તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ દુષ્કાળમાંથી બહાર:માંગરોળ તાલુકામાં 8 કલાકમાં 9 ઈંચ-માળિયાહાટીનામાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો, જિલ્લાની મોટા ભાગની નદીઓ છલકાઈ

જૂનાગઢ25 દિવસ પહેલા
માળિયાહાટીનાના લાડુડી ગામનો ચેકડેમ ઓવરફલો થયો.
  • જિલ્લાના નવેય તાલુકામાં સાર્વત્રિક 1થી 9 ઇંચ સુધી વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ
  • માળિયાહાટીનાની વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્‍યું તો પંથકની નદી-નાળાંમાં નવા નીર આવ્‍યાં

લાંબા વિરામ બાદ જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મંગળવારની રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી સાર્વત્રિક વરસાદ વરસાવી દેતાં લોકો, ખેડૂતો સહિત સૌકોઇ ખુશખુશાલ થઈ ગયા છે. તો જિલ્લાના નવેય તાલુકામાં રાત્રિ દરમિયાન 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યા બાદ આજે વહેલી સવારથી અત્‍યારે 10 વાગ્‍યા એટલે કે ચાર કલાકમાં સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડકક પ્રસરી ગઈ છે. તો ગત રાત્રિથી સતત વરસી રહેલા વરસાદને કારણે મૂરઝાતા પાકોને નવજીવન મળ્યા સમાન હોવાથી ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી ગઈ છે. ગત રાત્રિથી આજે સવારે 10 વાગ્‍યા સુધીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વઘુ માંગરોળમાં 127 મિમી (9 ઇંચ) અને માળિયાહાટીનામાં 162 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસ્‍યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.

સોમનાથ-જેતપુર નેશનલ હાઇવે પર ગડુ પાસે વરસાદી પાણી ફરી વળ્યા
માંગરોળ પંથકમાં આજે સવારથી પડી રહેલ ધોધમાર વરસાદના પગલે સોમનાથ - જેતપુર નેશનલ હાઇવે પર ગડુ ગામ પાસે વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના લીધે હાઇવે પરથી પસાર થતો ટ્રાફીક બાધિત થયો હતો. નેશનલ હાઇવે પર માંગરોળ તરફથી વહી રહેલ પાણી ફરી વળ્યા હોવાનું સ્થાનીક લોકો જણાવી રહ્યા છે. તો નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યાના પગલે બે પૈકી એક લેન ત્રણેક કલાક સુધી બંધ રહી હતી અને એક લેન પરથી બંન્ને તરફનો વાહન વ્યવહાર ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. પાણી ફરી વળેલા પરથી પસાર થઈ રહેલા વાહનો પૈકી એક બસ સહિતના અમુક વાહનો બંધ પડી ફસાઈ ગયા હતા. આમ, માંગરોળ પંથકમાં પડેલ ભારે વરસાદના પગલે સોમનાથને રાજકોટ સાથે જોડતો મુખ્ય એવો સોમનાથ જેતપુર નેશનલ હાઇવે પ્રભાવિત થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

લાડુડી ગામમાં કેળ સમા ભરાયેલા પાણી.
લાડુડી ગામમાં કેળ સમા ભરાયેલા પાણી.

જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસેલો વરસાદ

જન્‍માષ્‍ટમીમાં કૃષ્‍ણ જન્‍મ બાદ જૂનાગઢ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા હોય એમ ગઇકાલ રાત્રિથી ધીમી ધારે મેઘરાજાએ પઘરામણી કરી હતી. રાત્રિ દરમિયાન જિલ્લાના નવ તાલુકા પૈકી માંગરોળ અને માળિયાહાટીના તાલુકાને બાદ કરતાં સાતેય તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્‍યો હતો. જિલ્લાના તાલુકાઓમાં રાત્રિના 12થી સવારે 6 વાગ્‍યા સુધીમાં વરસેલા વરસાદના આંકડા જોઇએ માંગરોળમાં 127 મિમી (5 ઇંચ), માળિયાહાટીનામાં 37 મિમી (1.5 ઇંચ), કેશોદમાં 38 મિમી (1.5 ઇંચ), જૂનાગઢમાં 33 મિમી (1.5 ઇંચ), ભેંસાણમાં 13 મિમી (અડઘો ઇંચ), મેંદરડામાં 65 મિમી (2.5 ઇંચ), માણાવદરમાં 11 મિમી (અડઘો ઇંચ), વંથલીમાં 41 મિમી (1.5 ઇંચ), વિસાવદરમાં 79 મિમી (3 ઇંચ) જેટલો વરસાદ વરસ્‍યો હતો.

માંગરોળ પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફરી વળેલા વરસાદી પાણી.
માંગરોળ પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ફરી વળેલા વરસાદી પાણી.

જિલ્લામાં આજે સવારથી વરસેલો વરસાદ

જ્યારે આજે બુધવારે સવારે 6થી 10 (ચાર કલાક)માં જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા જોઇએ તો માંગરોળમાં 100 મિમી (4 ઇંચ), માળિયાહાટીનામાં 132 મિમી (5.5 ઇંચ), કેશોદમાં 57 મિમી (2 ઇંચ), જૂનાગઢમાં 7 મિમી, ભેંસાણમાં 18 મિમી (અડઘો ઇંચ), મેંદરડામાં 15 મિમી (અડઘો ઇંચ), માણાવદરમાં 34 મિમી (1.5 ઇંચ), વંથલીમાં 11 મિમી (અડધો ઇંચ), વિસાવદરમાં 18 મિમી (અડધો ઇંચ) વરસાદ વરસ્‍યો છે.

8 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્‍યો

જૂનાગઢ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએે પધરામણી કરી હતી. જિલ્લાના માંગરોળ પંથકમાં રાત્રિના 2થી સવારે 10 વાગ્‍યા (એટલે 8 કલાકમાં) 227 મિમી (9 ઇંચ) વરસાદ વરસતાં બારેમેઘ ખાંગા જેવી સ્‍થ‍િતિ સર્જાઈ છે. માંગરોળ શહેર અને પંથકના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાવા લાગ્‍યા છે. જ્યારે પંથકના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોના માર્ગો પર પાણી ભરાયાની સાથે વોકળા-નદીઓમાં નવા નીર વહેતા થયા છે. જ્યારે જિલ્લાના માળિયાહાટીના પંથકમાં પણ 8 કલાકમાં 169 મિમી (6.5 ઇંચ) વરસાદ વરસી ગયો છે. ગત રાત્રિથી માળિયાહાટીના વિસ્‍તારમાં સતત વરસી રહેલા વરસાદને પગલે પાણીની મબલક આવકને પગલે તાલુકાની વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્‍યું હતું. નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. લાંબા વિરામ બાદ બારેમેઘ ખાંગા જેટલો વરસાદ વરસી જતાં મગફળીના પાકને જીવતદાન મળ્યું હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળતી હતી.

માળિયાહાટીનાની વ્રજમી નદીમાં ઘોડાપૂર.
માળિયાહાટીનાની વ્રજમી નદીમાં ઘોડાપૂર.

માર્ગો અને શેરીમાં વરસાદી પાણી વહેતાં થયાં

જિલ્લાના નવેય તાલુકામાં સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, જ્યારે માંગરોળ અને માળિયાહાટીના તાલુકાનાં અનેક ગામોની શેરીઓ અને માર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. માળિયાહાટીના તાલુકાના લાડુડી ગામમાં પાણી ફરી વળ્યાં હતાં. ગામની શેરીઓમાં સુધી ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની સતત આવક થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.

ભારે વરસાદને પગલે લહેરાતો પાક.
ભારે વરસાદને પગલે લહેરાતો પાક.

ખેડૂતોના પાકને નવજીન સમો વરસાદ

ચાલુ વર્ષે ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે પહોંચી ગઈ હોવા છતાં સરેરાશ કરતાં અડધો પણ વરસાદ ન વરસ્યો હોવાથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં પાણીસંકટના એંધાણ વર્તાવાની સાથે હજારો હેકટર જમીનનાં ખેતરોમાં વાવણી કરાયેલાં મગફળી સહિતના પાકો વરસાદને અભાવે મૂરઝાવાની સ્‍થ‍િતિમાં આવી ગયા હોવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. દરમિયાન મંગળવારની રાત્રિથી જિલ્લાના નવેય તાલુકામાં શરૂ થયેલી મેઘસવારીએ ખેડૂતોના મગફળી સહિતના પાકોને નવજીવન આપવા સમાન વરસાદ વરસાવી રહ્યો હોવાથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો હતો.

ગ્રામ્‍ય વિસ્‍તારોના માર્ગો પર ફરી વળેલા પાણી.
ગ્રામ્‍ય વિસ્‍તારોના માર્ગો પર ફરી વળેલા પાણી.
અન્ય સમાચારો પણ છે...