જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં ક્લબ ફૂટ(વાંકા પગ)ની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકોમાં જન્મજાત જે ખોડખાપણ હોય તે જીંદગીભર રહી ન જાય તે માટે ડોકટરો દ્વારા આ ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છેે.
આ અંગે સિવીલના ઓર્થોપેડીક સર્જન ડો.પ્રવિણ ટાંકે જણાવ્યું હતું કે, જૂનાગઢ સિવીલમાં વર્ષ 2016થી ક્લબ ફૂટની સારવાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 555 બાળકો સારવાર માટે દાખલ થયા હતા જેમાંથી 450 બાળકો ચાલતા અને દોડતા થઇ ગયા છે. પરિણામે તેમના મા-બાપ,પરિવારજનોને માથેથી મોટો બોજ દૂર થઇ ગયો છે. જ્યારે 100 બાળકો હજુ સારવાર હેઠળ છે જેની સઘન સારવાર ચાલી રહી છે.
આ 7 વર્ષની સારવાર દરમિયાન 5 બાળકોના મોત થયા છેે. ક્લબ ફૂટની સારવાર સિવીલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારના માર્ગદર્શનમાં જૂનાગઢ ક્લબ ફૂટ ક્લીનીક કાઉન્સેલર શોભનાબેન દેસાઇ, ઓર્થોપેડીક સર્જન ડોકટર પ્રતિક ટાંક, સીડીએમઓ ડો.પાલા લાખોત્રાણા, ઓર્થોપેડીક ડિપાર્ટમેન્ટના એચઓડી ડો. હિમાંશુ લાડાણી દ્વારા કરવામાં આવી રહી છે.
સારવાર ક્યાં ઉપલબ્ધ છે?
ક્લબ ફૂટની સારવાર દરેક સિવીલ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. જ્યારે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં દર ગુરૂવારે સવારે 11થી 1:30 સુધી ફ્રિમાં સારવાર મળે છે. આ ઉપરાંત આ માટેના બુટ કે જે બજારમાં 3,000થી વધુની કિંમતના હોય છે તે ફ્રિમાં અપાય છે.
6ના બદલે 3 સીટીંગમાં સારૂ થયું
હોસ્પિટલના ડો. શોભનાબેન દેસાઇ અને ડો. પ્રતિક ટાંકે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ક્લબ ફૂટ(વાંકા પગ)ની સારવાર માટે 6 જેટલા સીટીંગ કરવા પડતા હોય છે. પરંતુ સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના ડાયાભાઇ ચુડાસમાના પુુત્રની જૂનાગઢ સિવીલમાં સારવાર કરવામાં આવી હતી જેમાં 3 સીટીંગમાં જ સારૂ થઇ જતા બાળક ચાલવા લાગ્યું હતું. આવા તો અનેક બાળકો છે જેને આ બિમારીથી મુક્તિ અપાવી છે.
ક્લબ ફૂટની બિમારી શું છે?
નવજાત બાળકના પગ વાંકા હોય તેને ક્લબ ફૂટની બિમારી કહેવાય છે. 50 ટકા કિસ્સામાં બન્ને પગમાં તો 50 ટકા કિસ્સામાં એક પગમાં ખામી જોવા મળે છે. ક્લબ ફૂટની જાણ થયા બાદ શરૂઆતના તબક્કામાં જ પૂર્ણ ઇલાજ શક્ય છે. જો યોગ્ય સમયે ઉપચાર ન મળે તો ક્લબ ફૂટના કારણે બાળકોમાં આજીવન ખોડખાપણ રહી જાય છે.
બિમારી થવાના કારણો ?
આ જન્મજાત વારસાઇ બિમારી ગણી શકાય છે. જે કુટુંબમાં ઘરના કોઇ વ્યક્તિને ક્લબ ફૂટ(વાંકા પગ) હોય તો વારસાગત બિમારી આવી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભની આજુબાજુ એમ્નીઓટીક પ્રવાહીની ઉણપ હોય તો પણ બાળકને ક્લબ ફૂટની બિમારી થઇ શકે છે.
આ બિમારીના લક્ષણો?
બાળકના પગની એડી નીચેની તરફ રહે અને પંજાનો ભાગ અંદરની તરફ વળેલો હોય, અસર વાળા પગના સ્નાયુઓ સામાન્ય પગના સ્નાયુઓ કરતા પાતળા હોય, જે પગ પર અસર થઇ હોય તે પગ સામન્ય પગ કરતા ટૂંકો હોય તેમજ સ્નાયુ કડક હોય છે.
આ બિમારીની સારવાર?
1 વર્ષ સુધીના બાળકો માટે પોનસેટી મેથડ(ઓપરેશન વગર) 6 થી 8 સપ્તાહ માટે પ્લાસ્ટર રખાય છે. દર અઠવાડિયે પગ પર નવું પ્લાસ્ટર લગાવવામાં આવે છે. વળી, જૂના અને નવા પ્લાસ્ટર વચ્ચે 1 કલાકથી વધુ સમય લાગવો ન જોઇએ. છેલ્લું પ્લાસ્ટર લગાવતા પહેલા એડી પાસે નાનો ચીરો લગાવવામાં આવે છે. ત્યાર બાદ બાળકોને ખાસ પ્રકારનું બુટ પહેરાવવામાં આવે છે. ક્લબ ફૂટની સારવાર યોગ્ય સમયે કરવામાં આવે તો ઓપરેશન વગર બિમારી દુર થઇ શકે છે. નિયમીત પ્લાસ્ટ અને યોગ્ય કાળજી રાખવાની રહે છે. પગને ફરી વાંકા થતા રોકવા માટે 4 વર્ષ સુધી બુટ સતત પહેરાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.