તપાસ:નરસિંહ સરોવરમાંથી સાયકલ જ મળી, મનન હેમખેમ હોવાની આશા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાથી આવેલી એનડીઆરએફએ આખું તળાવ ધમરોળ્યું: હવે સીસી ટીવી પર આધાર

જૂનાગઢના શાળા સંચાલકનો પૌત્ર 4 દિવસથી ગુમ છે. ચાર દિવસમાં જૂનાગઢ મનપાની ફાયરબ્રીગેડના તરવૈયાઓએ આખું નરસીંહ મહેતા સરોવર ધમરોળી નાંખ્યું. પણ મનનનો તેમાંથી પત્તો ન લાગતાં એક તરફ તેના જીવિત હોવાની આશા પરીવારજનોમાં બંધાઇ છે. તો આજે વડોદરાથી આવેલી એનડીઆરએફની ટીમે પણ તપાસ કરી જણાવ્યું કે, નરસીંહ મહેતા સરોવરમાં હોવાની શક્યતા નથી. આથી હવે પોલીસે સીસી ટીવી કેમેરા ફરીથી ચેક કરવાની કવાયત હાથ ધરી છે.

જૂનાગઢની જલારામ સોસાયટી પાછળ રિદ્ધી ટાવરમાં રહેતા દિપેશભાઇ દિલીપભાઇ જોષીનો 15 વર્ષીય પુત્ર મનન ગત તા. 9 જુલાઇ 2022 ની રાત્રે ગુમ થયા બાદ તેનો મોબાઇલ શહીદ પાર્ક નજીક કચરા ટોપલી પર મૂકેલો મળી આવ્યા બાદ તેના પિતાએ પોલીસમાં પોતાના પુત્રના અપહરણની ફરીયાદ નોંધાવી છે. જોકે, પોલીસે તેની નરસીંહ મહેતા સરોવરમાંથી શોધખોળ કરવા ચાર દિવસથી ફાયર બ્રીગેડના તરવૈયાઓને કામે લગાડ્યા છે. પણ આખું તળાવ ધમરોળી નાંખવા છત્તાં હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. આજે સાંજે 6 વાગ્યાના અરસામાં જોકે, તેની સાયકલ તળાવમાંથી મળી આવી છે.

આજે વડોદરાથી એનડીઆરએફના જવાનો મનનની શોધખોળ કરવા માટે જૂનાગઢ આવ્યા હતા. અને નરસીંહ મહેતા સરોવરમાં શોધ અભિયાન ચલાવ્યું હતું. પણ તળાવમાં તેની કોઇ ભાળ ન મળતાં એક તરફ પરીવારમાં પણ હવે તે હેમખેમ હોવાની આશા બંધાઇ છે. તો બીજી તરફ પોલીસે પણ હવે અપહરણની થીયરીને આગળ ધપાવવા જુદા જુદા સ્થળે સીસી ટીવી કેમેરાની ફરીથી તપાસ કરવાનું શરૂ કર્યું છે. આ મામલાની ચર્ચા જૂનાગઢના લગભગ તમામ સોશ્યલ મીડિયા ગૃપમાં ચાલી રહી છે.

આજે બ્રહ્મ આગેવાનો જયદેવ જોષી, મનોજ ભીખાભાઇ જોષી, કાર્તિક ઠાકર, સહિતનાએ નરસીંહ મહેતા સરોવર ખાતે ચાલી રહેલા શોધ અભિયાન પર કલાકો સુધી નજર રાખી હતી. આ સાથે શહેરની મોટાભાગની શાળાઓમાં ભણતા બાળકોના વાલીઓને મનનના ફોટા સાથેની વીગતો શેર કરી જો તેની ક્યાંય પણ ભાળ મળે કે જોયો હોય તો માહિતી આપવા અપીલ કરાઇ છે. ચાંપરડાના મુક્તાનંદબાપુએ પણ તમામ ધાર્મીક સ્થળો, આશ્રમો કે ક્યાંય પણ કોઇએ તેને જોયો હોય તો તેની વીગતો શેર કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...