જૂનાગઢમાં ગત વર્ષે 23.51 લાખનો દારૂ પકડાયાનો ગુનો નોંધાયો હતો. આ ગુનાના એક આરોપીએ પોતે 140 કિલો વજનનો હોઇ અને 1 વર્ષથી બેડ રેસ્ટમાં હોઇ જામીન માંગ્યા હતા. જોકે, કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.જૂનાગઢના સી ડિવીઝન પોલીસ મથકમાં ગત વર્ષે 23.51 લાખની કિંમતનો દારૂ પકડાયો હતો. જેમાં ગાંધીગ્રામના કાના ઉર્ફે બાડો દેવરાજભાઇ કોડીયાતર (ઉ. 29) સામે ગુનો નોંધાયો હતો. હાલ તે જેલમાં છે. તેણે પોતાના વકીલ મારફત જામીન અરજી કરી હતી. જેમાં તેણે એવી દલીલ કરી કે, પોતાનું વજન 140 કિલો છે અને 1 વર્ષનો બેડ રેસ્ટ કરવો પડે એમ છે.
વળી પોતે અઢી વર્ષથી જેલમાં છે. પોતાની સામે 15 ગુના હોવાનું દર્શાવાયું છે એ પૈકીના 5 માં નિર્ણય આવી ગયો છે અને 2 કેસમાં જામીન મળી ગયા છે. આની સામે સરકારી વકીલ જે. એમ. દેવાણીએ દલીલ કરી હતી કે, જ્યારે 23 લાખથી વધુનો દારૂ પકડાયો ત્યારે આરોપી દરોડા વખતે ત્યાંથી નાસી ગયો હતો. વળી તે બીજા 16 ગુનાઓમાં સંડોવાયેલો છે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, આરોપી હત્યા અને ખુનના પ્રયાસના ગુનામાં પણ સંડોવાયેલો છે. આથી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રોહન કે. ચુડાવાલાએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.