જૂનાગઢ અને અમરેલીમાં રસ્તાઓ પર અને ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરાના ઘટનાઓ સામાન્ય બની છે. સિંહની લટારના વીડિયો અવારનવાર વાઈરલ થતા રહે છે. ત્યારે જૂનાગઢના પ્લાસવા પાસેનો સિંહની કનડગતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રસ્તા પર એક કારચાલક કાર ચલાવી રહ્યો છે તો તેની નજીકમાં જ આવેલી એક દીવાલ પર સિંહ દોડ લગાવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગે તપાસના આદેશ આપ્યા છે.
ગીરમાં વસવાટ કરતા સિંહ અવારનવાર શિકારની શોધમાં રસ્તાઓ પર આવી ચડે છે. જૂનગાઢના પ્લાસવા ગામ પાસે ગતરાત્રિએ બે સિંહ આવી ચડ્યા હતા. એક સિંહ દીવાલ પર ઉભો હતો ત્યારે જ નજીકમાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે સિંહની બાજુમાં જ કાર ચલાવતા સિંહ દીવાલ પર દોડવા લાગ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે આ જે સિંહોનો વાયરલ વિડિયો છે તે ગતરાત્રિના 11 થી 12:00 વાગ્યા વચ્ચેનો છે અને જુનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામના ડેપો નજીકનો છે. વારંવાર સિંહો આ વિસ્તારમાં આવી ચડે છે અને જૂનાગઢના જ લોકો દ્વારા આ વીડિયો મોબાઇલમાં કેપ્ચર કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે વારંવાર સિંહની તકેદારી બાબતે લોકજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે પરંતુ લોકો કંઈ સમજવા તૈયાર જ નથી.વીડિયો વાયરલ કરનાર જે જવાબદાર લોકો છે તેમને વન વિભાગ કચેરીએ બોલાવવામાં આવેલ છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.