કલેકટરનો નિર્ધાર:સિવીલમાં કલેકટર જ ડોકટર , કલેકટર અને ડીડીઓ સવાર અને સાંજે વધુમાં વધુ સમય સિવીલ હોસ્પિટલમાં ફાળવશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલ કોરોનાના 97 દર્દી સારવારમાં - Divya Bhaskar
હાલ કોરોનાના 97 દર્દી સારવારમાં
  • કોરોનાને નાથવા અને દર્દીઓમાં વિશ્વાસ પ્રસ્થાપીત કરવા કલેકટરનો નિર્ધાર

જેમ દશેરાના દિવસે જ ઘોડું ન દોડે તેમ જૂનાગઢમાં કાર્યરત સિવીલ હોસ્પિટલનું તંત્ર કોરોના મહામારીના સમયે જ ખાડે ગયું હતું. જોકે, લોકોની ફરિયાદ છત્તાં સિવીલના આળસુ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હતું. સિવીલની સારવાર ખાડે જવા પાછળ કાંતો હોસ્પિટલના અધિક્ષકનું કંઇ ઉપજતું જ ન હોય કે પછી તે કોઇ કારણોસર અન્ય સ્ટાફને કંઇ કહી શકતા ન હોય તેમ જણાઇ રહ્યું હતું. પરિણામે કોરોનાના દર્દી જાણે રામભરોસે હોય તેવો માહોલ ઉભો થયો હતો.

સારવારમાં ઘોર બેદરકારીની વ્યાપક ફરિયાદો બાદ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી સિવીલમાં હાજર રહ્યા હતા. બન્ને અધિકારીઓ પીપીઇ કીટ પહેરીને કોરોના વોર્ડમાં તેમજ આઇસીયુ વોર્ડમાં ફર્યા હતા અને દર્દીને મળતી સારવાર, તેમાં રહેતી ખામી વગેરેની જાત માહિતી મેળવી હતી. બાદમાં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે જરૂરી તકેદારી રાખવા તાકીદ કરી હતી. દરમિયાન જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, કોરોના વોર્ડમાં જે દર્દી દાખલ થયા છે તેમના સગા સબંધીઓને એક જ હેલ્પ ડેસ્ક પરથી કોરોનાના દર્દીઓને મળતી સારવારની વિગતો મળશે.

કલેકટરે મુલાકાત કરતા ઓક્સિજન પણ આવી ગયો !
સિવીલમાં ઓક્સિજનની ઘટ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ પણ રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટરે સિવીલની મુલાકાત લેતા ઓક્સિજન સપ્લાયર કરનાર એજન્સીમાં પણ દોડધામ મચી જવા પામી હતી. જેના પગલે ઓક્સિજનની ગાડી પણ તુરત આવી ગઇ હતી!

રાજકોટ સિવીલની મુલાકાત લીધી
રાજકોટ સિવીલમાં કોરોનાના દર્દીને જેવી સારવાર મળે છે તેવી જ સારવાર જૂનાગઢ સિવીલમાં પણ મળતી થાય તે માટે પ્રયાસો કરાઇ રહ્યા છે. આ માટે ડીડીઓ પ્રવિણ ચૌધરી, ડો. રવિ ડેડાણીયા, આરએમઓ ડો.સોલંકીએ રાજકોટ સિવીલ મુલાકાત લીધી હતી.

આજે શું કર્યું
પીપીઇ કિટ પહેરી કલેકટરે કોરોનાનાં વોર્ડમાં દર્દીઓને મળી ચર્ચા કરી

હવે આ થશે
કોરોનાના દર્દીના સગાને હેલ્પ ડેસ્ક દ્વારા સારવાર, વીડિયો કોલીંગથી વાત થશે

અન્ય સમાચારો પણ છે...