જૂનાગઢમાં એક યુવક ચાલુ બુલેટમાં હાથમાં રિવોલ્વર કાઢીને સીન સપાટા મારી રહ્યો હતો, જેનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. એને લઈ પોલીસે તપાસ હાથ ધરતાં 18 વર્ષીય હર્ષ દાફડા નામનો જૂનાગઢના મેઘાણીનગરમાં રહેતો યુવક હોવાનું સામે આવ્યું હતું તેમજ યુવક તેના પિતાની લાઇસન્સવાળી રિવોલ્વર લઈને નીકળ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. એને આધારે એલસીબી સ્ટાફે ત્વરિત જ યુવકની ધરપકડ કરી તેની પાસેથી રિવોલ્વર તથા બુલેટ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફેમસ થવા યુવાઓ કરી રહ્યા છે જોખમી સ્ટંટ
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયાની સાઈટો પર વધુ લાઈક મેળવવા યુવાઓ અનેક જોખમી સ્ટંટ કરી રહ્યા છે, જેને કારણે ઘણીવાર જીવ જોખમમાં મુકાવાની સાથે જાણતા - અજાણતામાં કાયદાના ભંગ પણ કરી નાખે છે. એવા સમયે યુવાઓ મુશ્કેલીમાં મુકાયાના અનેક કિસ્સા જોવા મળ્યા છે.
યુવકે વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો
સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ગઈકાલે જૂનાગઢના એક યુવાને રસ્તા પર ચાલુ બુલેટમાં રિવોલ્વર કાઢીને વીડિયો બનાવ્યો હતો, જેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયોમાં રસ્તા પર બુલેટ બાઈક પર જઈ રહેલો એક યુવક હાથમાં રિવોલ્વર કાઢીને સીન સપાટા મારી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. યુવક એક હાથે બાઈક ચલાવી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર કાઢીને જાહેરમાં એનું પ્રદર્શન કરી રહ્યો હતો તેમજ આ વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
યુવક પાસેથી તપાસમાં હથિયાર મળી આવ્યું
આ વાઇરલ વીડિયો અંગે પોલીસવડા રવિ તેજા વાસમશેટ્ટીએ આદેશ કરતાં એલસીબીની ટીમે તપાસ હાથ ધરતાં પોલીસને ખાનગી રાહે ચોક્ક્સ બાતમી મળી હતી કે વાઇરલ વીડિયોમાં દેખાતા યુવકનું નામ હર્ષ મનસુખભાઇ દાફડા રહે. મેઘાણીનગર, જૂનાગઢવાળો છે, જેથી બાતમીના આધારે આ યુવકને રિલાયન્સ મોલ સામે આવેલી રાજલક્ષ્મી પાર્ક સોસાયટીના જાહેર રોડ પરથી પોલીસે અટક કરી હતી. એ બાદ તેની અંગજડતી તપાસ કરતાં તેના જીન્સના પેન્ટના નેફામાંથી હથિયાર મળી આવ્યું હતું.
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે આ હથિયાર અંગે યુવકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ હથિયાર તેના પિતા મનસુખભાઇનું લાઇસન્સવાળું છે. ત્યારે પિતાએ પોતાના દીકરાને પોતાનું લાઇસન્સવાળુ હથિયાર આપી તેમજ તેના પુત્રએ વગર લાઇસન્સે જાહેરમાં ખુલ્લું હથિયાર રાખી બુલેટ ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ગુનો કર્યો હોવાથી હર્ષ દાફડા સામે હથિયારધારા કલમ 25 (1)બીએ, 30, 29 તથા જી.પી.એકટ 135 મુજબ કાર્યવાહી અર્થે જૂનાગઢ સી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હર્ષ પાસેથી ફાઇબરના હાથાવાળી એમ.પી. રિવોલ્વર 32 (7.65 મી.મી.) એસ.એ.એફ. કાનપુર (ભારત) બનાવટની રિવોલ્વર કી. રૂ.1 લાખની જપ્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.