વિસાવદરના કૉંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રીબડિયા પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા અને હાલ વિસાવદર બેઠક પર ભાજપે તેને ટિકિટ પણ આપી દીધી છે. જો કે, જ્યારથી રીબડિયાએ પક્ષપલટો કર્યો ત્યારથી જ તેમની પર આક્ષેપોનો મારો થઈ રહ્યો છે. ત્યારે આજે રીબડિયાએ મૌન તોડી કહ્યું હતું કે, મેં મારી જમીન વેચીને રાજનીતિ કરી છે. મા ભગવતીના સોંગદ ખાઈને રીબડિયાએ કહ્યું હતું કે, જો એક રૂપિયો કોઈએ મને પક્ષનો આપ્યો હોય તો મા ભગવતી મને કાળી રાતે ઉભો ચીરી નાખે. બાકી મારી વોત કરતા હતા તેને તો તું સવારે કોઢ કાઢ મા ભગવતી.
રૂપિયા લઈ ભાજપમાં જોડાયાના આક્ષેપોનો જવાબ આપ્યો
વિસાવદરના ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયાએ પક્ષ પલટો કર્યો ત્યારથી જ તેમના પર પૈસા લઈને પક્ષ પલટો કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આજે રીબડિયાએ પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, મેં અત્યાર સુધી રાજનીતિ મારી મિલ્કતો વેચીને કરી છે. રીબડિયાએ મા ભગવતીના સોંગદ ખાઈને કહ્યું હતું કે, જો એક રૂપિયો કોઈએ મને પક્ષનો આપ્યો હોય તો મા ભગવતી મને કાળી રાતે ઉભો ચીરી નાખે. સાથે વિરોધ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મારી વાતો કરતા હતા તેને તો તું સવારે કોઢ કાઢ મા ભગવતી.
સોંગદ ખાવાની વાત લોકોને ઉલ્લું બનાવવાની છે- કૉંગ્રેસના ઉમેદવાર
અમારી આસ્થાના કેન્દ્ર ખોડલધામમાં પણ હર્ષદ રીબડિયાએ સોંગદ ખાધા હતા કે તે કૉંગ્રેસ છોડી ભાજપમાં નથી જવાનો.આ વાત સાબિતી કરે છે કે, તે સોગંદ ખાવાની વાત કરે છે તે ખોટી વાત છે. તે લોકોને ઉલ્લું બનાવે છે. જે મિલ્કત વેચવાની વાત કરે છે તે વાત ખોટી છે. તેને અન્ય જગ્યાએ રોકાણ કરવા માટે પોતાની મિલ્કત વેચી છે. પૈસા લીધા વિના ભાજપમાં જોડાવાની વાત કરે છે તે ખોટી છે. તે લાખો નહીં કરોડો રૂપિયા લઈ ભાજપમાં જોડાયા છે. રીબડિયાએ પોતે જ કહ્યું હતું કે, તેને 45 કરોડની ઓફર આવી હતી અને વેચાણો ન હતો. આ જ માણસ પંદર દિવસમાં વેચાઈ ગયો તો શું તેને વધારે પૈસા મળ્યા હશે?
દેશી ભાષામાં રીબડિયાએ કૉંગ્રેસની ઝાટકણી કાઢી
ભેસાણ તાલુકાના ચુડા ગામમાં વિધાનસભા વિસાવદરના ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ સભા સંબોધી હતી અને જણાવ્યું હતું કે, કે કોંગ્રેસ હતો ત્યારે વા (પવન) સામે ઘોડી રાખી અમે વાવલતા હતા ( ખેતરમાં સામે પવને પાક તૈયાર થતા તેમાંથી કચરો કાઢવાની વાત થાય) અને જે કચરો કાઢવામાં આવતો હતો તે પોતાના મોઢા પર જ આવતો હતો. આવું કહી હર્ષદ રીબડીયાએ કોંગ્રેસમાં કંઈ પણ સારી કામગીરી ન થતી હોવાની અને પોતાની કોંગ્રેસમાં કોઈ કામ સમયસર ના થતા હોવાની વાત દેશી ઢબે કહ્યું હતું.
રીબડિયાએ સરકારની નિષ્પક્ષતાની પોલ ખોલી
હર્ષદ રીબડિયાએ કહ્યું હતું કે, જૂનાગઢથી વાયા પરબવાવડી થઈ હડમતીયા ચોકડી સુધીનો રસ્તો બે વર્ષથી મંજૂર થઈ ગયો હતો. પરંતુ, જંગલખાતાએ મંજૂરી રોકાવી રાખી હતી. હું ભાજપમાં જોડાયા અને ગાંધીનગર જઈ બેસી ગયો તો આઠ જ દિવસમાં મંજૂરી મળી ગઈ અને કામ પણ ચાલુ થઈ ગયું.આ તાકાત સરકારની અને ભાજપની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.