સાસણ ગીરમાં સિંહ દર્શન માટે વર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સાસણ ઉપરાંત દેવળીયા, આંબરડી અને ગીરનાર નેચરની પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કેટલીક વેબસાઈટ દ્વારા સિંહ દર્શનના નામે બુકિંગ કરાતું હોવાનું અને કેટલાક પ્રવાસીઓ ફ્રોડ વેબસાઈટનો ભોગ બન્યાનું સામે આવતા વનવિભાગે પ્રવાસીઓને એલર્ટ કર્યા છે. વનવિભાગે ઓફિશિયલ વેબસાઈટ પરથી જ સિંહ દર્શનનું ઓનલાઈન બુકિંગ કરાવવા અપીલ કરી છે.
શું કહી રહ્યા છે વનવિભાગના અધિકારી?
જૂનાગઢ વનવિભાગના મુખ્ય વનસંરક્ષક આરાધના સાહુએ કહ્યું હતું કે, ગીર જંગલ સફારી, દેવળીયા જીપ્સી સફારી, દેવળીયા બસ સફારી, આંબરડી અને ગીરનાર નેચરના બુકિંગ માટે HTTPS://girlion.gujarat.gov.in એક જ ઓફિશિયલ વેબસાઈટ છે. આ સિવાય કોઈ વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ થતું નથી. અન્ય વેબસાઈટ ફ્રોડ પણ હોઈ શકે છે જેથી પ્રવાસીઓએ બુકિંગ કરાવતા પહેલા ખરાઈ કરવી જરુરી છે.
અમને આ વર્ષમાં બે-ત્રણ ફરિયાદો મળી હતી
મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ કહ્યું હતું કે, સાસણની ઓફિશિયલ વેબસાઈટ જેવી જ ભળથી વેબસાઈટ પર બુકિંગ કરાવી કેટલાક પ્રવાસીઓ સિંહ દર્શન માટે પહોંચી ગયા હતા. જો કે, જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તેઓને ખબર પડી હતી કે તેઓનું બુકિંગ થયું જ નથી. જેથી વનવિભાગ દ્વારા જે તે પ્રવાસીઓને સાયબર ક્રાઈમનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
શું તંત્ર પ્રવાસીઓના ભોગ બનવાની રાહ જોઈ રહ્યું છે?
સિંહ દર્શનની ઓનલાઈન પરમીટ માટે વનવિભાગની એક જ ઓફિશિયલ વેબસાઈટ છે. તો પછી જે ખોટી રીતે પરમીટ બુકિંગ કરે છે તેવી વેબસાઈટને ખુલ્લી પાડવા માટે વનવિભાગ જ શા માટે આગળ આવતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.