અજગર ભરડા સામે ભીડી બાથ:જૂનાગઢના જલંધર ગામમાં 10 વર્ષીય બાળકે અજગરના મોઢા પર મુક્કો મારી પોતાનો પગ છોડાવ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
10 વર્ષીય બાળકની હિંમતને સલામ
  • ખેતરમાં રમી રહેલા બાળક પર અચાનક અજગરે હુમલો કર્યો હતો
  • માલધારી પુત્રને પિતા પાસેથી મેળવેલી શીખ સંકટ સમયે કામ આવી
  • બાળકને પગમાં અજગરે 20 દાંત બેસાડી દીધા હોવાથી સારવારમાં ખસેડાયો

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમના પોતાના ખેતરમાં જિલ્લા પંચાયતના સભ્યનો દસ વર્ષીય પુત્ર ખેતરમાં રમતો હતો. ત્યારે એક અજગરે તેનો પગ પકડી શિકાર કરવા પ્રયાસ કર્યો, પરંતુ બાળકે હિંમતભેર અજગરના મોઢા પર મુક્કો અને પથ્થર મારી પોતાનો પગ અજગરના મોઢામાંથી છોડાવી લેતા બચી ગયો હતો. બાદમાં બાળકને ઇજા થઇ હોવાથી તાત્કાલીક સારવારમાં લઈ જવાયો હતો. આ ઘટનાની સભ્યએ વનવિભાગને જાણ કરતા સ્થળ પર દોડી આવેલા વનકર્મીઓએ અજગરનું રેસ્ક્યુ કરી કેદ કરી લીધો હતો.

દસ વર્ષીય આશિષ
દસ વર્ષીય આશિષ

14 ફુટના અજગરે બાળક પર હુમલો કર્યો
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, માળિયા હાટીના તાલુકાના જલંધર ગામની સીમમાં રહેતા જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન વરજાંગભાઇ કરમટાનો દસ વર્ષીય પુત્ર આશિષ પોતાના ખેતરમાં આવેલા ઘર પાસે ખેતરમાં રમી રહ્યો હતો. એ સમયે અચાનક જ શિકારની શોધમાં 14 ફૂટનો અજગર ચડી આવી આશિષના પગમાં ચોટી જકડી લઈ શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાળકના પગમાં અજગરએ ઇજા પહોંચાડ્યાના નિશાન
બાળકના પગમાં અજગરએ ઇજા પહોંચાડ્યાના નિશાન

બાળકે અજગરને મુક્કા અને પથ્થર વડે ભગાડ્યો
એ સમયે જ આશીષે હિંમત દાખવી અજગરના મોઢા પર પ્રથમ મુક્કો મારી બાદમાં બાજુમાં રહેલા પથ્થર મારી પ્રતિકાર કર્યો હતો. જેથી અજગરે પગને મુખમાંથી છોડી દીધો હતો. આમ દસ વર્ષીય આશિષએ દાખવેલી સતર્કતાના લીધે પોતાનો જીવ બચાવી લીધો હતો. બાદમાં આશિષએ પિતા સહિત પરીવારજનોને સમગ્ર હકકિત જણાવી હતી. જે વિગત અંગે તેના પિતાએ તુરંત જ વન વિભાગને જાણ કરી હતી. બાદમાં સ્થળ પર પહોંચેલા વન વિભાગના સ્ટાફે મહાકાય અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. જ્યારે આશિષને પગમાં ઇજા થતા સારવાર માટે નજીકના મેંદરડા ખાતે લઈ જવાયો હતો. જ્યાં તબીબના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત બાળકને પગના ભાગે અજગરે 20 દાત બેસાડી દીધા હતા.

અજગરને રેસ્ક્યુ કર્યા બાદ કોથળામાં લઈ જવાયો
અજગરને રેસ્ક્યુ કર્યા બાદ કોથળામાં લઈ જવાયો

પિતાની વાતોથી શીખી બાળકમાં હિંમત આવી
ગીરની બોર્ડર પરના બાળકોની હિંમત પણ કાબિલેદાદ હોય છે. બાળકના પિતા માલધારી હોવાથી અવાર નવાર પોતાના પિતા સાથે રહી જંગલના પ્રાણીઓ વિશે વાતો સાંભળી હોવાથી કયા પ્રાણી સાથે કેવું વર્તન કરવું અને હુમલો કરે તો તેનો બચાવ કેવી રીતે કરવો તે વાત અગાઉ આશિષએ સાંભળી હતી. જેથી અજગરના હુમલા બાદ તુરંત જ તે વાત આશિષને મગજમાં આવી ગઈ મગર કે અજગર હુમલો કરે અથવા શિકારનો પ્રયાસ કરે તો તુરંત જ તેને માથાના ભાગે મારવું જેથી તે શિકારને છોડી દે છે તે જ વાત મુજબ આશિષે અજગરને પ્રથમ મુક્કો અને બાદમાં નજીકમાં રહેલો પથ્થર લઈને માથાના ભાગે માર્યો હતો જેથી તુરંત જ અજગરે તેનો પગ છોડી દીધો. પણ જો આ બાળકે હિંમતભેર અજગરનો સામનો ન કર્યો હોત તો કદાચ બાળકનો જીવ જોખમમાં મુકાયો હોત.

અન્ય સમાચારો પણ છે...