જૂનાગઢ જિલ્લામાં અનેક ઠેકાણે ગેરકાયદેસર નશાનો કારોબાર ચાલી રહ્યો હોવા અંગે મળી રહેલ માહિતીના આધારે પોલીસે સતર્ક બની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે એક કોમ્પલેક્ષમાં હર્બલની દુકાનમાં ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાના નામે નશો કરાવનાર બારનો SOG એ પર્દાફાશ કરી આયુર્વેદિક દવાની 340 બોટલો સહિત અડધા લાખનો મુદામાલ કબ્જે કરેલ છે. આ સાથે નશાનો કારોબાર ચલાવનાર દુકાન માલિક અને મેનેજરને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે દરોડા સમયે આઠેક લોકો દુકાનમાં આયુર્વેદિક દવાનું સેવન કરી રહ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.
બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ
જૂનાગઢ જિલ્લામાં દિન- પ્રતિદિન નશીલા પદાર્થોના વધતા સેવન અને વેંચાણના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યુ છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસે યુવાધનને નશાની ચંગુલમાંથી બહાર કાઢવા માટે કમરકસી કાર્યવાહી કરી રહી છે. જેમાં થોડા દિવસ પહેલા જ જિલ્લાના ચોરવાડ, માળીયાહાટીના અને વંથલી પંથકમાંથી આયુર્વેદિક દવાના નામે વેચાતી નશાની દોઢેક હજારથી વધુ બોટલો પોલીસે કબજે કરી કાર્યવાહી કરી હતી. દરમિયાન જૂનાગઢમાં આયુર્વેદિક પીણાના નામે ગેરકાયદેસર નશાયુક્ત પીણુ ચોક્કસ વિસ્તારમાં આવેલ હર્બલ શોપમાં વેચાઈ રહ્યુ હોવા અંગે SOGના પી.એમ. ભારાઈ, મહેન્દ્ર ડેરને બાતમી મળી હતી. જેના આધારે SOG ના પીઆઈ એ.એમ.ગોહિલ, પીએસઆઈ જે.એમ.વાળા, પી.વી.ધોળકીયાએ ટીમને સાથે લઈ ગત મોડી રાત્રે જૂનાગઢના પોશ વિસ્તાર એવા ઝાંઝરડા ચોકડી પાસે આવેલ દ્વારીકા પ્લાઝા-2 કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ કૈલાસ હર્બલ નામની દુકાન ઉપર દરોડો પાડેલ હતો.
બાર જેવી સુવિધા ઉભી કરી વેચાણ કરાતું હતું
જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે આવેલા કોમ્પલેકસમાં દરોડો પાડી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, હર્બલ શોપમાં બારની માફક ટેબલો ગોઠવી નશાકારક સિરપ સર્વ કરમાં આવતી હતી.
આ સમયે દુકાનમાં જોવા મળેલ નજારો જોઈ પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. દુકાનમાં બીયર બારની જેમ ટેબલ ખુરશી પર શખ્સો નશો કરી રહ્યા હતા. જ્યારે દુકાન માલિક વિજય હરકિશન ગહેનાણી અને મેનેજર બ્રિજેશ ખુશાલભાઈ રૂપારેલીયા દ્વારા નશો કરવા આવતા લોકો માટે નાસ્તાથી લઈ તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોવાથી બંન્નેને ઝડપી લેવામાં આવ્યાં હતા. દુકાનમાં તપાસ દરમિયાન ફ્રીઝની અંદરથી આયુર્વેદિક દવાની 340 જેટલી બોટલો કિ.રૂ. 50,319 ની મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. આ તમામ બોટલોના નમુના એફએસએલમાં મોકલી દેવામાં આવ્યાં છે. જયાંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરશે તેમ ડીવાયએસપી જાડેજાએ જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.