નિષ્ઠા સામે સવાલ:ગેરકાયદેસર બાંધકામો નહિ તોડાય તો કમિશ્નર સામે થશે કોર્ટ કાર્યવાહી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટીસ આપી કાર્યવાહી ન કરી કોર્ટમાં સ્ટે લાવવાનો સમય અપાયો
  • અધિકારીઓની​​​​​​​ નિષ્ઠા સામે સવાલ ઉઠાવાયા

શહેરમાં આડેધડ રીતે ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો ટૂંક સમયમાં નહિ હટાવાય તો કમિશ્નર સામે કાર્યવાહી કરવા કોર્ટમાં રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મનપાના કમિશ્નર રાજેશ તન્નાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં મનપાના અધિકારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા સામે સવાલ ઉઠાવાયા છે.

પત્રમાં જણાવાયું છે કે, 260(2) ની નોટીસ આપ્યા બાદ 7 દિવસમાં બાંધકામ ન હટાવે તો પણ ફરી 7 દિવસની મુદ્દતની 260(2) ની નોટીસ અપાય છે, પરંતુ ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામો દૂર કરાતા નથી! આ રીતે અધિકારીઓ, ગેરકાયદેસર બાંધકામો કરનાર સામે કાર્યવાહીમાં જાણી જોઇને વિલંબ કરી આવા બાંધકામ કરનારને કોર્ટમાં જવાનો અને સ્ટે લઇ આવવાનો સમય આપે છે.

જેની મિઠી નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામો થાય છે તે જ આવા બાંધકામો કરનારને છાવરે છે. ત્યારે અમારી માંગણી છે કે, જે પણ આસામીને 260(2) ની નોટીસ આપી હોય તે તમામ બાંધકામો મનપા દૂર કરાવે. તેમ છત્તાં કાર્યવાહી નહી થાય તો કમિશ્નર સામે કાર્યવાહી કરવા કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...