રસીકરણ:2 જિલ્લાના 15 તાલુકામાં ટાર્ગેટથી 29,359 ઓછા લોકોએ રસી લીધી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં સૌથી વધુ રસીકરણ જૂનાગઢ શહેરમાં 114.6 ટકા

દેશભરમાં મહા વેક્સિનેશન અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ અને ગીર સોમનાથ એમ 2 જિલ્લાના 15 તાલુકામાં સાંજે 5 વાગ્યા સુધીનું સરેરાશ વેક્સિનેશન 71.42 ટકા રહ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાનું 82.53 ટકા અને ગીર સોમનાથ જિલ્લાનું 60.31 ટકા હતું. બંને જિલ્લામાં જેટલા ડોઝ મોકલાયા હતા એના કરતાં 29,359 ઓછા લોકોએ વેક્સિન લીધી હતી.

જૂનાગઢ જિલ્લામાં 56,750 ના ટાર્ગેટ સામે 46,838 લોકોએ કોરોનાની રસી લીધી હતી. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 49,000 લોકોના ટાર્ગેટ સામે 29,553 લોકોએ રસી લીધી હતી. જ્યારે રાજ્યમાં સૌથી વધુ રસીકરણ જૂનાગઢ શહેરમાં ટાર્ગેટથી વધુ એટલેકે 114.6 ટકા થયું હતું.

સોરઠના 2 જિલ્લામાં વધુ રસીકરણ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં 97.47 ટકા થયું હતું. અહીં 10,730 લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે 10,458 લોકોને રસી અપાઇ હતી. જ્યારે સૌથી ઓછું રસીકરણ કોડીનાર તાલુકામાં 44.02 ટકા થયું હતું. અહીં 10,000 લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે 4402 લોકોને રસી અપાઇ હતી.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ, આજે કોવિડ મહારસીકરણ ઝૂંબેશ માટે જિલ્લાના તમામ 9 તાલુકામાં કુલ 422 સ્થળ નક્કી કરાયા હતા. જેમાં સીએચસી, પીએચસી, સબ સેન્ટર, આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ, આશા વર્કરોથી માંડી તમામને સામેલ કરાયા હતા. અને રાત્રિ સેશન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં આશા વર્કરોએ ગામડાઓ તેમજ છેક સીમ વિસ્તાર સુધી જઇને લોકોને રસી આપી હતી.

જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 200 થી વધુ સેશન, 50 થી વધુ મોબાઇલ સેશન અને 75 થી વધુ રાત્રી સેશનનું આયોજન કરાયું હતું. એક જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું. વેક્સિનેશન સ્ટાફે એસટી બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, સહિતના સ્થળોએ પણ લોકોને કોરોનાની રસી આપી હતી. તો દિવ્યાંગ, વૃદ્ધ જેવા લોકોને ઘેર જઇને વેક્સિન અપાઇ હતી.

કોડીનારનાં ડોળાસામાં 250 લોકોએ રસી લીધી
કોડીનાર તાલુકાનાના ડોળાસા ગામે પીએચસી વિઠ્ઠલપુર તાબા હેઠળના ડોળાસામાં ડો. હરકિશન બારડના માર્ગદર્શન હેઠળ તમામ આશા બહેનો દ્વારા ઘેર ઘેર જઈ સાંજ સુધીમાં 250 લોકોને વેક્સિન આપી હતી.

​​​​​​​ઊના-ગીરગઢડા તાલુકામાં 13,114 લોકોએ રસી લીધી
​​​​​​​ઊના-ગીરગઢડા તાલુકામાં આજે રસીકરણમાં ઊના તાલુકામાં 7,143 અને ગીરગઢડા તાલુકામાં 5,967 મળી કુલ 13,114 લોકોને સાંજે 7 સુધીમાં કોરોનાની રસી અપાઇ હતી. ઊનાના નવા બંદરમાં પણ મોટી સંખ્યામાં લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી.

​​​​​​​ભંડુરીમાં રસીકરણ સ્ટાફે ખેતરો ખૂંદ્યા
​​​​​​​માળિયા હાટીના તાલુકાના ભંડૂરી પીએચસીની ટીમે સવારે 7 વાગ્યાથી ગામમાં અને દરેક ખેતરે જઈ કોરોનાની રસી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...