ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ રાજા ઇન્દ્ર, ભગવાન શ્રી કૃષ્ણ, ભક્તકવિ નરસિંહ મહેતા, દેવાયત પંડિત વગેરે સાથે વણાયેલો છે. ગિરનાર તિર્થક્ષેત્રે પધારતા સાધુ-સંતો-સાધકો માટેનું આ પ્રવેશદ્વાર ગણાતું. અહીં ચાર ગુફાઓ હતી. જે સાધકો માટે સ્વર્ગ સમાન હતી. જેમાંથી હાલ બે ગુફાઓ જોવા મળે છે. તેમાં એક ભૈરવ ગુફા અને બીજી અન્નપુર્ણા માતાજી ગુફા હાલ હયાત છે.
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જેટલા સમાધી મંદિરો આવેલા છે. તે બાબત જ આ મંદિરની સમૃધ્ધ મહંત પરંપરાનો શ્રેષ્ઠ દાખલો છે. 17મી સદીમાં આ જગ્યા પર બે મહંતોએ જીવતા સમાધી લીધી હતી. તેમના એક મુનકેશ્વરાનંદજી ખુબ જ ઉચ્ચ કક્ષાના સાધક હતા. એવું કહેવાય છે કે તેના દર્શને સિંહ જેવા વન્ય જંગલી પ્રાણીઓ પણ આવતા. તેમણે જીવતા સમાધી લીધા બાદ તેમના શિષ્ય ચુનકેશ્વરાનંદજી બાપુએ પણ જીવતા સમાધી લીધી હતી. 18 મી સદીમાં એવાજ બે તપસ્વી મહંતો આ મંદિરને મળવા પામેલા જેમાં સુર્યાનંદજી અને તેમના શિષ્ય ગજાનંદજી હતા. ગજાનંદજી સિદ્ધ પુરુષ હતા. તેઓ પૂર્વાશ્રમમાં ઉપલેટા પાસેના બ્રાહ્મણકુળના હતા.
ગજાનંદજીએ ભૈરવગુફામાં સતત 16 વર્ષ આકરી તપચર્યા કરી હતી. તેઓ માત્ર દર પુનમ પર જ ગુફાની બહાર આવતા ગજાનંદજી વિદ્વાન અને શાસ્ત્રોના જાણકાર હતા. તેમણે 21 જેટલા શિષ્યો બનાવ્યા હતા. ગજાનંદજીના શિષ્ય ત્રિગુણાનંદજી હતા. તેનાથી જૂનાગઢના નવાબ પણ ઘણા પ્રભાવિત થયા હતા. જૂનાગઢના નવાબ રસુલખાન ઓલિયા નવાબ હતા. તેમને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અને મહંત ત્રિગુણાનંદજી પર અપાર શ્રધ્ધાભાવ હતો. તેઓ ઈસ 1925 માં ધામમાં પધાર્યા હતા. તેમને બે શિષ્ય હતા. એક અખંડઆનંદજી અને બીજા બ્રહ્માનંદજી તેમાંના અખંડઆનંદજીએ આ જગ્યાના મહંતપદે રહી ઘણી સેવા કરેલી. તેઓ કારતક સુદ બીજ સવંત 2003 ના રોજ ધામમાં પધારે છે. અખંડઆનંદજી ભજનાંનંદી સાધુ હતા. તેના ભારતભરમાં શિષ્યો હતા.
અખંડઆનંદજીનાં શિષ્ય નર્મદાનંદજી હતા. નર્મદાનંદજીએ પોતાનો મોટાભાગનો જીવનકાળ મૌન સાધક તરીકે પસાર કર્યો હતો. તેઓ 1985 માં સ્વર્ગવાસ પામ્યા હતા. તેમના શિષ્ય ભાવનાનંદજી હતા. તેના સમયમાં ઇન્દ્રેશ્વર મહાદેવ ખાતે ઘણું નવું બાંધકામ થવા પામેલું. જ્યારે જૂના મંદિરોનો જીર્ણોધ્ધાર થવા પામ્યો હતો. વર્તમાન મહંત રામાનંદજીની ચાદરવિધી તેમના ગુરુ ભાવનાનંદજીની હાજરીમાં જ ઈસ 2008 માં થઇ હતી. હાલના મહંત રામાનંદજી 32 વર્ષથી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલા છે.
તેમના ગુરુ ભાવનાનંદજી 2017 માં સ્વર્ગલોક પામ્યા હતા. ભાવનાનંદજીનાં બીજા શિષ્ય ઋષિકાનંદ માતાજી હતા. તેઓ પણ મંદિર સાથે આશરે પચાસ વર્ષ જેટલો સમય રહ્યા હતા. તેમણે ગાયોની ખુબ સારી સેવા કરી. ભાવનાનંદજી મૂળ પંજાબના હતા. માત્ર 20 વર્ષની ઉમરે તેઓ ઇન્દ્રેશ્વર આવેલા બાદમાં અહીં 80 વર્ષ સેવા કરેલી અને 2017 માં આશરે 100 વર્ષની ઉમરે દેવલોક પામ્યા હતા. એવું કહેવાય છે કે તેમના સમયમાં ગિરનારની અંદર તુરલનાથ નામક પ્રખર સાધક રહેતા. જે મોટે ભાગે જોગણીયા ડુંગરમાં જ સાધના રત રહેતા. તેઓનું આયુષ્ય આશરે 200 વર્ષનું હતું. (લેખક: પ્રો. ડો. વિશાલ જોષી, અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.