ક્રાઇમ:જૂનાગઢમાં 2 શખ્સે જાહેરમાં યુવકની હત્યા કરી, શોધખોળ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયશ્રી ટોકિઝ રોડ પર બે શખ્સે હથિયારના ઘા ઝીંકી પતાવી દીધો, પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢના જયશ્રી ટોકિઝ રોડ પર બે શખ્સે દિનદહાડે સરાજાહેર યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવ અંગે બી ડિવીઝન પોલીસે અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધી બન્નેને શોધી કાઢવા તપાસનો ધમધમાટ કર્યો છે. જ્યારે હત્યાનું કારણ પણ આરોપી ઝડપાયા બાદ જાણી શકાશે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના જયશ્રી ટોકિઝ રોડ સ્થિત શિખર કોમ્પ્લેકસની સામે સાંજના 4:20 વાગ્યે એક યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યાની ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

દરમિયાન આ અંગેની જાણ થતા બી ડિવીઝન પોલીસ કાફલો તુરત ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ રાકેશ ઉકા બાંભણીયા હોવાનું અને ઉંમર આશરે 32 થી 35 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન તિક્ષ્ણ હથિયારના ઘા કરી હત્યા કરાઇ છે. આ હત્યા બે શખ્સોએ કરી હોવાનું જણાતા આ મામલે અજાણ્યા બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દરમિયાન મૃતક યુવાન રખડતી ભટકતી જીંદગી ગુજારતો હોવાનું અને કાળવા ચોક, મોર્ડન ચોક, જયશ્રી ટોકિઝ વિસ્તારમાં આંટાફેરા કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ બી ડિવીઝન પીઆઇ એન. આઇ. રાઠોડે હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વિવિધ દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...