સ્થાનિકોમાં રોષે:શાંતેશ્વર -ઓઘડનગર મેઇન રોડ ન બને તો રસ્તા રોકો આંદોલન

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના વોર્ડ નંબર 6માં લાંબા સમયથી રસ્તાના બાકી કામને લઇને સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા છે. જો 8 દિવસમાં રોડનું કામ શરૂ કરવામાં નહિ આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ વાઘેલાએ મનપાના કમિશ્નરને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 6માં આવેલ શાંતેશ્વર, ઓઘડનગર મેઇન રોડથી ગેસના પંપ સુધી જતા રસ્તામાં ભૂગર્ભ ગટરના કામ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. હવે કામ પૂર્ણ થયું છે છત્તાં રોડમાં પેચવર્ક કરવામાં આવ્યું નથી. આ રસ્તા પરથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોની તેમજ વાહનોની અવર જવર રહે છે.

બિસ્માર રસ્તાના કારણે અનેક વખત નાના મોટા અકસ્માતો પણ થયા છે. આ અંગે મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઇ છે છત્તાં બધુ બહેરા કાને અને બંધ આંખે અથડાઇ છે. લોકો રજૂઆતો કરી કરીને થાક્યા છે. ત્યારે ચમત્કાર નેજ નમસ્કારમાં માનતા મનપા તંત્ર સામે લડત કરવાનો સમય પાકી ગયો હોય હવે તંત્રને 8 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે. જો દિવસ 8માં રસ્તાનું કામ શરૂ કરવામાં નહિ આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવાની પ્રવિણભાઇ વાઘેલાએ ચિમકી ઉચ્ચારી છે.

ભાજપનું શાસન, ભાજપના કોર્પોરેટર છત્તાં કામ થતું નથી!
હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. વોર્ડ નંબર 6માં 4માંથી 3 કોર્પોરેટર ભાજપના જ છે. છત્તાં રોડના કામ થતા ન હોય ભાજપમાં જ ગૃપીઝમ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. લાગવગીયા અને તાકતવર કે એક ગૃપના કોર્પોરેટરના કામો થઇ જાય છે જ્યારે બીજા ગૃપના કોર્પોરેટરોને કોણીએ ગોળ ચોટાડી દેવાતો હોવાની પણ લોકોમાં ચર્ચા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...