જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરને રમણીય સ્થળ બનાવવા માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરી છે. હાલ કામગીરી ધીમીગતિએ ચાલી પણ રહી છે. જોકે, આ કામગીરી દરમ્યાન સરોવરની જળસંગ્રહ શક્તિ ઘટવી ન જ જોઈએ તેવો સરકારનો આદેશ છતાં જે કામ થઇ રહ્યું છે તે જોતા સરોવર એક ખાબોચિયું બની જશે તેવી આશંકા વ્યક્ત થઇ રહી છે. જનતા આ અંગે ચિંતિત છે તેમ ભાજપના કેટલા લોકો પણ આ મામલે સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. આમાં ખાસ કરીને સરોવર ખાબોચિયું ન બની જાય તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફીકેશન પાછળ પ્રથમ ફેઇજમાં રૂા. 25 કરોડના ખર્ચે કામ કરવાનું છે જે ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે દરરોજ ખુબ મોટા પ્રમાણમાં ડમ્પરો દ્વારા માટી ઠલવાઇ રહી છે. ત્યારે સરોવરની જળસંગ્રહ શક્તિ ઘટી જવાની ચિંતા વ્યાજબી જ છે. બીજીબાજુ જે માટી અને કપચી બહારથી લાવવામાં આવી રહ્યા છે તેને બદલે તળાવના એક ખાલી હિસ્સામાંથી માટી અને પથ્થરો કાઢીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તળાવ ઊંડું થઇ શકે જળ સંગ્રહ શક્તિ પણ વધે. નરસિંહ મહેતા સરોવરને જૂનાગઢનું નવું નજરાણું બનાવવાની સરકારની નેમ ખરેખર સારી છે, પણ વિકાસના નામે વિનાશ થતો જાય છે.
એટલે જૂનાગઢની જનતામાં પણ ચિંતા છે. કારણ કે, એક સમયે દામોદર કુંડને વિકાસના નામે એક ખાબોચિયા જેવો બનાવી દેવાયો. પહેલા ત્રણ કુંડ બનાવ્યા પછી એ ખર્ચ પાણીમાં ગયો. કારણ કે, લોકરોષના કારણે તેને તોડીને ફરીથી બનાવવામાં આવ્યો અને એ પણ એક ખાબોચિયું બની ગયો! કંઈક આવું જ નરસિંહ મહેતા સરોવરના વિકાસ કામમાં થઇ રહ્યાનો વસવસો ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યા છે. જે સત્તામાં નથી પણ પોતાની વાત મુકવામાં સતત આગળ રહે છે તેવા લોકોએ આ મામલે સરકાર સુધી વાત પહોંચે તેવા પ્રયત્નો પણ કર્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આદેશ મુજબ વિકાસ થાય છે કે કામ કરતા લોકોની ઈચ્છા મુજબ સરોવરનો પણ વિનાશ થઇ જશે ?
વનવે બોર્ડ હટાવી લેવાયા, રસ્તો ચાલુ પણ મગનું નામ મરી હજુ નથી પાડતા
નરસિંહ મહેતા સરોવરના વિકાસ કાર્યને ધ્યાને લઇ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં શહીદ પાર્કથી પેટ્રોલ પમ્પ સુધીના માર્ગને વન-વે જાહેર કરી દેવાયો હતો. એ જાહેરનામાની મુદત પુરી થઇ ગઈ છે અને નવું જાહેરનામું આવે તે પહેલા વિરોધના સુર ઉઠતા રસ્તો ખુલ્લો કરી દેવાયો છે. વન- વે બોર્ડ અને આડસ હટાવી લેવામાં આવી છે, પણ આ રસ્તો ચાલુ છે કે નહીં તે અંગે અધિકારીઓ કઈ જ બોલતા નથી! જોકે, હાલ વન-વે ન હોવાથી લોકોને હાશકારો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.