હાલાકી:વાવાઝોડાથી ગીરગઢડાના સોનપરા ગામમાં 12 દિવસથી વિજળી ડુલ, ગામમાં 12 દિવસમાં 10 લોકોના મૃત્‍યુ થયા

જૂનાગઢ8 મહિનો પહેલા
  • ગામમાં અનેક લોકો વિજળી ન હોવાના કારણે બ્‍લડપ્રેશર અને બેચેની જેવી બિમારીમાં સપડાયા

વાવાઝોડાએ ગીર સોમનાથના ગીરગઢડા-ઉના તાલુકાના ગામોના લોકોનું જનજીવન ખોરવી નાખ્‍યુ છે. વાવાઝોડાના 12 દિવસ બાદ પણ બન્‍ને તાલુકાના અનેક ગામોમાં હજુપણ અંઘારપટ છવાયેલો છે. અને હજુ વિજ પુરવઠો પૂર્વવ્રત થયો ન હોવાથી ગ્રામજનો પારાવાર મુશ્‍કેલીનો સામનો કરી રહ્યાં છે. જેમાં ગીરગઢડાના સોનપરા ગામમાં 12 દિવસથી વિજળી ડુલ છે. તથા ગામમાં 12 દિવસમાં 10 લોકોના મૃત્‍યુ થયા છે.

ગામમાં વિજળી વગર છેલ્‍લા 12 દિવસમાં 10 લોકોએ જીવ ગુમાવ્‍યો

ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીરગઢડા તાલુકાના સોનપરા ગામના 4 હજારથી વઘુ ગ્રામજનો વિજળી વાંકે ટળવળી રહ્યાં છે. ગામના રસપંચના જણાવ્‍યા મુજબ ધોમધખતા ઉનાળાની અસહ્ય ગરમી અને ઉકળાટ અને ગામમાં વિજળી ન હોવાના કારણે લોકોના બ્લડપ્રેશર હાઇ થઇ રહ્યાં છે. ગામમાં વિજળી વગર છેલ્‍લા 12 દિવસમાં 10 લોકોએ જીવ ગુમાવ્‍યો છે. ત્‍યારે તંત્ર વ્‍હેલીતકે ગામમાં વિજપુરવઠો પૂર્વવ્રત કરે તેવી માંગણી કરી રહ્યાં છે.

સોનપરા ગામમાં અંદાજે 4500 લોકો રહે છે

21 મી સદીમાં હરણફાળ ભરતા દેશ અને ગુજરાતમાં આજે પણ અનેક ગ્રામ્ય વિસ્તારમાં લોકો અંધકાર મય જીવન વ્યતીત કરવા મજબૂર છે. ત્‍યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સોનપરા ગામમાં અંદાજે 4500 લોકો રહે છે. વાવાઝોડાના કહેરના કારણે સોનપરા ગામમાં 12 - 12 દિવસથી વીજ પુરવઠો ખોરવાયેલો હોવાથી ગ્રામજનો અતિ દયનિય સ્થિતિમાં મુકાયા છે.

લોકો બ્‍લડપ્રેશર સહિતના રોગોને કારણે બીમાર પડી રહ્યાં છે

વાવઝોડુ તો ક્ષણીક સમયમાં તારાજી સર્જી ચાલ્યુ ગયું પરંતુ ત્‍યારબાદ સોનપરાના વ્યથિત થયેલા ગ્રામજનોની વેદના ઠાલવતા ગામના સરપંચ દાનાભાઇ ડોડીયાએ જણાવેલુ કે, આજે 12 - 12 દિવસથી અમારા ગામમાં લાઈટ ન હોવાથી અંધારપટ છે. ત્‍યારે હાલ ઉનાળાના ધોમધખતા તાપ અને અસહ્ય ગરમીના કારણે અનેક લોકો બ્‍લડપ્રેશર સહિતના રોગોને કારણે બીમાર પડી રહ્યાં છે. જેમાં અંઘારપટના છેલ્‍લા 12 દિવસમાં અમારા ગામમાં 10 લોકોના મૃત્યુ થયા છે.

તંત્રને વહેલી તકે વીજ પુરવઠો આપવા કાકલૂદી

જયારે સોનપરા ગામની ગૃહિણી વેદના ઠાલતા જણાવે છે કે, ઉનાળાના અસહ્ય ઉકળાટમાં બાળકોને સાચવવા દોહલા બન્યા છે. તો લાઈટના હોવાથી સાંજે પાંચ વાગ્યે રસોઈ બનાવી છ વાગ્યા પહેલા જમી લેવું પડે છે. વઘુમાં અમારૂ ગામ ગીર જંગલ નજીકનું હોવાથી સિંહ - દિપડા જેવા વન્ય પ્રાણીઓ પણ ગામમાં આવી ચડતા હોવાથી ફરજીયાત રાત્રીના સમયે ઘરમાં જ પુરાઈ જવું પડે છે. હાલ તો વિજળી વેરણ બનતા સોનપરા ગામના લોકો બેહાલ બન્યા છે. અને સરકાર અને તંત્રને વહેલી તકે વીજ પુરવઠો આપવા કાકલૂદી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...