‘તું સરપંચ છો તો હું તારો પતિ છું, ગ્રામ પંચાયતનો વહીવટ મારે કરવાનો છે' તેમ જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામના મહિલા સરપંચને તેના પતિએ કહી ઢીકાપાટુનો મારમાર્યા બાદ હાથમાં છરી લઈને મારવા પાછળ દોડી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના બની હતી. આ અંગે સરપંચ પત્નીએ પતિ સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ચકચારી ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામમાં રહેતા કૈલાશબા સુરેશભાઈ ભાટી ગામના સરપંચ છે અને તેના દિયર ધરમભાઈ ઉપસરપંચ છે. સરપંચ તરીકેનો વહીવટ કૈલાશબા કરે છે. દરમ્યાન ગઈકાલે કૈલાશબા ઘરે હતા ત્યારે તેના પતિ સુરેશ ભાટીએ કોઈ વાતને લઈ કૈલાશબા સાથે ઝઘડો કરવા લાગેલ અને કહેલ કે ‘તું સરપંચ છો તો હું તારો પતિ છું, ગ્રામ હું પંચાયતના સરપંચ તરીકે વહીવટ મારે કરવાનો છે, તેમ કહી સરપંચ કૈલાશબાને ઢીકા પાટુનો માર માર્યો હતો બાદમાં હાથમાં છરી લઈ મારવા પણ દોડ્યો હતો.
જેથી બચીને કૈલાશબા તેના સંતાનોને લઈને દિયરના ઘરે જતા રહ્યા હતા. સુરેશ ભાટીએ ત્યાં જઈ ધરમભાઈને ગાળો આપી હતી અને સરપંચ કૈલાશબાને ધમકી આપતા કહેલ કે ‘આજે તો તું બચી ગઈ પણ હવે ઘરે આવીશ તો મારી નાખીશ’. આ ઘટના બાદ ડેરવાણના સરપંચ કૈલાશબાએ તાલુકા પોલીસમાં પતિ સુરેશ લખમણ ભાટી સામે ઉપરોક્ત વિગત સાથે ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323, 294(બી), 506(2) અને જીપી એકટ 135 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ ગામમાં ચકચાર પ્રસરી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.