અસામાજીક તત્વોમાં ફફડાટ:​​​​​​​ગીર સોમનાથમાં ગૌવંશની હેરાફેરી તથા કતલ કરવાના ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

જુનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા જિલ્લા પોલીસે કમ્મર કસી કડક કાર્યવાહી હાથ ધરી
  • પોલીસની ધડાધડ પાસાની કાર્યવાહીથી અસામાજીક તત્વો અને ગુનેગારોમાં ફફડાટ પ્રસર્યો

ગીર સોમનાથ જિલ્લામાં છાણે ખુણે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દઈ અસામાજીક તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે જિલ્લા પોલીસે કમ્મર કસી કામગીરી કરી રહ્યુ છે. જે અંતર્ગત જિલ્લામાં ગૌવંશની હેરાફેરી તથા કતલ કરવાના ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સો સામે પાસાના કાયદાનું શસ્ત્ર અપનાવી બંન્નેને ભુજ અને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવેલ છે. પોલીસની પાસાની કાર્યવાહીના પગલે અસામાજીક તત્વોમાં ફફડાટ પ્રસરી ગયેલ છે.

ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી હતી
ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને વેરાવળ-સોમનાથમાં ચોક્કસ લોકો ગૌવંશની કતલ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેઓને પકડવા છાશવારે પોલીસ દરોડા પાડી પકડે છે. બાદમાં આ ગુનાના આરોપીઓ યેનકેન કારણોસર છુટી ગયા બાદ ફરી પાછા આ પ્રવૃત્તિમાં લાગી જાય છે. જેથી આ પ્રવૃત્તિ ડામી દેવા માટે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ગૌવંશ તસ્કરી અને કટલમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને લઈ ગૌવંશની હેરાફેરી તથા કતલ કરવાના બે થી વધુ ગુનામાં અગાઉ પોલીસના હાથે ઝડપાયેલા અલ્તાફ ઉર્ફે જંડો રહેમાન પંજા, અને સુફીયાન ઉર્ફે આમીર આસીફ મલેક બંન્ને રહે. વેરાવળ વાળાઓના ગુનાહિત ઈતિહાસને લઈ દરખાસ્ત તૈયાર કરી પોલીસવડા મારફત જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી.

એલસીબીએ બંન્નેને ઝડપી લઈ જેલહવાલે કર્યા
બંન્ને શખ્સો સામે પાસાનું વોરન્ટ ઇસ્યુ થયેલ હતુ. જેને લઈ એલસીબીના પીએસઆઈ કે. જે. ચૌહાણએ સ્ટાફના અજીતસિંહ, નરેન્દ્ર કછોટ, નરેન્દ્ર પટાટ, વિરા ચાંડેરાએ વોચમાં રહી અલ્તાફ અને સુફીયાન બંન્નેને ઝડપી લઈ ભુજ અને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે.

દસેક શખ્સો સામે પાસાના કાયદાની કાર્યવાહી કરાઈ
અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં નવનિયુક્ત પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યા બાદ કોઈની શેહ શરમ રાખ્યા વગર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જળમુડમાંથી ડામી દઈ તેમાં સામેલ અસામાજીક તત્વો, બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી કાયદાની ભાન કરાવવા આદેશ કરેલ છે. જે અંતર્ગત ત્રણેક માસમાં જિલ્લામાં અસામાજીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ 10 શખ્સો સામે પાસાનું શસ્ત્ર પોલીસે ઉગામી સ્પષ્ટ સંદેશો અસામાજીક તત્વોને આપ્યો હોવાની ચર્ચા પ્રબુદ્ધ નાગરીકોમાં થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...