાં આ બનાવ પાછળ મ્યુનિસિપલ કમિશ્નર, સંબંધિત અધિકારી, પદાધિકારી, કોન્ટ્રાક્ટર અને સહ કર્મચારીને જવાબદાર ઠેરવી તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની ફરીયાદ કરી છે.
ફરીયાદમાં એવો આક્ષેપ કરાયો છેકે, અગાઉ 3-4 જણા આ ખાડામાં પડી ગયા હતા. અને લત્તાવાસીઓએ રજૂઆતો કરી હોવા છત્તાં એ ખાડો પૂર્યો નહોતો. અને તેની આજુબાજુ કોઇ આડશો, બેનરો કે સાઇન બોર્ડ રખાયા નહોતા. આ રીતે તંત્રએ ઘોર બેદરકારી દાખવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.