તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોહ ભંગ:21 દિવસમાં 1063 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવર્તન : ડોકટર તેમજ મદદનીશ ખેતી નિયામક સહિતના વાલીઓ હવે ખાનગી સ્કૂલો છોડી સરકારી સ્કૂલો તરફ વળ્યા, તોતીંગ ફિ વસુલતા ખાનગી શાળા સંચાલકોને પડ્યો ફટકો
  • હજુ 31 જુલાઇ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવાની હોઇ આ સંખ્યા 2,000ને ટપી જશે

કોરોનાના કારણે વધતી જતી આર્થિક ભીંસ અને ખાનગી શાળા સંચાલકોની ફિ માટેની મનમાનીથી અનેક વાલીઓ ત્રાસી ગયા છે. પરિણામે અનેક વાલીઓ હવે પોતાના બાળકોને ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ધોરણ 1 થી 8માં 1,063 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આમાં સામાન્ય પરિવારોથી લઇને ડોકટર તેમજ મદદનીશ ખેતી નિયામક સહિતના અનેક વાલીઓનો સમાવેશ થયો છે.

દરમિયાન હજુ પણ 31 જૂલાઇ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવાની હોય આ સંખ્યા વધીને 2,000 ઉપર થવાનો ડીઇઓ આર. એસ. ઉપાધ્યાયે આશાવાદ વ્યકત કર્યો છે. દરમિયાન ખાનગી શાળા છોડી સરકારી શાળામાં બાળકોના પ્રવેશની સંખ્યામાં થઇ રહેલા વધારાથી તોતીંગ ફિ વસુલતા ખાનગી શાળા સંચાલકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. દરમિયાન આમાં ખાનગી શાળા સંચાલકોનું વર્તન પણ મહદઅંશે જવાબદાર છે. કોરોનાના કપરા કાળમાં પણ ફિ વસુલી માટે કરાતી મનમાનીથી ત્રાસીને પણ અનેક વાલીઓ હવે પોતાના બાળકોને સરકારી શાળાના ભણાવવા તત્પર બની રહ્યા છે.

4 વર્ષમાં ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ
વર્ષ 2018 માં 2,370, 2018માં 1,907, 2020માં કોવિડના કારણે એડમિશન ન થયું જ્યારે 2021માં 1,063 છાત્રોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવી લીધો છે. આ આંકડા પણ 23 જૂન સુધીના જ છે. હજુ 31 જૂલાઇ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે જેથી સંખ્યામાં ચોક્કસ વધારો થશે.

ચિરોડામાં આચાર્ય, સરપંચના પુત્ર પણ સરકારી શાળામાં
મેંદરડા તાલુકાના ચિરોડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં 36 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. ખાસ કરીને શાળાના આચાર્યના પુત્ર અને પુત્રી, શાળાના શિક્ષીકાનો પુત્ર, ગામના સરપંચ તેમજ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોના બાળકો પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે.

1063નું આ સ્કૂલોમાં એડમિશન થયું
ભેંસાણમાં 66, જૂનાગઢ રૂરલ 127, જૂનાગઢ અર્બન 281, કેશોદ 147, માણાવદર 51, માલીયા હાટીના 118, માંગરોળ 72, મેંદરડા 48, વિસાવદર 50 અને વંથલીમાં 103. આમ, જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં ખાનગી શાળામાંથી નિકળી સરકારી શાળામાં ધોરણ 1થી 8માં 1063 બાળકોએ પ્રવેશ લીધો છે.

ક્વોલીફાઇડ સ્ટાફ, શ્રેષ્ઠ શિક્ષણ
મારો પુત્ર પ્રહલાદ ખાનગી શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. હવે ધોરણ 4 થી સરકારી કન્યા શાળા નંબર 4માં ધોરણ 4માં દાખલ કર્યો છે. અહિં ક્વોલીફાઇડ સ્ટાફ, શ્રેષ્ઠ શિક્ષણ, સરકારના પ્રજ્ઞા પ્રોજેક્ટ, નવી શિક્ષણ નિતી મુજબ અભ્યાસ કરાવાય છે.

-નિશાંતભાઇ બી. ચૌહાણ, મદદનીશ ખેતી નિયામક.
શિક્ષકોનો એક્સપીરીયન્સ, સુવિધા સારી છે | મારી પત્નિ નાયબ મામલતદાર છે, હું ખડીયામાં ડોકટર છું. મારો પુત્ર દ્વિજ ધોરણ 4માં ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. દરમિયાન સરકારી કન્યા શાળા નંબર 4ની અનેરી સિદ્ધિઓ વિશે સાંભળવા મળ્યું. બાદમાં રૂબરૂ ગયો. શાળાના પ્રિન્સીપાલ તરૂણભાઇ કાટબામણા અને સ્ટાફનો સારો સ્વભાવ, રિસ્પોન્સ, શાળાના શિક્ષકોનો વર્ષોનો અનુભવ, અભ્યાસ કરાવવાની પદ્ધતિ, શાળાની અધર એક્ટિવીટી જોઇ દંગ રહી ગયો. ખાનગી સ્કૂલોમાં મસમોટી ફિ ભરવા છત્તાં આવું કાંઇ જોવા ન મળ્યું. પરિણામે મારા પુત્ર દ્વિજને ધોરણ 5માં સરકારી કન્યા શાળા નંબર 4માં પ્રવેશ અપાવ્યો છે. - ડો.કેયુરભાઇ કોટડીયા.

અન્ય સમાચારો પણ છે...