ચૂંટણીને લઈ મહત્વની બેઠક:ગીર સોમનાથ જિલ્લાના ભાજપ સમર્થિત આહીર સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી, ટીકીટ માટેની પ્રબળ માંગ ઉઠી

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ ભાજપ મંત્રી અને જિલ્લા પ્રભારીની આગેવાનીમાં પ્રદેશ પ્રમુખ સહિત મોવડી મંડળ સમક્ષ આહીર સમાજ કરશે રજૂઆત
  • ગત વિધાનસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની 8 બેઠકમાંથી સાતમાં ભાજપની હાર થઈ હતી

રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવની છે. જેને લઈ ગીર સોમનાથ જિલ્લાના ભાજપ સમર્થિત આહીર સમાજના આગેવાનોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં સોમનાથ અથવા તાલાલા વિધાનસભા બેઠક પર આહીર સમાજને ટીકીટ આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી હતી. બેઠકમાં ભાજપ સાથે સંકળાયેલા સંગઠનના અને ચૂંટાયેલા પદાધિકારીઓ અને જવાબદાર આગેવાનોની સૂચક ઉપસ્થિતિ રહી હતી.

ગત વિધાનસભાની ચૂંટણીના સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંકને ક્યાંક આહીર સમાજની અવગણના થઈ હતી. જેના ગંભીર પરિણામ સ્વરૂપ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાંથી સાત વિધાનસભા પર ભાજપનો કારમો પરાજય થયો હતો. આ વાત ભારતીય જનતા પાર્ટીના મનોમંથનમાં પણ સામે આવી હતી. આટલું જ નહીં જૂનાગઢ લોકસભા ના વર્તમાન અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સદસ્ય સાંસદ રાજેશ ચુડાસમાએ અગાઉ ભાલકા તીર્થ ખાતેના વિશાળ સમારોહમાં જાહેર મંચ પરથી આહીર સમાજની અવગણના ભાજપને ભારે પડી હોવાનો ખુલ્લો સ્વીકાર પણ કર્યો હતો.

હાલ આગામી વિધાનસભાની ચુંટણી પૂર્વે જ આહીર સમાજ મેદાને આવી ગયો છે. આ મુદ્દે ભાજપ સાથે સંકળાયેલા ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાના આહીર સમાજની એક અગત્યની બેઠક સાસણ ગીરના કંજ ફાર્મ હાઉસ ખાતે 15 એપ્રિલના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાભરમાંથી 80થી વધુ આહીર સમાજના મુખ્ય આગેવાનોની સૂચક ઉપસ્થિતીમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલાલા અથવા સોમનાથ બેઠક પર આહીર સમાજને ટીકીટ ફાળવવામાં આવે તેવો પ્રબળ સુર ઉઠ્યો હતો. આ માટે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી રઘુ હૂંબલનો સંપર્ક કરી તેમની આગેવાનીમાં આગામી સમયમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી સહિતના ભાજપના મોવડી મંડળ સમક્ષ આહીર સમાજની લાગણી અને માંગણી રજૂ કરવામાં આવશે.

આ બેઠકમાં ભાજપ સાથે સંકળાયેલા સંગઠનના અને ચૂંટાયેલા પદાધિકારીઓ અને જવાબદાર આગેવાનોમાં સોમનાથ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, ભાજપ બક્ષીપંચ મોરચાના જિલ્લા અધ્યક્ષ પ્રો. જીવા વાળા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પીઠીયા, જિલ્લા પંચાયત સદસ્ય ડાયા જાલોન્ધ્રા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમ પટાટ, વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ હરદાસ સોલંકી, વેરાવળ નગરપાલિકાના ચેરમેન બાદલ હૂંબલ, જિલ્લા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ ભરત વાળા, વેરાવળ તાલુકા પંચાયત સદસ્ય ભરત બાકૂ, તાલાલા તાલુકા પંચાયત સદસ્ય દેવસી ચાંદેરા, જશુભાઈ બારડ, સહિત ભાજપ સંગઠનના હોદેદારો ઉપરાંત તમામ તાલુકાના સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...