તંત્ર મૂક પ્રેક્ષક:ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો, પોતાના હક્ક માટે ધરણાં, રેલી, ઉપવાસ કરનારની ધરપકડ કરાતી હોય

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ હોય ભારતના બંધારણની જોગવાઇ અનુસાર વૈધાનિક તંત્ર કામ કરતું નથી. ત્યારે ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરાઇ છે. આ અંગે શહેરના એડવોકેટ પ્રવિણભાઇ ચુડાસમાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સંબોધીને પત્ર પાઠવ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, ભારતના બંધારણમાં આર્ટિકલ 14માં કાયદાની સમક્ષ સમાનતા આર્ટિકલ 15 મુજબ ધર્મ,જાતિ,જ્ઞાતિ, લીંગ, જન્મ સ્થળના ભેદભાવ વગર કાયદા સમક્ષ સમાનતા તેમજ આર્ટિકલ 19માં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્રય, શાંતિપૂર્વક હથિયારો વગર એકઠા થવું, મંડળ, સંઘો, સહકારી મંડળી રચવી, રાજ્યક્ષેત્રમાં મુક્તપણે ફરવાનો, ધંધો વેપાર કરવાનો અને સ્થાયી થવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે.

જોકે, ગુજરાતમાં ભારતિય બંધારણમાં આપવામાં આવેલ નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. કોઇ નાગરિક પોતાના હક્ક માટે ધરણાં, રેલી, ઉપવાસ કે કોઇપણ જાતની રજૂઆત કરેતો તેની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવે છે. જ્યારે સત્તાધારી પક્ષના નેતા જાહેરનામાનો ભંગ કરે,મંજુરી વિના મિટીંગ કરે, એકઠા થાય, ગરબા કરે તેમ છત્તાં કાયદાનો ભંગ ગણાતો નથી!!

આવા બનાવોમાં પોલીસ પણ મૂકપ્રેક્ષક બની તમાશો જોયા કરે છે!!ખાસ કરીને કોવિડ દરમિયાન સામાન્ય લોકો પાસેથી માસ્કનો દંડ વસુલાતો હતો જ્યારે ભાજપના નેતાની મિટીંગો કરતા, માસ્ક ન પહેરતા, સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા છત્તાં તેની સામે કોઇજ કાર્યવાહી નહી? ત્યારે શું કાયદાનો અમલ માત્ર સામાન્ય નાગરિક માટે જ છે? ત્યારે આવી સ્થિતીના કારણે રાજ્યમાં આર્ટિકલ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન લગાવાની માંગ વકિલ પ્રવિણભાઇ ચુડાસમાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...