વિધાનસભા સંગ્રામ 2022:જ્ઞાતિની સંખ્યા, સક્રિયતા, બીજા સમાજ પર પ્રભુત્વ હોય તો મળે ટિકીટ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક રાજકીય પક્ષો પાસે હોય છે વિસ્તાર પ્રમાણે જીતનાં જુદા જુદા સમીકરણ
  • શાસક પક્ષ સરકારી એજન્સી પાસે પણ ઉમેદવારી પહેલાં અને પછી પણ સર્વે કરાવે
  • ખાનગી સર્વે એજન્સીઓ પણ વિવિધ લોકોને મળી અભિપ્રાય મેળવી તારણ કાઢી આપે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ત્યારે આ પસંદગી માટે ક્યા પરિબળો ધ્યાને લેવાય છે. દરેક દાવેદારો પોતાને ટીકીટ મળે એ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પણ ટીકીટ કોને મળશે એ માટે રાજકીય પક્ષ કઇ બાબતોને ધ્યાને લે છે એ જાણવું પણ રસપ્રદ છે.

1) પ્રથમ તબક્કો | ચૂંટણી આવવાની હોય એ પહેલાંજ દરેક રાજકીય પક્ષો સર્વે કરતા હોય છે. શાસક પક્ષ હોય તો સર્વે એજન્સી ઉપરાંત જુદા જુદા સરકારી વિભાગો મારફત પણ સર્વે કરાવે છે. જેમાં જેતે વિસ્તારમાં કઇ કઇ જ્ઞાતિનું પ્રભુત્વ છે. કદાચ જ્ઞાતિ ભલે નાની હોય અથવા તેની સંખ્યા ઓછી હોય પણ તેનું અન્ય સમાજ પરનું પ્રભુત્વ, સમાજ જીવનમાં એ જ્ઞાતિની સક્રિયતાને ધ્યાને લેવાય છે.

એ જ્ઞાતિમાં પાછી કઇ વ્યક્તિ લોકો વચ્ચે એક્ટિવ છે એ ધ્યાને લેવાય છે. તો લોકો કઇ વ્યક્તિને ઇચ્છે છે એનો સર્વે પણ થાય છે. આ માટે સર્વે એજન્સીઓ ઓવરઓલ બિનરાજકીય હોય એવી વ્યક્તિને જઇને મળે, તેમની પાસેથી લોકો શું ઇચ્છે છે એ સાંભળે, એમાંથી 5-10 નામો અલગ તારવે અને એ નામો પર સામાજીક લોકોને પૂછે છે. ક્યારેક સાર્વત્રિક રીતે અને ક્યારેય વ્યક્તિગત રીતે પણ અભિપ્રાય લેવાય છે.

2) બીજો તબક્કો | પ્રથમ સર્વેમાં જે નામો અલગ તારવવામાં આવ્યા હોય એ પૈકીના લોકોના પ્લસ અને માઇનસ પોઇન્ટ પર વિચાર થાય છે. તેના પોઝિટીવ પોઇન્ટમાં એ વ્યક્તિની પોતાના સમાજ, બીજા સમાજ અને આખા વિસ્તાર પર શું અસર છે જોવાય. તો નેગેટીવ પોઇન્ટમાં એને ટીકીટ અપાય તો તેની અસરોનું પણ વિશ્લેષણ કરવામાં આવે. આ ઉપરાંત એ વ્યક્તિ કોઇ સંસ્થા સાથે જોડાયેલી હોય, તેની રાજકીય સિવાયની અન્ય કોઇ પ્રવૃત્તી હોય તો તેને પણ ધ્યાનમાં લેવાય છે.

3) ત્રીજું પરિબળ, જ્ઞાતિ સમીકરણ| ઉમેદવાર નક્કી કરતી વખતે જેતે વિસ્તારમાં જ્ઞાતિ સમીકરણો ખુબજ અગત્યના રહે છે. જો એક જ્ઞાતિને બીજે ટીકીટ આપી હોય તો પછી એ વિસ્તારમાં બીજા નંબરે આવતી વ્યક્તિને પણ ચાન્સ અપાય ખરો. જો એમાં પાર્ટીના કોઇ કમીટમેન્ટ હોય તો એને પણ નજરમાં રાખવામાં આવે છે.

4) પાર્ટીની વિચારધારા | આખા જિલ્લામાં વિવિધ જ્ઞાતિઓની સંખ્યાને ધ્યાનમાં લેવા સાથે શહેરી વિસ્તારમાં કદાચ કોઇ જ્ઞાતિની સંખ્યા ભલે નાની હોય પણ જો વિચારધારા પક્ષ સાથે મેળ ખાતી હોય આખો સમાજ પાર્ટી સાથે જોડાયેલો હોય અને બીજા દરેક સમાજ પર પ્રભાવી હોય તો તેની પસંદગી પણ થાય. શહેરી વિસ્તારમાં સામાન્ય રીતે ઉજળિયાતને ટીકીટ આપવાનું વલણ તમામ રાજકીય પક્ષોનું રહે છે.

5) જીતો અંદાજ આ રીતે બંધાય | રાજકીય પક્ષે ઉમેદવાર નક્કી કર્યા પછી પ્રચાર વખતે તે જીતે છે કે, હારે છે એનો અંદાજ પણ પાર્ટી બાંધતી હોય છે. ઉમેદવાર નક્કી કર્યા પછી એક સર્વે થાય છે કે તેની ઉમેદવારીની અસર શું છે. આ કામ ખાનગી એજન્સી અને શાસક પક્ષ હોય તો સાથે સરકારી વિભાગો પાસેથી પણ વીગતો મેળવે. ક્યારેક ઉચ્ચ અધિકારીઓનો અભિપ્રાય પણ લેવામાં આવે છે. કોઇ વ્યક્તિની નેગેટિવીટી હાવી થતી હોય તો તેને પોઝિટીવીટીમાં કેવી રીતે ફેરવવી તેના પર કામ થાય છે. કોઇ વ્યક્તિની ટીકીટ કપાઇ હોય અને નિષ્ક્રિય બન્યો હોય તો તેને સક્રિય કેવી રીતે કરવો એ માટે પાર્ટીના પ્રદેશ અથવા ક્યારેક રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો તેને સમજાવે છે.

6) શાસક પક્ષનો સર્વે આ રીતે પણ થાય | શાસક પક્ષ ખાસ કરીને આઇબી પાસે પણ સર્વે કરાવે. જે પાનની દુકાને, ચાની કીટલી, રીક્ષાવાળા, જેવા સ્થળોએથી અવનવી વાતચીત કરીને ફીડબેક મેળવે. આમ છત્તાં ક્યારેક લોકોને ન ગમતો ઉમેદવાર હોય તો પણ માત્રને માત્ર પાર્ટીની વિચારધારાને લીધે જીતતો હોય છે. ટૂંકમાં એવું નથી કે, જેને ટીકીટ મળી એ ઉમેદવાર સર્વથા યોગ્ય જ છે. તે અયોગ્ય પણ હોઇ શકે. અને જેમને ટીકીટ નથી મળી એ અયોગ્ય છે એવું તારણ પણ ન કાઢી શકાય કારણકે, જેતે સમયે સમીકરણમાં ફીટ ન બેસે તો ટીકીટ ન પણ મળે.

સામાજિક કે ધાર્મિક સંસ્થાનો અભિપ્રાય
સંસ્થાઓ પાસેથી પણ નામ મંગાય: સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કોઇ સામાજીક કે ધાર્મિક સંસ્થા જો અસરકારક હોય તો તેની પાસેથી પણ નામો માંગવામાં આવે. અને જેતે રાજકીય પક્ષનાં સમીકરણ સાથે બંધ બેસતું હોય તો એ પન્થ કે સમુદાયની વ્યક્તિને પણ ટીકીટ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...