બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે:1 લાખથી વધુ જૂનાગઢીઓને હાઇપર ટેન્શન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની સતત ભાગદોડ ભરી જીંદગીના કારણે આ બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે : હળવી કસરત કરો, ફાસ્ટફૂ઼ડનો ત્યાગ કરો અને યોગ પ્રાણાયમથી બિમારીમાં ઘટાડો થઇ શકે છે

જૂનાગઢ શહેરમાં 1 લાખથી વધુ લોકોને હાઇપર ટેન્શન- બીપીની બિમારી છે. ખાસ કરીને શહેરીજનોની જીંદગી વધુ પડતી ભાગદોડ વાળી બની રહી છે જેના પરિણામે આ બિમારી વધી રહી છે. ત્યારે આ બિમારીથી બચવા માટે યોગ,પ્રાણાયમ અને હળવી કસરતો કરવી જોઇએ સાથે ફાસ્ટફૂડનો પણ ત્યાગ કરવો જોઇએ. આ અંગે મળતી વિગત મુજબ સિવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલકુમારના માર્ગદર્શનમાં સિવીલમાં એક કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 400 લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવતા હાઇપર ટેન્શન-બીપીની બિમારી ધરાવતા લોકોની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યું છે.

આ અંગે સિવીલના એમડી ફિઝીશ્યન ડો. જીજ્ઞેશ કરંગીયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકોમાં આ બિમારીનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે મેદસ્વિતાપણું એટલેકે શરીરનું વધુ પડતું વજન હોય, ડાયાબિટીસની બિમારી હોય, કામનું વધુ પડતું ભારણ હોય તેવા સંજોગોમાં બિમારી થઇ શકે છે.

જૂનાગઢ શહેરની વાત કરીએ તો શહેરમાં અંદાજે 1 લાખથી વધુ લોકો આ બિમારીનો શિકાર બન્યા છે. જ્યારે ગામડામાં આ બિમારીનું પ્રમાણ ઓછું હોય છે. ત્યારે આ બિમારીથી મુક્ત થવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે. આ એક સાયલન્ટ કિલર બિમારી છે. આ બિમારીથી મગજ, હ્રદય, ધમની અને લાંબા ગાળે કિડનીને પણ નુકસાન પહોંચી શકે છે.

બિમારીથી બચવાના ઉપાયો
વોકીંગ, સાઇકલીંગ કે જીમ જેવી હળવી કરસત કરવી,વધુ પડતો તેલ,ઘીનો વપરાશ થતો હોય તેવો ચરબી યુક્ત ખોરાક ન ખાવો, ફાસ્ટફૂડ, જંકફૂડ વઘુ પડતું ન ખાવું, મીઠાનો વધુ ઉપયોગ ટાળવો, તનાવથી મુક્ત રહેવું, લીલા શાકભાજી, કઠોળનું સેવન વધારો, ધ્યાન, યોગ, પ્રાણાયમ કરવા, ધ્રુમ્રપાન, તમાકુ, દારૂનું સેવન ન કરવું, ડાયાબિટીસ હોય કે કોલેસ્ટરોલ હોય તો નિયમીત દવાથી તેને કાબુમાં રાખવો.

બિમારીના લક્ષણો ક્યા છે?
માથાનો દુ:ખાવો થવો, માથું ભારે ભારે લાગવું, ચક્કર આવવા,ઉલ્ટિ- ઉબકા આવવા, છાતીમાં દુ:ખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ધબકારા અનિયમિત બની જવા, આંખમાં ઝાંખપ આવવી, નાકમાંથી લોહી વહેવું.

શું બિમારી થઇ શકે છે?
હાઇપર ટેન્શનની બિમારી લાંબો સમય સુધી રહે અને યોગ્ય સારવાર ન કરાવો તો હ્રદયનો હુમલો થવો, હાર્ટ ફેઇલ થવું, પક્ષઘાતનો હુમલો થવો, હેમરેજ થવું, કિડની ડેમેજ થવી તેમજ આંખના પડદાને નુકસાન થતા આંખે ઝાંખપ આવી શકે છે.

હાઇપર ટેન્શન- બીપી થવાના કારણો
વારસાગત રીતે પેઢી દર પેઢી હાઇપર ટેન્શન અને હ્રદયની બિમારી થઇ શકે છે. કસરતનો અભાવ અને બેઠાડું જીવન, બિન આરોગ્યપ્રદ ખોરાક, ફાસ્ટફૂડ કે જંકફૂડનો વધુ ઉપયોગ, ખોરાકમાં વધુ પડતું નમક(મીઠા)નો ઉપયોગ, તનાવગ્રસ્ત પરિસ્થિતી, કામનું વધુ પડતું ભારણ, સામાજીક કારણોસર થતી ચિંતા(સ્ટ્રેસ લાઇફ) અને ધ્રુમપાન, દારૂ, તમાકુનું સેવન, વઘુ પડતી ચા-કોફીના સેવનથી આ બિમારી થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...