તૈયારીઓને આખરીઓપ:ગીર સોમનાથ જિલ્લામાં 288 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ, પોલીસ તંત્રનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 709 મતદાન મથકો પર 5.38 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
  • 288 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 641 જ્યારે સભ્યપદ માટે 4348 ઉમેદવારો મેદાનમા

ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં 329 ગ્રામ પંચાયત પૈકી 285 ગ્રામ પંચાયતોમાં સમાન્ય ચૂંટણી અને 3 ગ્રામ પંચાયતોમાં મધ્યસત્ર ચૂંટણી યોજાશે. જે માટે ગ્રામલોકો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.

ગીર સોમનાથ જિલ્લામાં આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 709 જેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાના 211 સંવેદનશીલ અને 111 અતિસંવેદનશીલ મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકો પર જિલ્લાના કુલ 5,38,685 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2,61,295 પુરૂષ અને 2,77,389 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

જિલ્લાની 288 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદની દાવેદારી માટે 641 ઉમેદવારો મેદાનમાં છે. ઉપરાંત આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 4348 જેટલા ઉમેદવારોએ ગ્રામ પંચાયતના સદસ્ય બનાવા માટે ઝંપલાવ્યું છે.

ચુંટણીને લઇ ફૂટ પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ સ્‍ટાફ
ચુંટણીને લઇ ફૂટ પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ સ્‍ટાફ

ચૂંટણી ફરજ પર 196 અધિકારી

જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સુપેરે યોજવા માટે 98 ચૂંટણી અધિકારી અને 98 મદદનીશ ચૂંટણી અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત 4179 જેટલા પોલિંગ સ્ટાફની પણ નિમણૂંક કરવમાં આવી છે.

36 ગ્રામ પંચાયતો સમરસ

જિલ્લામાં 36 જેટલી ગ્રામ પંચાયત સમરસ બની છે. આ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી નહિં યોજાઈ. આ 36 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોને ગ્રામજનો સર્વસહમતિથી ચૂંટ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ગ્રામ પંચાયતોને રાજ્ય સરકારની યોજના મુજબ વસ્તી પ્રમાણે પ્રજાલક્ષી કાર્યો કરવા માટે પ્રોત્સાહક રકમ પણ મળતી હોય છે.

પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં

જિલ્લામાં 288 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 709 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પુરતુ પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે. આ માટે 1 એસ.પી., 4 ડીવાય.એસ.પી. અને 12 પી.આઈ. દેખરેખ હેઠળ 1660 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.

ચુંટણીને લઇ બાઇક પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ સ્‍ટાફ
ચુંટણીને લઇ બાઇક પેટ્રોલીંગ કરી રહેલ પોલીસ સ્‍ટાફ

અતિસંવેદનશીલ મતદાન મથકોમાં વિશેષ બંદોબસ્ત

જિલ્લામાં સંવેદનશીલ- અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરીને વિશેષ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ મતદાન મથકો પર બંદોબસ્તમાં 500 લોકરક્ષક, 1,000 હોમગાર્ડસ, 60 એસ.આર.પી.ના જવાનો અને ગ્રામ રક્ષક દળના યુવાનો બંદોબસ્તમાં સહયોગી બનશે. ઉપરાંત 100 જેટલા જવાનો મતદાનના સમગ્ર દિવસ દરમિયાન મોબાઈલ પેટ્રોલિંગ કરશે. જેમાં પી.આઈ અને પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓ પણ ફરજ બજાવશે.

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે 3 આંતરરાજ્ય અને 6 આંતરજિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. સાથે જ 10,000 જેટલા વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. આમ, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બહુસ્તરિય વ્યવસ્થા ઉભી કરાઈ છે.

ચૂંટણીના જાહેરનામા અંતર્ગત 350 જેટલા પરવાના વાળા હથિયાર ધારકો પાસેથી હથિયારો જમા લેવામાં આવ્યા છે. સાથે જ દારૂ અને ગંભીર ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. સાથે જ 886 લીટર દેશી દારૂ, 1.50 લાખની કિંમતનો વિદેશી દારૂ, 40 હજારની કિંમતનો દેશી દારૂ બનાવવાનો સામાન, તેમજ 9 લાખથી વધુની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...