જો ફરસાણ બનાવવામાં એકનું એક તેલ 4 વખતથી વધુ વખત વપરાય તો ગંભીર બિમારી થવાની ભિતી વ્યકત થઇ રહી છે. આ અંગે એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભજીયા, ગાંઠીયા વગેરે બનાવવા માટે એમએસ (સ્ટેઇનલેસ સ્ટિલ)ના વાસણો હોવા જોઇએ. જો લોખંડ કે એલ્યુમિનીયમની કડાઇ વપરાય તો તેમાં કાર્બન વધુ થાય જેથી તેલ જાડું થતું જાય.આવાતેલમાં બનેલ ફરસાણ આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. વળી, ભજીયા, ગાંઠીયા બનાવવા માટે મોટાભાગે પામતેલનો ઉપયોગ જ થાય છે. પામતેલ આમપણ ઘાટું આવે છે.
આ તેલનો વધુમાં વધુ 4 વખત જ ઉપયોગ થવો જોઇએ. ત્યાર બાદ આ તેલનો ઉપયોગ આરોગ્ય માટે ગંભીર ખતરાની નિશાની છે. એકના એક તેલનો અનેક વખત ઉપયોગથી તેલ ઘાટું થતું જાય. પરિણામે ટેમ્પ્રેચર મેઇન્ટેનન્સ થતું નથી.જેના કારણે ફરસાણની ક્વોલીટી મેઇન્ટેઇન ન થાય. સરવાળે કાં ફરસાણ કાચું રહે અથવા વધુ તેલ પી જાય. આવું ફરસાણ ખાવું આરોગ્યને હાનિકારક સાબિત થાય છે. 4 વખત ફરસાણ તળ્યા બાદ તેલને બદલી નાંખવું જોઇએ તેને બદલે વેપારીઓ જેમ તેલ બળતું જાય તેમ તેમાં નવું તેલ ઉમેરતા જાય છે.
પરિણામે આવા તેલમાં બનેલું ફરસાણ અનેક રોગને આમંત્રણ આપે છે. જેમ તેલ વધુ કાળુ હોય તેમ ઘાટું થાય છે, તેલ ઉડે ઓછું એટલે કે ઓછા તેલમાં વધારે ફરસાણ તળી શકે છે અને વજન પણ વધે છે. પરિણામે કેટલાક વેપારીઓ પોતાના આર્થિક લાભ માટે આવા તેલનો વધુ ઉપયોગ કરે છે. વળી, પ્લાસ્ટિકમાં ગરમ ફરસાણ કે અન્ય વસ્તુ પેક કરે છે તે પણ નુકસાન કરે છે. કારણ કે એક તો પ્લાસ્ટિક ગરમ હોય, તેમાં ગરમ ફરસાણ કે હોટેલ, રેસ્ટોરન્ટ વાળા ગરમ શાક, દાળ તેમજ લારી, ગલ્લાં વાળા ગરમ ચા બાંધી આપે એટલે પ્લાસ્ટિકના કેમિકલ ખાદ્ય પદાર્થમાં ભળી નુકસાન કરે છે.
સાથે ગાંઠીયામાં વપરાતા સોડા- કેમિકલ પણ નુકસાન કર્તા છે. વળી કેટલાક વેપારી 2થી લઇને 7 દિવસની ચટણી બનાવી ફ્રિઝરમાં રાખી મૂકે છે અને જરૂરિયાત મુજબ વાપરે છે. જલેબીનો આથો 12 કલાકમાં આવી જાય. એક વખત આથો આવી ગયા બાદ તેની જલેબી બનાવી નાંખવી જોઇએ. કેટલાક વેપારી વધેલો આથો રાખી મૂકે છે અને પછી તે આથામાંથી સાંજે ફરી જલેબી બનાવે તે પણ આરોગ્યને માટે હાનિકારક છે. ત્યારે આ રીતે ક્વોલીટી સાથે બાંધછોડ કરીને ફરસાણ બનાવાતું હોય ત્યારે ફૂડ વિભાગે પણ આમાં ચેકિંગ કરી જરૂરી કાર્યવાહી કરવી જોઇએ.
અન્ય કેટલીક તકેદારી
ગરમ ફરસાણ બન્યા બાદ 45 મિનીટથી લઇને દોઢ કલાકમાં ઉપયોગમાં લઇ લેવું જોઇએ. હાલ તો ઉનાળો શરૂ થયો છે. ત્યારે એક તો ગરમ ફરસાણ, પ્લાસ્ટિકમાં પેક કરે અને ઉનાળાની ગરમી લાગે. એટલે આ ફરસાણ સ્વાસ્થ્યને હાનિકારક બને છે.
ભાવ ઘટાડવા જોઇએ
ફરસાણ બનાવવામાં 60 ટકા લોટ અને 40 ટકામાં પાણી, મરી મસાલા, મેથી, બટેટા વગેરેનો ઉપયોગ થાય છે. એટલે કિલોએ ઉત્પાદન ખર્ચ ઘટી જાય છે. વળી, રાંધણ ગેસની વાત કરીએ તો 10 કિલો ફરસાણ બને ત્યારે 1.5 કિલો જ ગેસ વપરાય છે. એટલે ગેસના ભાવ વધારાનું પણ બહાનું છે. વળી, મજૂરની ખર્ચ પણ એટલો લાગતો નથી. કારણ કે મોટભાગે મજૂર-કારીગરને તો દિવસના 300 રૂપિયા જ મળતા હોય છે. જ્યારે વેપારી 2 કિલો ફરસાણ વેંચી 800 કમાઇ લે છે. આમ, સરવાળે જોઇએ તો ફરસાણમાં ઉત્પાદન ખર્ચ ઘણોજ ઓછો હોય ફરસાણના ભાવ ચોક્કસ ઘટવા જોઇએ. વધુમાં વધુ 250થી 300 રૂપિયાનો જ ભાવ હોવો જોઇએ.
તેલમાં ભેળસેળ
સામાન્ય રીતે તેલમાં 20 સુધી ભેળસેળ મતલબ અન્ય તેલનું મિશ્રણ માન્ય ગણાય છે. કેટલાક વધુ મિશ્ર તેલ વાપરે છે. વળી, પામતેલ નવા ડબ્બાને બદલે જૂના ડબ્બામાં પેક કરે(રિયૂઝ કરે)તેપણ નુકસાન કરે છે. આ ઉપરાંત ગરમ ગાંઠીયા, ભજીયા અન્ય પેપરના બદલે પેપર ડિશ કે ખાખી કાગળમાં આપવા જોઇએ. છપાયેલા પેપરમાં આપવાથી તેની ઇન્ક(શાહી) નુકસાન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.